વડોદરા: બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા બાળકોના ભવિષ્ય માટે શિક્ષણને વધુ સસ્તું અને સરળ બનાવવાના હેતુથી નોટબુક ડોનેશન ડ્રાઇવ યોજવામાં આવી, જેમાં ૬ સરકારી અને ગ્રામીણ શાળાના ૨૦૦૦થી વધુ બાળકોને નોટબુકો વિતરણ કરવામાં આવી.
આ માટે વિશિષ્ટ શાળાઓ પસંદ કરવામાં આવી જેમાં ઝીલોડ પ્રાથમિક શાળા, આનંદ, ગુતાલ પ્રાથમિક શાળા, ખેડા અને મોટીસંખિયાડ પ્રાથમિક શાળા આણંદ, કે.બી. પરીખ હાઈ સ્કૂલ, વડોદરા, પાનેલાવ પ્રાથમિક શાળા, હાલોલ, જી.પંચમહાલ, વાંશખીલીયા પ્રાથમિક શાળા, આણંદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નોટબુકો વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ ક્રિયા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે નોટબુક ખરીદવા માટે પૂરતી આર્થિક શક્તિ નથી. આવા વિદ્યાર્થીઓ માટે દાન કાર્ય આશીર્વાદરૂપ સાબિત થયું છે.
નોટબુક મળવાથી બાળકોમાં અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે અને શિક્ષકોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ હવે વધુ મન મુકીને અભ્યાસ કરે છે. કાર્યને સફળ બનાવવા પાછળ અનેક દાતાઓનો સહયોગ રહ્યો છે. સાથે બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનના નિષ્ઠાવાન સ્વયંસેવકોની મહેનત અને આયોજન શ્રેષ્ઠ રહ્યું. બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન હૃદયપૂર્વક તમામ દાતાઓ અને સ્વયંસેવકોનો આભાર માને છે જેમણે શિક્ષણયાત્રાને સમર્થન આપ્યું અને બાળકોના ભવિષ્યમાં ઉમદા ફાળો આપ્યો.
બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનનો ધ્યેય છે કે, કોઈપણ બાળક માત્ર નોટબુકના અભાવે અભ્યાસથી વંચિત ન રહે. આવનારા સમયમાં વધુ શાળાઓ સુધી અભિયાન પહોંચાડવાનું અમારું ધ્યેય છે.