ગુજરાતી સિનેમામાં વાર્તા અને ભાવનાઓનો મિલાપ ઝડપથી ઊંડો થઈ રહ્યો છે, તેની એક ઉત્તમ સાબિતી છે આજે એટલે કે 4 જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થઇ રહેલી ફિલ્મ “ડેડા”. હેમા શુક્લાના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મ એક સામાન્ય મિડલ ક્લાસ પિતાની વાર્તા કહે છે, જે જીવનના અઘરા સંજોગોમાં પણ પોતાના પરિવાર માટે અડગ રહીને સંઘર્ષ કરે છે. હેમા દેસાઈ આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર છે. આ ફિલ્મથી તેઓ ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યાં છે. બ્રિજરાજ પ્રોડક્શનના બેનર હેઠળ નિર્મિત ફિલ્મ ડેડાના નિર્માતા બ્રિજેશ નરોલા છે.
વાર્તા :-
‘ડેડા’ એક એવી વાર્તા જે એક પિતાના અસંખ્ય સંઘર્ષો અને તેમના પરિવાર માટે તેમણે કરેલા પ્રયાસોને ઉજાગર કરે છે. આ અખિલ (ગૌરવ પાસવાલા) અને ખુશી (હેલી શાહ) દંપતિની વાત છે. અખિલ અને ખુશી માતાપિતા બનવા જઈ રહ્યાં છે, પરંતુ પ્રેગ્નેન્સીને લઇને કેટલીક ગૂંચવણો ઊભી થાય છે. ડૉક્ટર કહે છે કે ખુશીની હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તાત્કાલિક અને ખર્ચાળ છે અને તેના માટે તાત્કાલિક મોટા નાણાંની જરૂરિયાત ઉભી થાય છે. અખિલ, પૈસાની વ્યવસ્થા કરવામાં અસમર્થ જોવા મળે છે. ફિલ્મ તેમના આ ફાઇનાન્સિયલ તથા ભાવનાત્મક સંઘર્ષની છે, આ એક એવી યાત્રા જે આપણા બધાને ક્યાંક ને ક્યાંક ટચ કરે છે. સંઘર્ષમય અખિલ પૈસાની વ્યવસ્થા કરવા માટે અનેક સમસ્યોઓને વીંધીને એક પોઈન્ટ પર પહોંચે છે. તે આ બિંદુએ કેવી રીતે પહોંચ્યો અને તે આગળ શું કરશે તે ‘ડેડા’ ફિલ્મનું હૃદય છે.
અભિનય:
ગૌરવ પાસવાલાનો અભિનય ઉત્કૃષ્ટ છે. એક પિતાના ડોલાતા મન, ભય અને પ્રેમના ભાવોને તેઓ ખૂબ ભાવુક રીતે વ્યક્ત કરે છે. હેલી શાહની પર્સેન્સ અને અભિનય પણ અંત સુધી પ્રભાવિત કરે છે. સહાયક કલાકારો – હિતેન તેજવાણી, અસરાની, મેહુલ બુચ અને સોનાલી લેલે દેસાઈ – બધાએ તેમની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી છે.
ફિલ્મનું સંગીત અને ગીતો વાર્તાને અનુરૂપ છે. કેટલાંક સંવાદો લાગણીઓને ભીંજવી દે છે. એકદંરે કહીએ તો ફિલ્મની વાર્તામાં ડેડા એટલે કે પપ્પા બનવા જઈ રહેલો નાયક સંઘર્ષ કરી અંતે વાર્તાને સુખદ અંત તરફ દોરી જાય છે.
આ ફિલ્મને ખબરપત્રી તરફથી મળે છેઃ ⭐⭐⭐