ઓસ્ટ્રેલિયન ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતના હાથે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. સેમીફાઈનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે ઓડીઆઈ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. સ્મિથ 2015 અને 2023ની વનડે વર્લ્ડ કપમાં વિજેતા રહેલી કાંગારૂ ટીમનો સભ્ય રહી ચૂક્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. સેમીફાઈનલમાં હાર બાદ કાંગારૂ ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. હવે ODI કેપ્ટન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જો કે સ્મિથ ટેસ્ટ અને ટી20 ઇન્ટરનેશનલમાં રમશે.
સ્ટીવ સ્મિથે સંન્યાસની જાહેરાત કરતા કહ્યું…
35 વર્ષના સ્ટીવ સ્મિથે ભારતના હાથે હાર બાદ આ નિર્ણય વિશે જણાવતા સાથી ખેલાડીઓને કહ્યું કે, હવે લાગી રહ્યું છે કે, “સંન્યાસનો યોગ્ય સમય આવી ગયો હતો. આ એક શાનદાર યાત્રા રહી અને મેં તેની દરેક પળનો આનંદ લીધો. ઘણી બધી અદ્ભૂત ક્ષણો અને અદ્ભૂત યાદો છે. બે વર્લ્ડ કપ જીતવા એ મોટી ઉપલબ્ધી હતી. સાથે જ ઘણાં સારા સાથીઓનો પણ આ યાત્રા સાથ મળ્યો. હવે 2027 વનડે વર્લ્ડ કપની તૈાયરી શરૂ કરવાની શાનદાર તક છે. એટલા માટે એવું લાગે છે કે, આ યોગ્ય સમય છે.”
સ્મિથનો વનડે ક્રિકેટ રેકોર્ડ
સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયા તરફથી 170 મેચ રમી, જેમાં તેણે 43.28ની એવરેજ અને 86.96ની સ્ટ્રાઇક રેટથી 5800 રન બનાવ્યાં છે. જેમાં 12 સદી અને 35 અડધી સદી સામેલ છે. સ્ટીવ સ્મિથનો વનડેનો સર્વોત્તમ સ્કોર 164 રન છે. જે વર્ષ 2016માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે આવ્યા હતા. સ્મિથે ઓડીઆઈમાં 28 વિકટ પણ લીધી છે. સ્મિથે 64 વનડેમાં ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી હતી, જેમાં 32માં જીત અને 28માં હાર મળી છે. જ્યારે 4 મેચ ડ્રો રહી.