“મા, માતા, મમ્મી, અમ્મા” જેવા અનેક સંબોધનો જેના માટે રચાયા છે. તે ‘મા’ ઇશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. પ્રભુ તરફથી મળેલ અનમોલ ભેટ છે. માની મમતા એક એવું અમૃત છે કે જેના માટે ઇશ્વર પણ અવતાર ધારણ કરે છે. કહેવાય છે કે ઇશ્વર બધે જ પહોંચી શકતા નથી તેથી તેમણે માતાનું સર્જન કર્યું અને પોતાની સર્જન ક્ષમતા પણ માતાને આપી. પ્રેમ, કરુણા, દયા, ઉદારતા જેવા વિશિષ્ટ ગુણો આપી તેણે માતાને સર્વગુણોથી સંપન્ન બનાવી દીધી. ઉપનિષદમાં કહેવાયું છે કે “યથા પિંડે તથા બ્રહ્માંડે” આ પિંડ શરીરમાં જે છે તે સમગ્ર બ્રહ્માંડ (વિશ્વ) માં છે. વિશ્વનું સર્જન કરનાર પણ શક્તિ જ છે. માતા એ શક્તિ સ્વરૂપા છે સૌથી વધુ તકલીફ સહન કરી તે બાળકને જન્મ આપે છે. કોમળ હ્રદયની માતા તેના બાળક પર કંઇ આફત આવે તો દુર્ગા બની તેનું રક્ષા કવચ બની જાય છે.
“મા” એ એકાક્ષરી મંત્ર છે. અન્ય કોઇ મંત્ર કે જાપ કરવાની જરૂર રહેતી નથી. જયારે તમે તમારા માતાની સેવા કરો છો. માતાની સેવાથી તો સ્વર્ગની પણ પ્રાપ્તિ થઇ જાય છે. કારણકે ઇશ્વર કરતા પણ માતા વધુ મહાન છે. આપણા જન્મથી લઇ જીવનના દરેક તબક્કે ‘મા’ આપણી શક્તિ બની સાથે રહે છે. કવિ મકરંદ દવે કહે છે કે “ભગવાને માનું હૈયું ઘડીને હાથ ધોઇ નાંખ્યા છે. આ ‘માં’ (જનની) અને પેલી અનંત બ્રહ્માંડોને સર્જનારી ‘મા’ માં મને કોઇ ભેદ દેખાતો નથી.
‘મા’ એ શબ્દ નથી, પણ આપણા અસ્તિત્વની ઓળખ છે. અરે, અસ્તિત્વની ઓળખ નહીં, માતા આપણા અસ્તિત્વનો આધાર છે. આ વટવૃક્ષ બનેલા આપણા જીવનના મૂળ છે. અને મૂળ કયારેય જુદા થતા નથી. આપણે એમ માની લઇએ છીએ કે આપણે યુવાન થતા હવે જેની જરૂરિયાત નથી અને આપણામાં સમજણ આવી ગઇ હોવાથી તેની સલાહની જરૂર નથી. પરંતુ આપણી આ સમજણ્ લાંબી યાત્રા કરી શકતી નથી. કારણ કે જયારે પણ થોડી મુશ્કેલી આવે કે તરત જ ‘મા’ યાદ આવે છે.
બાળક સૌથી પહેલો શબ્દ “મા” બોલતાં શીખે છે, કારણકે તેનો પ્રથમ સ્પર્શ, પ્રથમ પ્રેમ, પ્રથમ અપેક્ષા, પ્રથમ ગુરુ એ ‘માતા’ હોય છે. અબોધ બાળકમાં એક વ્યક્તિત્વનું ઘડતર માતા દ્વારા થાય છે. લોકો કહે છે કે પ્રેમ આંધળો હોય છે. તેનું કારણ કદાચ એ છે કે જયારે આપણો આકાર ઘડાયો નથી, આપણો જન્મ થયાં પહેલાંથી જ ‘માતા’ માટે વિશિષ્ટ બની ગયા હોઇએ છીએ. આપણી ઇચ્છાઓ, અપેક્ષાઓ અને સપનાઓ પૂરા કરવા તે પોતાની જાતને પણ ભૂલી જાય છે.
મધર ડે એ પાશ્વાત્ય સંસ્કૃતિની ભેટ છે તેવું ગણાવી કેટલાંક લોકો તેનો વિરોધ કરે છે. સાચી વાત છે. માતા માટે કોઇ દિવસ ના હોય તેના માટે તો વર્ષના તમામ દિવસ ઓછાં પડે, પરંતુ આ બધા જ દિવસોમાં આપણે તેનું સન્માન કરતાં નથી. કોઇ એક દિવસ આપણે તેની સાથે ગાળી તેને ખુશી આપીએ તો તેમાં પણ કંઇ ખોટું નથી ભારતીય સંસ્કૃતિમાં માતાને ઇશ્વરને દરજ્જો તો આપી દીધો પરંતુ આપણે યાદ કરીએ તો જણાશે કે આપણે ‘માતા’ માટે કંઇ અલગ કરતાં જ નથી. ખરેખર માત્ર એક જ દિવસ માટે તેને તેની જવાબદારી માંથી જો થોડી રાહત આપી શકીએ તો એ તેના માટેની સર્વશ્રેષ્ઠ ભેટ હશે.
માતા એક એવી વસંત છે, જયાં હંમેશા પુષ્પની સુગંધ મહેકતી રહે છે. પૃથ્વી પર જેની મમતાનો કોઇ અંત નથી તે જ ‘મા’ છે. તેથી કવિએ કહ્યું કે,”જનની ની જોડ સખી નહીં જડે રે લોલ.”
~ ઉર્મિલા ભલસોડ