પ્રિય વાલી મિત્રો,
છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ અંતે આવી ગયો, “પરિણામનો દિવસ”. આ દિવસ સાચે જ એક પાલક તરીકે તમારા માટે ગભરામણ ઉભી કરે તેવો દિવસ હોઈ શકે પણ એ સ્વાભાવિક ઘટના છે. તમારા દીકરા કે દીકરીના પરિણામની સાથે સાથે તમારી મહેનતનું પણ પરિણામ તેની સાથે જોડાયેલ છે.
તમે જોયેલા સપનાઓ કેટલા અંશે સાચા ઠરશે તેની તાલાવેલી તમને પણ હોય , આખું વર્ષ જે સંતાનોએ મહેનત કરી તેનું કેવું ફળ મળશે તેની ઉત્સુકતા એક વાલી તરીકે તમને હોય એ સમજી શકાય તેમ છે, બીજા લોકોની તુલનામાં તમારી કેળવણી શું રંગ લાવશે તે જાણવાની ઈચ્છા તમને હોઈ શકે, સંતાનોની સાથે ભણતા મિત્રો કે અન્ય પરિવારના દીકરા દીકરીઓની તુલના તમારા સંતાનો સાથે થાય એમ પણ બને, એક માનવ સ્વભાવની વાત કરીએ તો બધાને પરિણામની અપેક્ષા ઉંચી જ હોય, અને બીજા લોકો કરતા સહેજ પણ ઉતરતા હોવું એ ઝડપથી આપણે સ્વીકારી શકતા નથી. પણ આ પરિસ્થિતિમાં કેટલીક એવી બાબતો પણ છે જે એક વાલી તરીકે તમારે સાચે જ ધ્યાનમાં રાખવી જોઈએ.
જો આપનું બાળક સારા ગુણાંકથી પાસ થાય છે તો એ ઘણી સારી બાબત છે. પણ જો તેઓ એમ નથી કરી શકતા તો મહેરબાની કરીને એમનો આત્મવિશ્વાસ ન છીનવો. રીઝલ્ટમાં દર્શાવેલા માર્ક એ માત્ર પરીક્ષામાં રજુ થયેલી આવડતના માર્ક છે, તમારા સંતાનોની કલ્પના શક્તિ અને સર્જન શક્તિના કોઈ માર્ક્સ રીઝલ્ટમાં દર્શાવેલા હોતા નથી. સારા માર્ક્સ લાવનાર વિધાર્થી જ જીવનમાં સફળ થાય એવું નથી, કોઈ એક સમયે સારા માર્ક્સ લાવનાર વિધાર્થી જીવનના બીજા કોઈ સમયે સારો દેખાવ નાં કરી શકે એમ પણ બને, તમે એવા ઘણા લોકોને ઓળખો છો જે તમારા કરતા ભણવામાં આગળ હતા, જેમનું પરિણામ તમારા કરતા હંમેશા સારું આવતું પણ આજે તમે તેઓને ક્યાંય પાછળ છોડીને તમે આગળ નીકળી ગયા છો માટે બાળકોને વ્યવહારુ બનતા શીખવો, તેઓને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતા શીખવો તેમેનું પરિણામ જે પણ આવે પણ એ યાદ રહે કે તમારું સંતાન તમારા માર્ક્સ કરતા વધુ મહત્વનું છે માટે તેમના પરિણામથી તમે પણ નાસીપાસ ન થાવ અને સંતાનોને પણ નાશીપાસ ના થવા દો.
આજના મોટા ભાગના મા-બાપ બાળકો પાસેથી ખૂબજ મોટી અપેક્ષા રાખતા થયા હોવાના મૂળમાં મા-બાપની પોતાની આકાંક્ષા પૂરી કરવા તેને સાધન સમજી સમાજમાં પોતાનો મોભો વધારવાની જે માનસિકતા દિન-પ્રતિ-દિન વધી રહી છે, જેને લીધે બાળક સતત મૂંઝવણમાં રહ્યા કરે છે. બાળકની શક્તિ તેની વિષય તરફની અભિરૂચીને લક્ષ્યમાં લીધા સિવાય એક સાધન તરીકે તેનો ઉપયોગ થવા લાગ્યો છે… પરિણામે વાલી તરીકે આપણે જ બાળક માટે ઘાતક સાબિત થઈએ છીએ.. સંતાનો પાસે એમની શક્તિથી વધારે અપેક્ષા ન રાખવી જોઈએ એ વાલીઓએ સમજવાની જરૂર છે. વાલીઓએ સતત પોતાના સંતાનને કહેતા રહેવાનું છે કે “પરીક્ષામાં તારા જે પણ માર્કસ આવે પણ તું ગભરાઈશ નહીં. અમે તારી સાથે જ છીએ.” બસ આટલી જ વાત બાળકમાં એક અનેરો જુસ્સો ભરી દે છે માટે પરિણામ જે પણ આવે તેની ઊજવણી કરો, સંતાનોએ આખું વર્ષ ખુબ મહેનત કરી છે એની મહેનતની પ્રસંશા કરો, એના પરિણામથી ખુશ થાવ અને એના પરિણામના ભાગીદાર બનો. એના પાલક બનો માલિક નહિ.
છેલ્લે…..“ માત્ર વ્યસ્ત રહેવું જ પૂરતું નથી. પરંતુ આપણે ક્યાં કામ માટે વ્યસ્ત છીએ એ જરૂરી છે. જે કામમાં અભિરૂચી ન હોય પરંતુ તમારા પર થોપવામાં આવ્યું હોય તેમાં આખો દિવસ વ્યસ્ત રહેશો છતાં સફળતા ક્યારેય નહીં મળે એ સ્વાભાવિક છે. “
-થોરો..(એક મહાન ચિંતક)
એક શિક્ષક – નિરવ શાહ