ગુજરાત ATSએ ફરી એકવાર ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અગાઉ પણ ઘણા લોકો આવી હનીટ્રેપમાં ફસાઈને પાકિસ્તાની એજન્ટોને આવી માહિતી આપતા હતા અને કેટલીક વખત અમુક રૂપિયાના બદલામાં પણ મહત્વની માહિતી તેમના સુધી પહોંચી જતી હતી.
આ વખતે પકડાયેલ આરોપી ઓખા પાસે રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ATSએ આ તમામ માહિતી મેળવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત એટીએસના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડ અને દરિયાઈ સરહદ અંગેની કેટલીક મહત્વની માહિતી છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન પહોંચી રહી હતી. આ સમગ્ર મામલે ગુજરાત એટીએસની ટીમ થોડા દિવસોથી ઓખાના એક વ્યક્તિ પર નજર રાખી રહી હતી. જેનું નામ દિનેશ ગોહિલ તરીકે સામે આવ્યું છે. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે સામે આવ્યું કે તેણે ત્યાંના કોસ્ટ ગાર્ડ વિશે ઘણી માહિતી આપી હતી. હવે એટીએસ એ તપાસ કરી રહી છે કે તે કયા મોડ્યુલ સુધી અને કેવી રીતે પહોંચ્યો.
દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો અને તેણે કોસ્ટ ગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદના કેટલાક મહત્વના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા અને અન્ય કોઈ માધ્યમથી પાકિસ્તાનમાં કોઈને મોકલ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે હવે દિનેશ જ્યાં કામ કરતો હતો તે કંપનીના કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને તેના સંપર્કમાં રહેલા લોકોની પણ તપાસ શરૂ કરી છે. એક મહિના પહેલા પોરબંદરમાંથી જાસૂસ પણ ઝડપાયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લાની જેમ કોસ્ટગાર્ડની જાસૂસી કરનાર એક વ્યક્તિ એક મહિના પહેલા પોરબંદરમાંથી ATSના હાથે ઝડપાઈ ગયો હતો.
એક મહિના પહેલા ગુજરાત ATSની ટીમને માહિતી મળી હતી કે પોરબંદરનો એક વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી કે જાસૂસી સંસ્થા ISIના અધિકારી કે એજન્ટના સંપર્કમાં છે. આ વ્યક્તિ પોરબંદર કોસ્ટ ગાર્ડની કેટલીક માહિતી લીક કરીને પાકિસ્તાન મોકલે છે. જેને લઈને ગુજરાત એટીએસની ટીમે પંકજ કોટિયા નામના શકમંદ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. આ પછી પોલીસે પંકજની અટકાયત કરી હતી. આરોપી પંકજની ધરપકડ બાદ જ્યારે ગુજરાત ATSએ તેની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તે પોરબંદર કોસ્ટ ગાર્ડ જેટી અને જેટી પર હાજર ભારતીય કોસ્ટ ગાર્ડની બોટ વિશેની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન મોકલતો હતો. આ પછી ATSએ તેની સામે કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.