વિભાગૌરી આમ તો બધી વાતે સમજુ અને પૂરાં વ્યવહારકુશળ. પણ ઘરમાં દિવસે દિવસે એમના પતિ શરદકુમાર ઉપર જાણે અજાણે ય વર્ચસ્વ ધરાવતાં થઇ ગયાં હતાં. પુરુષોમાં મોટા ભાગના પુરુષો તેમના નોકરી ધંધેથી થાકી-પાકીને આવતા હોવાને લીધે ઘરની બાબતમાં કોઇ માથાકૂટમાં પડવાનુ ટાળતા હોય છે, અને પોતાની પત્ની જે કાંઇ કરશે તે સારું અને વ્યસ્થિત જ કરશે તેવો વિશ્વાસ પણ ધરાવતા હોય છે. પતિદેવોની આવી સહજ માનસિકતાને કારણે પત્નીઓ ધીમે ધીમે ઘરની નાની મોટી વાતોમાં પોતે જ નિર્ણય લેતી થઇ જાય છે, અને પછી જો કોઇ બાબતે પતિદેવ નારાજી પ્રગટ કરે તો પત્નીઓને તે ગમતું જ નથી. દંપતિઓમાં નાના મોટા ઝગડા આવી જ બાબતોને લીધે થતા હોય તેમ જણાય છે. દરેક પુરુષ અને સ્ત્રીને ખબર છે જ કે તેમણે ઘરની મુખ્ય મુખ્ય અને વ્યવહારિક બાબતોમાં સાથે બેસીને નિર્ણય કરવા જોઇએ, તેમ છતાં બન્ને આ બાબત ભૂલી જાય છે અને પછી કોઇની ઇચ્છા વિરુધ્ધ કામ થતુ દેખાય તો વાંધા પડે છે.
ઘરમાં સવારે અને સાંજે જમવાનું શું બનાવવું ? બહાર જતી વખતે કોણે કેવા કપડા પહેરવાથી માંડીને કપડાંની ખરીદીમાં પણ વિભાગૌરીનો નિર્ણય શરદકુમારે માન્ય રાખવો પડતો. શરદકુમાર આને લીધે ઘણી વખત કંટાળો અનુભવતા,પણ નિવ્રુત્તિના આરે પહોંચી ગયા પછી એ મોટા ભાગે ઘરની બાબતમાં મૌન જ રહેવાનું પસંદ કરતા. અલબત્ત એટલું તો સાચું જ હતું કે વિભાગૌરીના નિર્ણયો બધા સભ્યોને માટે નુક્સાનકારક કે હેરાનગતિ થાય તેવા તો ન હતા જ, પણ તો ય દરેક વડીલને તો ઘરના બીજા સભ્યો તેમની વાત માનવાનું રાખે એ ખૂબ જ ગમતું હોય છે. એકવાર એક રેડીમેઇડ સ્ટોરમાં વિભાગૌરી અને શરદકુમાર દિવાળીટાણે નવાં કપડાં ખરીદવા ગયા. સ્ટોરમાં સેલ્સગર્લ શરદકુમારની સાઇઝનાં શર્ટ અને જર્સી બતાવવા લાગી. ઢગલામાંથી શરદકુમાર તેમને ગમતો એકાદ પીસ અલગ મૂકાવે તો વિભાગૌરી તરત કહે—-
“ તમને આવો કલર ગમે છે ? “
“ આ તમને સારો નહિ લાગે હોં…”
પેલી સેલ્સગર્લ પણ વિભાગૌરીનું આવુ વર્તન જોતીજ રહી જતી … શરદકુમારે પહેરવાનાં શર્ટ – ટી શર્ટ કે પેન્ટ વગેરે પણ તેમની પસંદગીનાં નહિ પરંતુ વિભાગૌરી પસંદ કરે એ જ લેવાનાં. ઘણા પતિદેવો તેમની પત્નીની પ્રસન્નતા માટે આવુ ચલાવી લે છે પણ ક્યારેક તો તેમના મનની ઇચ્છા ફળીભૂત થાય એવી તેમની અપેક્ષા હોય છે જ ! જો શરદકુમારે તેમના મિત્ર મારફતે કોઇ શર્ટ મંગાવ્યુ હોય તો તે પણ વિભાગૌરીને બહુ ગમે નહિ. તે થોડો બબડાટ કરે ને શક્ય હોય તો તે બદલવાનો પણ પ્રયાસ કરી જૂએ— પણ એમને લાગે કે આમાં કંઇ વળશે નહિ તો પછી એ સ્વીકારી લે તેમ છતાં જ્યારે જ્યારે શરદકુમાર તે શર્ટ કે ટી શર્ટ પહેરવા કાઢે ત્યારે વિભાગૌરી કશી કોમેન્ટ કર્યા વિના રહી શકે જ નહિ.
શરદકુમાર સ્વભાવના ખૂબ જ સરળ અને નિખાલસ એટલે કોઇ વાત ખૂબ ગમે તો ય બહુ આનંદ વ્યક્ત ન કરે ને ના ગમે તો ગુસ્સો પણ ન કરે. વિભાગૌરીના આવા સ્વભાવને બદલવા માટે શરદકુમાર ઇશ્વરને જ પ્રાર્થના કરતા, કારણ કે તેમનુ કહેલું માનવા વિભાગૌરી તો તૈયાર હતાં જ નહિ. છતાં એક વખત શરદકુમાર ખૂબ મનોમંથન કર્યુ. હિમ્મત કરીને એ વિભાગૌરીના બર્થડે ઉપર પોતાની પસંદગીની એક સાડી ભેટ આપવા માટે લઇ આવ્યા. થોડાક ખચકાતા હ્રદયે તેમણે સાડીનું બોક્સ બર્થ ડે ઉપર પત્નીને હાસ્ય સાથે
“ હેપી બર્થ ડે ટુ યુ…”
કહીને ભેટ તરીકે આપ્યુ. દીકરા-વહુઓ અને મહેમાનોની હાજરીમાં જ વિભાગૌરીએ સાડીનું બોક્સ ખોલ્યુ. એ વખતના એમના ચહેરાનો ભાવ જોઇ શરદકુમારને લાગ્યું કે એ સાડી એમને ગમી લાગતી નથી, તેથી એ તુરત જ બોલી ઉઠ્યા,….
“ જો તમને ના ગમે તો દુકાનદારે બદલી આપવાનુ કહ્યું જ છે મેં એનુ બિલ પણ બરોબર સાચવ્યું છે—–“
-શરદકુમાર, એમના દીકરા – વહુઓ, દીકરી અને જમાઇ, ભાઇ-ભાભી બધાં જ વિચારતાં હતાં કે હમણાં મોટાં ભાભી તડૂક્યાં જ છે…….પણ ના,…. એ તો કશું ક જૂદુ જ બોલ્યાં….,
“ ના રે, તમે જાતે મારા માટે આજે જીવનમાં પહેલી જ વાર સાડી લાવ્યા છો, એ મને નહિ ગમે ને તો પણ હું હરખથી પહેરવાની જ છું. વિભાગૌરીનું આ વાક્ય સાંભળી સૌને આશ્ચર્ય અને આનંદ થયો. શરદકુમાર તો ખૂબ જ ભાવવિભોર થઇ ગયા. તુરત એ ત્યાંથી ખસી ગયા. ને બાજુના ઓરડામાં જઇ માતાજીની મૂર્તિને મનોમન વંદન કરવા લાગ્યા….. અને કદાચ મનમાં બોલ્યા પણ ખરા કે,
“ માતાજીએ કદાચ મારી પ્રાર્થના સાંભળી લાગે છે……“
એમણે હળવે રહીને આંખમાં આવેલાં આંસૂ લૂછી નાખ્યાં……
–અનંત પટેલ