ગ્લોબલ વોર્મિંગ, સમુદ્રમાં ઢોળાતું તેલ, ભુગર્ભ જળની અશુધ્ધિઓ, જંતુનાશકો, જમીનમાં ઉમેરાતા ઝેરી રસાયણો, જંગલનું ઘટતું પ્રમાણ, થર્મલ અને એટોમિક પાવર પ્લાન્ટસ, આ બધી આડઅસરોને લીધે પૃથ્વી અને તેના પર્યાવરણને થતા નુકસાન પ્રત્યે જાગૃતિ કેળવવા માટે સમગ્ર વિશ્વમાં ૨૨ એપ્રિલના દિવસને ‘‘વિશ્વ પૃથ્વી દિન’’ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસ ઉજવવાની શરુઆત કેવી રીતે થઇ તે જોઇએ તો, ઇ.સ. ૧૯૭૦ માં યુનાઇટેડ નેશન્સ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં ૨૨ એપ્રિલના દિવસને “વિશ્વ પૃથ્વી દિવસ’’ તરીકે ઉજવવાનું નિયત કરાયું હતું. એ અગાઉ ૧૯૬૯ સુધી ૨૦ માર્ચ એટલે કે ઇકવીનોકસના દિવસે “વિશ્વ પૃથ્વી દિવસ’’ ઉજવવામાં આવતો હતો. ઇકવીનોકસના દિવસે સમગ્ર પૃથ્વીના કોઇપણ સ્થળે દિવસ અને રાતની લંબાઇ એક સરખી હોય છે. વોશિંગ્ટન ડી.સી.માં પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા માટે સેનેટર ગેલોર્ડ નેલ્સને વિશ્વ પૃથ્વી દિનને ૨૨ એપ્રિલે ઉજવવાનો પ્રસ્તાવ મુકયો હતો, જેને યુનાઇટેડ નેશન્સના જનરલ સેક્રેટરી યુ થાન્ટે ટેકો જાહેર કરતાં આ ઉજવણી વિશ્વવ્યાપી બની છે.
૨૨ એપ્રિલના દિવસે અમેરિકામાં જાપાનીઝ શાંતિ ઘંટ વગાડવામાં આવે છે. આ ઘંટ જાપાની પ્રજાએ અમેરિકાની પ્રજાને વિશ્વ શાંતિ માટે ભેટ આપ્યો હતો. સમગ્ર વિશ્વમાં પૃથ્વી તથા તેના પર્યાવરણની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો આ દિવસે યોજાય છે. પર્યાવરણીય જાગૃતિ કેળવવા સમગ્ર વિશ્વના ૧૭૪ દેશોમાં ૧૭ હજાર સંસ્થાઓના ૫૦૦ જુથો પર્યાવરણીય જાગૃતિના કાર્યક્રમો ચલાવે છે. ભારતમાં પણ પર્યાવરણ અંગેની ખાસ ઝુંબેશ “વિશ્વ પૃથ્વી દિવસ’’ નિમિત્તે ચલાવવામાં આવે છે. વધુ વૃક્ષો વાવવા, ઓછુ પ્રદુષણ ફેલાવવું, સમુદ્રમાં તેલ ન ઢોળવું, જમીનમાં જંતુનાશકો અને ઝેરી રસાયણો ન ઠાલવવા, અણુમથકોનો મર્યાદિત ઉપયોગ કરવો, વગેરે બાબતો થકી જ પૃથ્વીનું સંરક્ષણ કરી શકાશે.
સમગ્ર બ્રહ્માંડમાં એક માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શકય છે, ત્યારે પૃથ્વી પરનું આ જીવન આબાદી અને ઉન્નતિથી ભર્યું-ભર્યું રહે, તે જોવાની દરેક પૃથ્વીવાસીની ફરજ છે. અને આ ફરજ પૃથ્વીને બચાવવાથી જ નિભાવી શકાશે. “વિશ્વ પૃથ્વી દિન’’ના રોજ બધા પૃથ્વીવાસીઓ પૃથ્વી પરના પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરે, તો જ “વિશ્વ પૃથ્વી દિન’’ની ઉજવણી સાર્થક થઇ ગણાશે.