-“તારા હાથે બનાવેલી દાળની વાત જ કંઇક અલગ છે!!”
-“મિ. રોય તમારી ફાઈલિંગ કરવાની પદ્ધતિ અદ્વિતીય છે..”
-“તમારા લેખમાં અજીબની કશીષ હોય છે”
-“તમને મળેલા પ્રમોશનના સાચે જ તમે હકદાર છો..”
-“તમારી પ્રગતિ જોઇને અમને પણ પ્રેરણા મળે છે..”
કેટલી બધી વાતો એવી છે જેની ચર્ચા કરતા હોઈએ ત્યારે સામેના વ્યક્તિને શેર લોહી ચઢે છે. એની ખોટી ખુશામત કે ચમચાગીરી નહિ પણ તેણે કરેલા કામની શરાહના કરવી એ એક વ્યક્તિ તરીકે આપણી ફરજ છે. લોકો સારું અને સાચું બોલવામાં ઘણી તકલીફ અનુભવે છે..
લોકોની અંદર રહેલી કાબેલિયતની પ્રશંસા કરો, કાબેલીયતને વધવો, પ્રશંસાએ કોઈ પ્રસંગે તમે આપેલી એક ગીફ્ટ સમાન છે જેની તમને રીટર્ન ગીફ્ટ અચૂક મળવાની જ છે.. તમારા કાર્યને જેણે સદાય નોંધ લીધી છે એ જ લોકો તમારી પ્રશંસા કરી શકે છે.. સામાન્ય રીતે મનુષ્યને અસાધારણતામાં રસ છે અને મોટા ભાગે અસામાન્ય બાબતો કે ઘટનાઓ નકારાત્મક હોય છે. આપણને હકારાત્મકતામાં રસ જ નથી. હકારાત્મક બાબતો કંટાળાજનક લાગે છે. તેથી જ હકારાત્મક બાબતો કે પ્રશંસનીય કાર્યો ક્યારેય હેડલાઇન્સ બનતી નથી. હકારાત્મકતા અને પ્રશંસા જ તમને સફળતા અપાવશે. જેઓ પ્રશંસા કરવામાં પાછી પાની કરતાં નથી તેઓ પોતાના માટે સુરક્ષા અને પ્રેમનું એક આવરણ ઊભું કરે છે.
દરેક નવો દિવસ આપણને આપણી અને આપણી આસાપાસના લોકોના જીવનમાં જે કંઈ સારું, પ્રશંસનીય જોવા મળે તેને ખરા હૃદયથી વધાવી લેવાની તક આપે છે. ચાલો આપણે ખુલ્લા દિલે પ્રશંસા કરીએ, જો તમને કશું પસંદ હોય, તો બેધડક તમારી પસંદગીને વ્યક્ત કરો. કદાચ તમારી પ્રશંસા, તમારા બે મીઠા બોલ સામેની વ્યક્તિ માટે સૌથી મોટી વાત બની શકે છે, તેમના જીવનમાં પ્રેરણારૂપ બની શકે છે. પ્રશંસાથી ઈશ્વર પણ પ્રસન્ન થાય છે, કોઈના દેખાવ બાબતે, સારા કાર્ય બાબતે, કોઈની સફળતા બાબતે કે કોઈની લાજવાબ રસોઈના વખાણ એ સામેની વ્યક્તિનામાં હકારાત્મક ઉર્જા ભરી દે છે જિંદગીના અગણિત ઘટકોમાં કોઈની સાચા હદયથી પ્રશંસા કરવી એ અદભુત ઘટક છે.. જાણે અજાણે પોઝીટીવ કોમ્પ્લીમેન્ટસ વ્યકિતને વ્યક્તિની પાસે લાવે છે, સંબંધોમાં ગજબની મજબૂતાઈ વર્તાય છે..
સોશિયલ મીડિયા પર તમારી કમેન્ટ્સ અને તમે આપેલી લાઈક્સ એ બીજું કશુંજ નહિ પણ એક પકરેતો કોમ્પ્લીમેન્ટ જ તો છે , ફરક માત્ર એટલો જ કે આંધળું અનુકરણ કરીને આપેલી લાઈક્સ વખાણ બનતા પહેલા ક્યારેક ક્યારેક ચાપલુસી પણ બની જતા હોય છે. ’આહા’ અને ‘વાહ વાહ ‘ ની વચ્ચે સાચી પ્રશંસા દૂરબીન લઈને શોધવી પડે તેમ હોય છે.. સભાનતા પૂર્વકની કરેલી પ્રશંસાએ એક પ્રકારે તો આર્ટ ઓફ લાઈફ જ છે…
છેલ્લે…. શબ્દોના જાદુ જયારે પ્રશંસાના ફૂલ બનીને ખીલે છે ત્યારે સંબંધોમાં અનેરી સોડમ ઉદ્ભવે છે…
નિરવ શાહ