રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સૂઈગામ તાલુકાના સીમાવર્તી ગામો; પાટણ, ભરડવા, સૂઈગામ, બોરુ, મસાલી અને માધપુરાની મુલાકાત લીધી હતી. કોઈ રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લાના આ અંતરિયાળ ગામોની મુલાકાતે આવ્યા હોય એવી આ પ્રથમ ઘટના હશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ તમામ ગામોમાં ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. દેશના અન્ય ભાગોમાં વસતા નાગરિકો જેવી જ સુખ સુવિધાઓ સીમાવર્તી ગામોમાં વસતા નાગરિકોને મળવી જોઈએ એવા આગ્રહ સાથે તેમણે નાગરિકોની રજૂઆતો સાંભળીને તેના યોગ્ય નિરાકરણ માટે વહીવટી તંત્રને નિર્દેશ આપ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોના ગામોની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, તેઓ દેશના છેવાડે નથી રહેતા પરંતુ સરહદ તરફથી જોઈએ તો સૌથી પહેલા વસાહતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સરહદી વિસ્તારમાં વસતા નાગરિકોની વિશેષ ચિંતા કરે છે, એમ કહીને તેમણે કહ્યું કે, સીમાવર્તી ગામોમાં ખેતી કરતા ખેડૂતો અન્નદાતા તો છે જ સાથોસાથ સીમાના પ્રહરી પણ છે.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તમામ ગામોમાં ખેડૂતો પાસેથી આચાર્ય તરીકે દક્ષિણામાં પ્રાકૃતિક ખેતી કરવાનું વચન માગ્યું હતું. તેમણે ગ્રામજનો-ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં લોકોના સ્વાસ્થ્ય માટે, ભૂમિની ફળદ્રુપતા માટે અને પર્યાવરણની જાળવણી માટે પ્રાકૃતિક ખેતીની અનિવાર્યતા સમજાવી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી કરવાની પદ્ધતિ પણ વિગતવાર સમજાવી હતી.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ રાજ્યપાલશ્રીની મુલાકાત વેળાએ તેમની સાથે રહ્યા હતા. તેમણે આ મુલાકાત માટે રાજીપો વ્યક્ત કર્યો હતો અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ પણ આ મુલાકાતવેળાએ સાથે રહ્યા હતા.બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામના લોકોએ પીવાના પાણી માટે, ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળે એ માટે, મીઠું પકવાતા ખેડૂતોને જમીન ભાડા પટ્ટેથી મળે, બોરૂ ગામમાં માધ્યમિક શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા, માધપુરા ગામમાં આવાસ ફાળવવા અને પેટા આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ આ પ્રશ્નોનું ઝડપથી હકારાત્મક નિરાકરણ લાવવા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.
પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત ઉચ્ચ અધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નડાબેટ પાસે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લીધી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર નડાબેટની મુલાકાત લીધી હતી. તેમણે માતૃભૂમિની રક્ષા કરતા જવાનોને મળીને દેશસેવાના વીરતાભર્યાં કામ માટે શુભેચ્છાઓ પાઠવી. રાજ્યપાલશ્રીએ જવાનોને મળતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.બોર્ડર મુલાકાત વેળાએ બનાસકાંઠા કલેકટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, BSFના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.