ગુજરાતમાં ‘વિરાસત’ બ્રાન્ડથી વેચાતા કોપરેલ તેલમાં અખાદ્ય મિનરલ ઓઈલ- લાઈટ લિક્વિડ પેટ્રોલિયમ જેવું જોખમી પ્રવાહી ભેળવીને કોપરેલ વેચતી કંપની પર ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે દરોડો પાડીને તેની પાસેથી રૂ. ૮,૮૪, ૨૪૦ના મૂલ્યનો ૫૪૪૧ કિલો તેલનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે.
રાજકોટમાં કોઠારિયા રોડ પર તેની ઓફિસ આવેલી છે. બી.જે. મેડિકલ કૉલેજના નિષ્ણાતો પાસેથી મળતી માહિતી મુજબ લાઈટ લિક્વિડ પેટ્રોલિયમ માનવ શરીરમાં જાય તો તેની શરીર પર પડતી અસરો પડે છે. તે અંગે આવેલા અહેવાલમાં તે માનવના શ્વસનતંત્ર, કીડની અને લીવરને ડેમેજ કરતાં હોવાનું જણાતા કંપની સામે ફોજદારી ગુનો નોંધી પોલીસમાં આગામી બે દિવસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બે ચાર દિવસ પૂર્વે જ આવેલા આ અહેવાલને પરિણામે ભેળસેળ કરનાર સરલ ફૂડ પ્રોડક્ટ્સના માલિક પિયુષભાઈ પોપટભાઈ હરસોડા સામે ફોજદારી પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેઓ ૩૦, ૫૦, ૭૫, ૧૦૦, ૫૦૦ ગ્રામના અને એક, પાંચ અને ૧૫ કિલોના પૅકમાં ખાદ્ય તેલ તરીકે તેનું વેચાણ કરતાં હતા.
સામાન્ય રીતે ખાદ્ય વસ્તુઓમાં ખાઈ શકાય તેવી જ વસ્તુઓની ભેળસેળના કિસ્સાઓ જોવા મળતા હતા. આ કિસ્સામાં ખાદ્ય વસ્તુઓ સાથે અખાદ્ય વસ્તુ ભેળવીને વેચવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના સૂત્રોનું કહેવું છે કે મિનરલ ઓઈલ બાહ્ય વપરાશ માટે જ છે. તેનો ખાવામાં ઉપયોગ કરી શકાય જ નહિ. ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના સહજ ઝુંબેશના ભાગ રૃપે આ કોપરેલનું સેમ્પલ લેવામાં આવ્યુ હતું. આ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં મોકલ્યા પછી તેનો રિપોર્ટ ઓનલાઈન અપલોડ થતાં ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના અધિકારીઓ ચોંકી ઊઠયા હતા. તેમા અખાદ્ય મિનરલ ઓઈલ હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. પરિણામે તત્કાળ તેના એકમ પર દરોડા પાડવામાં આવ્યા હતા.