મોટા ભાગના પતિદેવો જ્યારે સવારે નોકરી ધંધે નીકળતા હોય છે ત્યારે પત્નીને “ જયશ્રી ક્રીષ્ણ “, ” જય જિનેન્દ્ર ”, જય માતાજી”, “ જય સ્વામિ નારાયણ “ , “ જય અંબે ” કે તેમને જે અનુકૂળ હોય તેવું ભગવાનનું નામ લઇ અરસપરસ શુભેચ્છા પાઠવીને જ જતા હોય છે.
હરીશનો પણ આવો જ નિયમ હતો. લગ્ન પહેલાં એ નોકરીએ જતો ત્યારે મમ્મીને જયશ્રી ક્રીષ્ણ કહીને જતો. હવે લગ્ન પછી આ નિયમમાં ફેરફાર થયો હતો. મમ્મીએ તેને વહુ રંજનને પણ જયશ્રી ક્રીષ્ણ કરીને જવાની સૂચના આપી હતી. નવાં નવાં લગ્ન થયાં હોય ત્યારે પતિદેવોને પત્નીને છોડીને નોકરી કે ધંધે જવાનું ઓછું ગમે છે, પણ સમય જતાં એમનો પત્ની મોહ ઓસરતો જાય છે અને તેઓ વ્યવહારુ બનતા જાય છે. જો કે હરીશને હજુ વ્યવહારુ બનવામાં વાર લાગે એમ હતું. એનાં લગ્નને હજુ છ એક મહિના જ થયા હતા એ નોકરીએ જવા માટે નીકળે ત્યારે તેની પત્ની રંજનને જયશ્રી ક્રીષ્ણ તો કરે પણ પછી ફળિયાના નાકે જ્યાંથી તેને વળવાનું થાય ત્યાં પહોંચીને એ પાછું વળીને પોતાના ઘર તરફ નજર નાખતો જ, અને રંજન પણ તે રસ્તો વળીને દેખાતો બંધ ન થાય ત્યાં સુધી ઉપરની ગેલેરીમાં ઉભી જ હોય…. અને પાછી હાથ હલાવી હલાવીને જ તેને બાય કરતી .
આજે ય હરીશ એ રીતે દસ વાગે નોકરી જવા નીકળ્યો ત્યારે રંજનને ઘરમાં જ જયશ્રી ક્રીષ્ણ કરીને નીકળ્યો હતો કેમ કે પત્નીને ગઇ કાલે બપોરથી સખત તાવ આવેલ હોવાથી એ પથારીવશ થયેલી હતી.. હરીશ બેગ લઇ ઘરની બહાર નીકળ્યો કે તરત તેની રોજની આદત મુજબ પાછળ ફરીને ઘર તરફ જોવાની ઇચ્છા થઇ આવી… બે ત્રણ વખત મનમાં આવું થયું પણ પછી યાદ આવ્યું કે,
“અલ્યા રંજન તો બિમાર છે ,એ ક્યાંથી અગાશીમાં આવી શકવાની હતી ?”
“ના ના એવું નહિ હોં કદાચ આવે ય ખરી… “ એ સ્વયંમને દલીલ કરતો રહ્યો ને નિરાશ થઇ પોતાની જાત પર ગુસ્સે થતો ઝડપથી ચાલવા લાગ્યો…. તો ય પાછું ગલિના નાકે જ્યાંથી એને વળવાનું હતું ત્યાં પહોંચ્યા પછી એનાથી રહેવાયું નહિ, એટલે એણે પૂંઠ ફરીને ઘર તરફ નજર નાખી…. તો… અરે આ શું ? પહેલાં તો એને લાગ્યું એ કદાચ એનો ભ્રમ છે !!! અગાશીમાં ગુલાબી સાડી પહેરેલી રંજન ઉભી હતી અને તેની નજર પડતાં જ એને હાથ હલાવી તેને બાય કર્યુ…
હરીશે તરત જ બેગ ત્યાં નીચે મૂકીને તેને મોબાઇલ કર્યો,
“ અરે તને સારુ છે તે તું ઉભી થઇને બહાર ગેલેરીમાં આવી ગઇ છો ? “
રંજન હસતાં હસતાં બોલી,
“ એટલું બધું સારુ નથી પણ તમે નિરાશ થઇને ઘરેથી નીકળેલા, ને ત્યારે તમારો પડી ગયેલો ચહેરો જોઇને મારાથી ય ન રહેવાયું એટલે હું ય ઉભી થઇને તમને જોવા અગાશીમાં આવી ગઇ… “
“ હેં શું વાત કરે છે યાર તું તો….. , ઓ કે ચલ બાય , પછી ઓફિસે જઇને ફોન કરું છું…”
“ ચલો બાય “
કહેતી રંજન ઘરમાં જતી રહી. હરીશ તો ઓફિસે પહોંચ્યો ત્યાં સુધી મનમાં ને મનમાં રંજનને કેટલીય વાર યાદ જ કરતો રહ્યો… ખરેખર બધાં જ પતિ પત્ની સદાય ને માટે પરસ્પરને આવો જ પ્રેમ કરતાં રહે તો કેવું ? એમના દાંપત્ય જીવનમાં સહેજ પણ વેદના રહે જ નહિ. બોલો શું કહો છો ?
અનંત પટેલ
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		