કાવ્યપત્રીનાં આજનાં હપ્તામાં કવિ વિવેક ટેલરને આમંત્રણ આપતાં આનંદની લાગણી અનુભવું છું. એમનું ખૂબ જાણીતું અને લોકપ્રિય ગીત ‘જમુનાનાં જળ’ વિશે તેઓ માંડીને વાત કરે છે. કહે છે કે –
‘ગંગા વહી રહી છે તો ગંગોત્રી પણ હોવાની જ. કવિતા અગર કાગળ પર અવતરી છે તો ક્યાંક કોઈક જન્મસ્થાન પણ હોવાનું જ. ‘જમુનાના જળ’ ગીત મારું પ્રિય ગીત છે ને એની પણ એક ગંગોત્રી છે જ. ૨૦૦૯ની સાલમાં લયસ્તરોના સ્થાપક અને શરૂના વર્ષોના સહ-સંચાલક ધવલ શાહના લગ્ન લેવાનાર હતા જેમાં મ્હાલવા ભારતથી અમે ચાર મિત્રો અમેરિકા જવાના હતા. ફેસબુક પર એ વખતે ધવલની પત્ની મોનલને શી ભેટ આપવી એ વિશે ચર્ચા ચાલતી હતી… મોનલ પણ અમારી મિત્ર. ચર્ચા સવાર-સાંજ નવા વળાંક લેતી હતી. એક દિવસ આ ચર્ચા કોઈક કારણોસર રાધા અને કૃષ્ણ સુધી પહોંચી અને રડવા-રડાવવા સુધી પહોંચી… અને મેં ફેસબુક પર કોમેન્ટમાં એક વાક્ય લખ્યું કે જમુનાના જળ કદી ઓછાં એટલા માટે નથી થતાં કે મોનલની આંખોમાંથી અશ્રુધાર અટકતી જ નથી… આ વાક્ય લખીને મેં જ્યાં કમ્પ્યુટરના કી-બૉર્ડ પર એન્ટર દબાવ્યું કે એક ઝબકારો થયો… એ ઝબકારાના આધારે જે મોતી હું પરોવી શક્યો તે આ ગીત… ‘શબ્દો છે શ્વાસ મારા’ (vmtailor.com) વેબસાઇટ ઉપર જ્યારે આ ગીત મૂક્યું ત્યારે મેં લખ્યું હતું: “અમેરિકા જે મિત્રના આજની તારીખના લગ્ન માટે આવી ચડ્યો છું એ જાનેમન મિત્રની પત્ની- મારી નવીનક્કોર ભાભીને આ ગીત સસ્નેહ અર્પણ…”!’
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.
રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
તંઈ જંઈ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
– વિવેક મનહર ટેલર
(૨૧-૦૭-૨૦૦૯)
૫૦૦૦ વર્ષ પહેલાં ‘કૃષ્ણ’ નામે એક મહામાનવ આ પૃથ્વી પર અવતર્યા. મહામાનવ કહેવાનું મન એટલે થાય કે એમણે જિંદગીની એકએક ક્ષણને પૂરેપૂરી જાણી અને માણી . ભાગવતનો દસમ સ્કંધ નિઃસંતાન સ્ત્રી પણ પોતાનો ખોળો ભરેલો હોવાનું મહેસૂસ કરે એટલો ભાવનાસભર લખાયો છે. વેદ વ્યાસ દ્વારા લખાયેલી આ કૃતિ પર પછી ઘણા ઋષિઓએ… સંતોએ પોતાની સમજણ, રસ અને ઋચી અનુસાર કૃષ્ણચરિત્ર સાહિત્યનું નિર્માણ કર્યું. એ નિર્માણ પ્રક્રિયા આજ સુધી ચાલતી આવી છે. ભાગ્યે જ કોઈ સર્જક એવો મળે, કે જેણે કૃષ્ણને કેન્દ્રમાં રાખીને એક પણ કૃતિ ન રચી હોય. કૃષ્ણનું એક સમયે આ ધરા પર વિચરવું શતપ્રતિશત સત્ય છે. પણ એની સાથે જોડાયેલાં અસંખ્ય સ્ત્રીપાત્રો પૈકી રાધાનું અસ્તિત્વ વિવાદિત રહ્યું છે. અમુક વિદ્વાનોનું માનવું છે કે કૃષ્ણલીલાને વધુ રસિક બનાવવા માટે આ કાલ્પનિક પાત્ર પાછળથી ઉમેરાયું છે. બુદ્ધિ અને તર્કનો આધાર લઈને વિચારીએ તો કદાચ રાધાજી કાલ્પનિક પાત્ર ન હોય, તો પણ એમનો કૃષ્ણ સાથે જે રીતનો સંબંધ વર્ણવવામાં આવ્યો છે એ માનવામાં આવે એવું નથી. કૃષ્ણએ અગિયાર વર્ષની ઉંમરે તો અનેક રાક્ષસોનો વધ કરીને ગોકુળ છોડી દીધેલું. આવડા નાના અને પરાક્રમી બાળક પર માતૃભાવ જ આવે. છતાં એ વાતને ધ્યાનમાં રાખીનેય કૃષ્ણવિરહમાં તડપતા ગોકુળની કલ્પના કરીએ તો પણ પીડાની તિવ્રતામાં કોઇ ઘટ થાય નહીં.
કૃષ્ણ વગરનાં નિષ્પ્રાણ ગોકુળમાં યમુનાતટે કદંબની છાંયની ઉકળાટભરી અનુભૂતિ માણી રહ્યાં હોઈએ એવી પ્રતીતિ ધ્રુવપંક્તિથી જ થાય છે. કૃષ્ણનાં વિરહમાં ગોકુળવાસીઓ એમનું રોજીંદુ કામ ભૂલી જતાં હોય, ગાયો વસૂકી જતી હોય, વાછરડાં ભાંભરવાનું ભૂલી ગયાં હોય તો આ યમુના કેમ હજી ખળખળ વહી રહી હશે ! એનો જવાબ આખી કવિતાને સુંદર નજાકતભર્યો ઓપ આપી દે છે….કે-
‘એનું કારણ પૂછો તો કહું– ‘રાધાની આંખ’
વાહ કવિ ! ‘રાધાની આંખ’ જેવો એક જ શબ્દસમૂહ વાપરી આખું દ્રશ્ય વિરહનાં રંગે રંગી નાખવામાં તમે સફળ રહ્યાં છો.
આપણે કહીએ કે આંસુને રંગ નથી હોતો કે એ ક્યા પ્રસંગે આવી રહ્યાં છે એની ખબર પડે. પણ એક વાત એય ખરી કે પ્રિયપાત્રનાં મિલન વખતે હોઠ પર મલકાટ સાથે આંખોનાં ખૂણે અદબ-પલાંઠી વાળીને ચૂપચાપ બેસી રહેતાં આંસૂ વિરહની દશામાં ધોધમાર વહેતા હોય છે. અહીં એ જ ભાવના કેળવાઈ છે. કૃષ્ણનાં ગયા પછી વહેતી યમુના હવે નદી નહીં, રાધાની વેદના બની ગઇ છે !
કોઇ પણ સંબંધ પ્રત્યે આપણો અનુરાગ એ સંબંધ તૂટ્યા પછી જ અનુભવાય છે. રોજ ત્રિકાળસંધ્યા કરતાં કે વિષ્ણુસહસ્ત્રનાં પોપટપાઠ કરતાં કહેવાતા ભક્તોને ચાબખો મારતા કવિ લખે છે કે
‘તીરથ ને મંદિરો પડતાં મેલીને જરા,
જાત આ ઝૂરાપાની નદીયુંમાં નાખ !’
૫૦૦૦ વર્ષ પહેલાં એક પુરુષ એક સ્ત્રીને છોડીને ચાલ્યો ગયો તે ચાલ્યો ગયો, ફરી કદી આવ્યો જ નહીં..
૫૦૦૦ વર્ષ પછી ફરી એક પુરુષ આવ્યો છે, જે એ સ્ત્રીના મનોભાવ ચકાસવાની કોશિષ એકવાર કરે છે…
પ્રિય વ્યક્તિ માટે હ્યદયમાં એક ખાનાનું રિઝર્વેશન આપોઆપ થઇ જતું હોય છે. જ્યાં એ વ્યક્તિ માટે જોયેલાં લાખલાખ શમણાંની ગઠરી એકદમ સુરક્ષિત રહે છે. પણ જે ક્ષણે આ વ્યક્તિ હવે દૂર જવાની છે એ ખ્યાલ આવે એ જ ક્ષણથી આ ખાનું શમણાંની જગ્યાએ પીડા અને પ્રતીક્ષાથી છલોછલ ભરાઈ જાય છે. રાધાને જ્યારે ખબર પડી હશે કે કૃષ્ણ ગોકુળ છોડીને જઈ રહ્યાં છે ત્યારે એની મનોદશા પણ કૈંક આવી જ હશે.. સતરંગી સપનાની ગઠરી છૂટીને જાણે એ ધૂળમાં વેરાઈને રોળાઈ ગયાની પ્રતીતિ કેવી પીડાજનક હશે ! કૃષ્ણનું મોરપિચ્છ રાધાની વ્યથા દ્વારા રંગાયું છે એમ કહીને તરત જ હૈયું ફાડીને વાંસળીમાં પ્રાણ ફૂંક્યાનો ઉલ્લેખ કરી કવિ રાધાકૃષ્ણનાં ચિત્રને અંતિમ લસરકે સંપૂર્ણતા આપી દે છે.
બીજો બંધ સાચા ભાવકને મજા પડી જાય એવું પોત પહેરીને આવ્યો છે. એકેએક શબ્દને પોતાનો ઉઘાડ છે. ‘ગોધૂલીવેળા’ જેવાં સમયનો ઉલ્લેખ જ પોણું આયખું પસાર થઈ ગયાનો છાનો ઈશારો કરી જાય છે. પ્રિયનાં વિરહમાં એક ક્ષણ પણ એક ભવ જેવી લાગતી હોય ત્યારે અહીં પોણી જિંદગી પસાર થઈ ગઈ છે. સવારે ચરવા ગયેલી ગાયોનો પાછા ફરવાનો આ સમય છે. એ જ રીતે જિંદગીમાં ઇચ્છાઓનાં અશ્વ દોડાવ્યાં હોય એને હવે પાછા વાળવાનો આ સમય છે. પાદરમાં પહોંચીને દોડતી ગાયોની ખરીથી ઊડતી ધૂળ ડમરી બની જાય છે. અધૂરી રહી ગયેલી ઇચ્છાઓનો અહેસાસ પણ જીવતરને ધૂંધળું કરી નાખે છે. પણ આ તો કૃષ્ણની પ્રતીક્ષા અંજાયેલી રાધાની આંખ છે ! ચામડી પર તસુએ તસુ સ્થાને રૂંવા હોય, એમ અસ્તિત્વ પર પ્રતીક્ષાએ એવો કબજો જમાવી લીધો છે. જેને ઢાંકવા ચોર્યાસી લાખ ફેરાની ચાદર પણ ટૂંકી પડે છે !
ચોર્યાસી લાખ ફેરાની વાત કર્યાં પછી તરત જ વર્તમાનમાં પટકી દેતા કવિ કહે છે કે-
‘છો ને ભવાટવિ ઊગી અડાબીડ.. ‘
આ ફેરે મળેલું કૃષ્ણવંચિત જીવન પણ અડાબીડ વન જેવું જ છે, છતાં કૃષ્ણને પામવાની ધખધખતી ઝંખનાની તીવ્રતા સહેજ પણ ઝાંખી થાય એ શક્ય જ નથી.
રાધા અને કૃષ્ણ વચ્ચેનાં વિરહનો આધાર લઈને શરુ થયેલી આ રચના આ જ વાતને આગળ વધારતા પરોક્ષ રીતે આજના સામાજિક વાતાવરણ પર પ્રહાર કરી જાય છે. ઈચ્છાઓનો કોઇ અંત નથી, અને મંઝિલે ઓર ભી હૈ – આ બન્ને બાબત જાણતા હોવા છતાં વિકાસની દોડમાં આગળ વધવા દાંપત્યજીવનમાં મોટેભાગે સ્ત્રીનાં વ્યક્તિત્વને રૂંધી દેવામાં આવે છે, અને આ બાબત કોઇને ગંભીરતાથી ધ્યાનમાં લેવા જેવી પણ નથી લાગતી ! બાળઉછેરની બધી જ જવાબદારીઓ નિભાવતી હોવા છતાં બાળકને કઈ શાળામાં બેસાડવું, ક્યા પ્રવાહમાં ભણાવવું એ નિર્ણય લેવાની સત્તા કેટલી માતાઓ પાસે હશે ? પોતાની પ્રગતિમાં પાયારૂપ છતાં કાયમ ઉપેક્ષિત રહેતાં વ્યક્તિત્વની અપેક્ષાઓ વિશે વિચારવાનો કોઇ પાસે સમય જ હોતો નથી. એક સ્ત્રીનું સંપૂર્ણ સમર્પણ આખા પરિવારની ઉન્નતિનો પાયો હોય, પણ સફળતાના શિખરે બેસતી વખતે એ જ સ્ત્રીને એ શિખર પર લઈ જઈ એકાદ-બે ઊંડા શ્વાસો ભરવાનું કહેવાનું કોઈને યાદ આવે છે ખરું ?
મોનોપોઝ સમયે હોર્મોનલ ડિસઓર્ડર્સની અસરમાં કેટલીય સ્ત્રીઓ ભીતર ભંડારેલા આ લાવાને ડામવામાં અસફળ રહે છે.. આ સમયે ડિપ્રેશનની દવાઓ આપવાના બદલે એક તારતાર થઈ ગયેલ વ્યક્તિત્વની વેદના વહેરાયેલી વાંસળીની છાતીમાંથી નીકળતા સૂરની માફક રેલાય, એને સાંખી લેવા જોઇએ, પણ એ ક્ષમતા કોઈનામાં હોતી નથી..
વાતને આગળ વધારતાં આધ્યાત્મિક રૂપકોનો જ ઉપયોગ કરીને કવિ કહે છે કે આમને આમ ‘ગોધૂલીવેળા’ આવી જાય છે. મને આ શબ્દપ્રયોજન ખૂબ ગમ્યું. વહેલી સવારે ચરવા ગયેલી ગાયો હજી દિવસ આથમે એ પહેલાં પરત આવે છે. ઉતાવળે આવતી ગાયોની ખરીથી ડમરી ચડે છે, વાતાવરણ ધૂંધળું થઈ જાય છે. આંખ ખુલ્લી રાખવા કરો તો ધૂળ આંખમાં ખૂંચે છે . આ સમયે આંખોને ચસોચસ મીંચી દેવામાં જ ડહાપણ છે. લગભગ આ જ સ્થિતિ જિંદગીની ગોધૂલીવેળાએ હોય છે. બદલાતા સમયનો આંખો મીંચીને સ્વીકાર કરવામાં જ ડહાપણ છે. યુવાન સંતાનો પોતપોતાને રસ્તે વળી જાય છે, ને એમનાં વિકાસ માટે વીતાવી દીધેલું આયખું હવે ખાલીખમ પાદર બેમતલબ ખૂંદતું હોય એવી સ્થિતિ સર્જાય છે. હવે બચી છે તો માત્ર પ્રતીક્ષા.. જાણે કે દેહ પર રૂંવા થઈને ઉગી નીકળી છે. ભવોભવ… ચોર્યાસી લાખ ફેરા પણ આ પ્રતીક્ષા આગળ ઓછા પડે. નિરાશાની ગર્તામાં ડૂબી જનાર હવે આ પ્રતીક્ષાની ધખના સામે વિવશ થઈ જાય છે. જીવનવન પથરાયા કરતું હોવા છતાંય આ ધગધગાટ સહેજે ઝાંખો થવાનો નથી.
રાધાને પ્રતિક સ્વરુપ લઈ સમગ્ર સ્ત્રી જાતિની વેદના ભાવકો સુધી પહોંચાડવામાં કવિ સફળ રહ્યાં છે, એ માટે ખૂબખૂબ અભિનંદન.
મિત્રો, કાવ્યપત્રીનો આ હપ્તો આપને કેવો લાગ્યો એ જણાવશો. આપનાં અભિપ્રાયોની મને રાહ રહેશે.
– નેહા પુરોહિત