સુરત શહેરમાં સીટી બસના ૩ કંડકટરોએ બસમાં ૧૭ વર્ષની તરૂણીની છેડતી કરી હોવાનો બનાવ બન્યો છે. વળી બસમાં ફરજ બજાવતા કંડકટરે પણ તરૂણીની મદદ કરવાની તસ્દી લીધી ન હતી. ગભરાયેલી તરૂણીએ માતાને કોલ કરતા તેઓ દિલ્હીગેટ પાસે આવી ગયા હતા. માતાએ કંટ્રોલરૂમમાં ૧૦૦ નંબર જાણ કરતા મહિધરપુરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને બસમાં બેઠેલા ત્રણેય બદમાશોને પોલીસ સ્ટેશને લઈ આવી હતી.
તરૂણીની માતાએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે શાહરૂખ ફારૂક શેખ (૨૨) (રહે,ગ્રીનવ્યુ એપાર્ટ, જુના ડેપો, ઉમરવાડા), જયદીપ કીમજી પરમાર (૧૯) (રહે, સમર્પણ વિજયનગર,વેડરોડ) અને સમીર નાસીર રમઝાનશા(૧૮)(રહે,મોહમંદી મસ્જિદની ચાલ, ઉધનાયાર્ડ)ની સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. એફઆઈઆરમાં છેડતી કરનારે તરૂણીને સ્પર્શ કરી હોવાનો ઉલ્લેખ છતાં પોલીસે પોક્સો એકટની કલમ કેમ ન લગાવી તે એક તપાસનો વિષય છે. ઘટના બની ત્યારે ત્રણેય કંડકટરો ફરજ પર ન હતા.
મહિધરપુરામાં રહેતી ૧૭ વર્ષની કિશોરી તેની બહેનપણી સાથે ૨૦મી તારીખે સાંજે ડુમસ રોડ ગોવર્ધન નાથજીની હવેલી પાસેથી સીટી બસમાં બેસીને ઘરે આવતા હતા. બસમાં ભીડ વધારે હતી અને બેસવાની જગ્યા ન હોવાથી બન્ને પાછળના ભાગે ઊભી રહી હતી. બસમાં ભીડ વધારે હોય જેના કારણે ભૂલથી લાગી ગયો હશે, પછી કંડકટરે કહ્યું કે, આગળ જગ્યા છે આથી બન્ને આગળ ઊભા રહયા હતા. ચાલકે અચાનક બ્રેક મારતા સ્ટીલના પોલમાં તરૂણીનું મોઢું અથડાયું હતું. પછી તરૂણી અને તેની બહેનપણી પાછા બસમાં પાછલા ભાગે ઊભા રહયા હતા તે સમયે બસમાં જે યુવકે તરૂણીને સ્પર્શ કર્યો હતો તેણે એવી કોમેન્ટ કરી કે બસ ધીમે ચલાવો મારૂં મોઢુ અથડાય, ત્યાર પછી તે યુવકના બે મિત્રો પણ બસમાં કોમેન્ટ કરવા લાગ્યા કે સ્ટેશનવાળા પાછળ,તેમજ તરૂણીને આંખ મારી અને ઈશારા કરી સ્માઇલ સરસ છે કહ્યું હતું. સગીરાએ અમીષા ચાર રસ્તા પાસે ઉતરવું હોય છતાં બદમાશોએ બૂમો પાડી બસને સ્ટેશને ઊભી રાખવાની વાત કરી હતી. સગીરાએ બસના ચાલકે કહેવા છતાં ઊભી ન રાખી હતી. બસ ઊભી રખાવવા સગીરાની માતા આડી ઊભી રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો છતાં બસ ઊભી રાખી ન હતી. છેવટે માતાએ મોપેડ પર લઈ સ્ટેશન પાસેના સર્કલ પર બસ ઊભી રખાવી પોલીસ બોલાવી દીધી હતી.તરૂણીએ કંડકટરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે તારે શુ કરવું છે.