માતા પોતાનાં સંતાનોને માત્ર ઉછેરતી જ નથી. એની જિંદગી ખુદ જીવતી હોય છે. એવી જ રીતે શિક્ષક પણ વિદ્યાર્થી સાથે એવો ઓતપ્રોત થઈ જતો હોય છે કે જાણે એ વિદ્યાર્થીની જ જિંદગી જીવી રહ્યો છે. જે શિક્ષક આ કરી જાણે છે એ જ વિદ્યાર્થીઓનાં સાચા માર્ગદર્શક બની શકે છે.
વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો ‘જ્ઞાન મેળવવું’નો એક અર્થ શાળામાં જઈ, પાઠ્યપુસ્તકોમાં લખ્યું હોય એ સમજવું/ યાદ રાખવું/ ગોખી મારવું … એવો કરે છે, પણ એ સત્ય નથી. જ્ઞાન પ્રાપ્તિ એ તો શિક્ષકની ઉર્જા વિદ્યાર્થીઓમાં સ્થાપિત કરવાનો પૂર્ણ પુરૂષાર્થ છે. એ ત્યારે જ સફળ થાય, જ્યારે શિક્ષક પૂર્ણ નિષ્ઠા રાખીને જ્ઞાન આપવા કરતો હોય, સામા પક્ષે વિદ્યાર્થી પણ એ ગ્રહણ કરવા કૃતનિશ્ચયી હોય. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે લાગણીનો સેતુ રચાય છે. આ જ કારણે શાળા છોડ્યાના વર્ષો પછી પણ સ્થળ, સમય કે પોતાનો મોભો સહેજે ધ્યાનમાં લીધા વગર કેટલાંય લોકોને એમના શિક્ષકના ચરણસ્પર્શ કરતા આપણે જોઈએ છીએ.
મા પોતાના બાળક માટે લાખ સપના જોયા કરતી હોય છે. જ્યારે શિક્ષક અહીં અલગ પડે છે. એ બાળકમાં રહેલી સંભાવનાઓ ફંફોસે છે. આદર્શ શિક્ષકને એના વર્ગમાં ભણતો દરેક વિદ્યાર્થી ક્યા ક્ષેત્રમાં કેટલી સફળતા મેળવી શકે એમ છે એનો અંદાજ હોય જ ! ગૃહકાર્ય ન કરવા બદલ વારંવાર શિક્ષા કરી હોય એ જ વિદ્યાર્થી જ્યારે IPS બન્યો એવા સમાચાર મળે ત્યારે શિક્ષકોની છાતી ગજ ગજ ફૂલતી હોય છે.
ક્યારેક પરિસ્થિતિ વળાંક લે છે. બાળકને એવા સંજોગોનો સામનો કરવો પડે છે, કે જેના માટે હજી પોતે પરિપક્વ બન્યું નથી. આત્મવિશ્વાસની કમી, સામાજિક પ્રતિકુળ વાતાવરણ કે એવા કોઇ સંજોગોમાં અટવાતું બાળક પૂરતી હૂંફ અને યોગ્ય માર્ગદર્શનના અભાવે ખોટો નિર્ણય લઈ લે છે. આવા સમયે માતા-પિતા જે આઘાત અનુભવે છે એટલો જ આઘાત એનાં સંવેદનશિલ શિક્ષકોને પણ લાગે છે.
આજે કાવ્યપત્રિના પાંચમા હપ્તામાં એ કવિ સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો છે, જેણે શિક્ષક તરીકે સાત વર્ષ સેવા આપી છે.
કાવ્યપત્રિમાં આપનું સ્વાગત છે કવિ શ્રી કિરણસિંહ ચૌહાણભાઈ.
કિરણભાઈ સાથે વાત કરતા એમણે જણાવ્યું કે નોકરીના સાત વરસ દરમિયાન એમણે ત્રણ વિદ્યાર્થિઓને આત્મહત્યા કરતા જોયા. એક દિવસ સવારમાં છાપું ખોલતા સમાચાર વાંચ્યા કે એક યુવકે આત્મહત્યા કરી છે. નામ થોડું જાણીતું લાગ્યું… યાદશક્તિને જોર આપ્યું તો હબક ખાઈ ગયા. એ યુવક ત્રણ ચાર વર્ષ પહેલા એમના હાથ નીચે ભણી ગયેલો.. ! આ ઘટનાથી એમને આઘાત લાગ્યો. મનમાં વિચાર આવ્યો કે શાળાએ એને ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો તો સમજાવ્યા, પણ જિંદગીનું મહત્વ સમજાવવાનું જ રહી ગયું કે શું ?!
આ વાતને થોડો સમય વિત્યો ત્યાં આ જ રીતે બીજા ભુતપૂર્વ વિદ્યાર્થિએ આવું જ ઉતાવળિયું પગલું ભરી લીધાના સમાચાર મળ્યા. આ વખતે કિરણભાઈને વધુ ઘેરો આઘાત લાગ્યો. ઘરમાં બાળકની ભૂલ માટે માતા મોટેભાગે પોતાને જવાબદાર ઠરાવતી હોય છે. અહીં પણ એ લાગણી જ આકાર લઈ રહી હતી. કિરણભાઈ કહે છે કે એ વખતે મને મારામાં એક અસફળ શિક્ષક દેખાઈ રહ્યો હતો, જે પોતાના વિદ્યાર્થીઓને જીવનમૂલ્યો વિશે જાગૃત કરવાનું ચૂકી ગયો હતો…
અને છેલ્લી ઘટના એક કવિ + સંવેદનશિલ શિક્ષકનું ભીતર ઝંઝોડી નાખવા પૂરતી સક્ષમ હતી. કિરણભાઈના વર્ગમાં અભ્યાસ કરતી એક દીકરીએ જિંદગી ટૂંકાવી નાખી ! વાત કરતી વખતે આજેય એમના સ્વરમાં ભીનાશ આવી ગયેલી. એમણે કહ્યું કે આ દીકરી સામાન્ય દીકરીઓ જેવી જ હતી. એકદમ રમતિયાળ, મીઠડી અને હોંશિયાર પણ ! એવી ઉત્સાહથી ભરેલી હોય કે આપણે ક્યારેક મૂડમાં ન હોઇએ તો પણ એને જોઇને ફ્રેશ થઈ જઈએ. એ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરે એ વાતનો સ્વીકાર કરવો બહુ અઘરી વાત હતી. દીવસો સુધી એનાં ભણકારા વાગતા રહ્યા.
જે દીકરીને જીવનમાં અભ્યાસનું મહત્વ ઘૂંટીઘૂંટીને પાયું એને જીવનનું મહત્વ ન સમજાવી શકવાની વેદના એમને આજે પણ કોરી રહી છે. એ દીકરીને પોતાની લાગણી અને વેદના શબ્દોમાં ઢાળીને અંજલી આપવાના એક પ્રયાસ સ્વરૂપે આ કવિતા આવી. અછાંદસનું પોત પહેરીને આવેલ કવિતા જ શિક્ષકની ડામાડોળ મનોદશા બતાવી જાય છે.
॥ રોલ નંબર ૨૪ ॥
એ નટખટ છોકરીએ કહ્યું :
સર, મને ખાલી જગ્યાઓ પૂરતા નથી આવડતું
હું એમ કરીશ ખાલી જગ્યાઓ ખાલી જ રાખીશ
તમે એ પૂરી દેજો.
મેં કહ્યું ‘જો દીકરા, તારી ખાલી જગ્યા તો તારે જ પૂરવી પડે…’
‘ઓ સર…!’ કહીને છણકો કરી એ નીકળી ગઈ.
બીજે દિવસે છાપાના છેલ્લા પાને વાંચ્યું
‘કૌટુંબિક ઝઘડામાં એક વિદ્યાર્થિનીનો ગળાફાંસો’
અરે આ તો…
હું સ્તબ્ધ થઈ ગયો
બીજે દિવસે વર્ગમાં હાજરી પૂરતા
‘રોલ નં.૨૪’
કોઈ બોલ્યું નહિ
‘રોલ નં.૨૪’
ફરી વર્ગમાં મૌન…
ક્યાં છે રોલ નં.૨૪…?
‘સર એ તો…’ એક વિદ્યાર્થિની રડમસ અવાજે બોલી.
આખા વર્ગખંડમાં એક સન્નાટો ફરી વળ્યો.
હું મારી જાતને ધિક્કારતો રહ્યો
એને અભ્યાસનું મહત્વ સમજાવતો રહ્યો
પણ જીવનનું મહત્વ સમજાવવાનું તો રહી જ ગયું.
પરીક્ષામાં એના નંબરવાળી બેંચ ખાલી
ઉત્તરવહીના બંડલમાં એક ઉત્તરવહીની ખોટ
પ્રવાસે ગયાં
બધા બાળકો બસમાં બેસી ગયાં
તોય મન કહે, ‘મારી એક દીકરી તો હજી આવવાની બાકી…’
બોલ.
મારે ક્યાં ક્યાં તારી ખાલી જગ્યાઓ પૂરવાની…!
મેં તને કહ્યું’તુંને… કે તારી ખાલી જગ્યા તો તારે જ…!
સૌ જાણે છે કે
ટેબલના ખાનામાં પડેલા હાજરીપત્રકમાં
કોઈના જવાથી પડેલી ખાલી જગ્યા
બીજા મહિને બીજા કોઈ દ્વારા પુરાઈ જાય
પણ બહુ ઓછા જાણે છે કે
એક હાજરીપત્રક અમારા હૃદયમાં હોય છે
એમાં ખાલી પડેલી જગ્યા ક્યારેય પુરાતી નથી.
આચાર્યાબેને મિટિંગ બોલાવી
પૂછ્યું
‘પ્રશ્નપત્રના માળખામાં કોઈએ કોઈ ફેરફાર કરાવવો છે ?’
મેં કહ્યું,
‘ખાલી જગ્યાવાળો પ્રશ્ન કાઢી નાખો’
આચાર્યાબેને મારી સામે જોયું.
મને એમની આંખમાં દેખાયા અનેક પ્રશ્નાર્થો
અને એ પ્રશ્નાર્થોની પાછળ
અનંત ખાલી જગ્યાઓ…!!
– કિરણસિંહ ચૌહાણ
કવિતાની શરુઆતમાં છોકરી માટે વપરાયેલો ‘નટખટ’ શબ્દ સ્ફૂર્તિસભર, બે ચોટી વાળેલી, યુનિફોર્મ પહેરેલી, ઉછળતી, કુદતી, પીઠ પાછળ દફતર ઉંચકીને આવતી દીકરીનું ચિત્ર આલેખી દે છે. અને એ દીકરી એનાં શિક્ષકને બીનધાસ્ત કહી શકે છે કે પ્રશ્નપત્રમાંથી કાં તો ખાલી જગ્યા વાળો પ્રશ્ન કાઢી નાખો, કાં તો એ પ્રશ્નનો જવાબ પોતે આપવાની નથી. એટલું જ નહિ, એ જવાબ શિક્ષકે ભરી આપવાના રહેશે ! કેવો લાડભર્યો અધિકાર, અને આવો અધિકાર જતાવી શકે રીતનું મુક્ત વાતાવરણ પણ શાળામાંથી એને મળ્યું છે ! વ્હાલ કરીને શિક્ષક સમજાવે છે, કે
‘તારી ખાલી જગ્યા તો તારે જ પૂરવી પડે !
ઓ..સર… છણકો કરીને એ નીકળી ગઈ..
કવિતાનું પોત એવું બંધાયું છે કે જાણેઅજાણે આપણે આપણી શાળામાં પહોંચી જઈએ ! એ પરીક્ષાનાં દિવસો.. imp પ્રશ્નોની લાલચ.. આ જ રીતે શિક્ષકોનું સમજાવવું કે બધે imp નહિ મળે, ત્યારે શું કરશો?!
અને હવે અચાનક કવિતા યુ ટર્ન લે છે. આટલી ઉત્સાહ ભરેલી દીકરીને કેવી કૌટુંબિક સમસ્યા આવી હશે કે એનો ઉકેલ પોતાનો જીવ આપીને આવશે એવા નિર્ણય પર એ આવી હશે !
છાપાના છેલ્લા પાને આ સમાચાર મુકાયા છે ! અને પછી રસાળ શૈલીમાં આગળ વધતી આ કવિતા સમાચારપત્રનું એક શુષ્ક વાક્ય બની જાય છે…
‘કૌટુંબિક ઝઘડામાં એક વિદ્યાર્થિનીનો ગળાફાંસો’ !
આ જ સાચી કવિતા છે ! કાવ્ય અહીં યુ ટર્ન લે છે, ત્યારે જે ઘટના પર આખી કવિતા રચાઈ છે એ ઘટનાનું આવું એક શુષ્ક વાક્યમાં વર્ણન ભાવક પર કેવો મોટો પ્રહાર કરે છે એ અહીં જોવાનું છે !
અને હવે પછીની આખી કવિતામાં ઠલવાયો છે વર્ગશિક્ષકની મજબૂરી અને નર્યો વલોપાત ! એનાં માતા, પિતા, સગાંવહાલાં હવે ચીસો પાડી રડશે… બાર તેર દિવસ સુધી ઘરમાં એની પાછળ કરવાની પરંપરાગત વિધિઓ થશે.. ધીમેધીમે એના વીનાનાં ઘરમાં બધાં ગોઠવાતા જશે.. જ્યારે વર્ગશિક્ષકે તો છાપામાં સમાચાર વાંચ્યા પછી બે જ કલાકમાં આ આઘાત હ્યદયમાં ઊંડે દાટીને પોતાનું રૂટિન શરુ કરવાનું છે. પ્રશ્નપત્રની ખાલી જગ્યાઓથી દૂર ભાગતી દીકરીના જવાથી પડેલી બધી જ ખાલી જગ્યાઓનો સામનો કરવાનો છે. ચાહે એ હાજરી પત્રક હોય, ક્લાસની બેન્ચ હોય કે પ્રવાસ વખતે બસની સીટ હોય !
કવિ અંતિમ વિભાગમાં કવિતાને અચાનક પૂર્ણતઃ વિસ્તારીને સામાજિક દૂષણો તરફ મોઘમ છતાં સ્પષ્ટ અંગૂલીનિર્દેશ કરી દે છે. હવે ઉપયોગમાં લેવાયેલો ‘ખાલી જગ્યા’ શબ્દ ફક્ત પ્રશ્નપત્ર પુરતો મર્યાદિત ન રહેતા વર્તમાન સામાજિક પરિસ્થિતિનું પ્રતિક બની જાય છે. માણસ સ્વયંકેન્દ્રી બનતો જાય છે. સમાજ માટે કંઇક કરવાની ભાવના તો બહુ ઓછા લોકોમાં જોવા મળે છે, હાલ તો ‘હું અને મારો પરિવાર’ની ભાવના પણ ક્ષીણ થતી જોવા મળે છે. કારકિર્દી પાછળ ઘેલા થયેલા લોકો ચોતરફ આવી અનેક ખાલી જગ્યાઓ ઉત્પન્ન કરતા રહે છે. જેમાં એનો ખુદનો પરિવાર જ હોમાઈ જવાની શક્યતા તરફ તેઓ સાવ બેધ્યાન છે.
રોજીંદી બોલચાલની ભાષા અને સામાન્ય સંવાદો લઈને કિરણભાઈએ એક અસામાન્ય ઘટનાનું અદ્ભૂત આલેખન કર્યું છે. એમણે અનુભવેલી વેદના આપણા હ્યદયને ચીરીને તારતાર કરી નાખે છે. આ કાવ્ય વાંચ્યા પછી કોઈની આંખ કોરી રહી હોય તો એણે પોતાની સંવેદનશીલતા વિષે ચોક્કસાઇ કરાવી લેવી.
ખૂબ જ સરસ કાવ્ય આપવા માટે અભિનંદન કિરણભાઇ, પણ હવે આવા કાવ્યો લખવા કોઈ કવિને પ્રેરણા મળે એવો પ્રસંગ ન બને એવી જગતનિયંતાને પ્રાર્થના કરીએ…
મિત્રો, કાવ્યપત્રીનો આ હપ્તો કેવો રહ્યો એ વિશે જણાવશો. મને આનંદ થશે.
નેહા પુરોહિત