મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધીમાં રેકૉર્ડબ્રેક ૧૭ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદને પગલે ૭૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વલસાડ, નવસારી અને ડાંગની નદીઓ ગાંડીતૂર થઈ હતી. બોડેલીમાં ૨૦ ઈંચ વરસાદ બાદ ધાબા, નળિયા સુધી ઘરો પાણીમાં ડૂબી ગયા. છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ જતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયુ હતુ. બોડેલી તાલુકામાં ૧૭ ઈંચ વરસાદ પડતા ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ઓરસંગ-હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઈ હતી. વાહન વ્યવહાર ખોટવાયો હતો. એનડીઆરએફની ટીમ દ્વારા ૮૦૦થી વધુ લોકોનુ સ્થળાંતર કરવાામાં આવ્યુ હતુ. ઉપરવાસના વરસાદના કારણે પાણી કાંઠા વિસ્તારમાં આવેલ પાણેછ અને કડાછલા સંપર્ક વિહોણા બન્યા હતા. ઉપરવાસમાં
ભારે વરસાદથી ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ખળખળ વહેતી થઈ છે. ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના ૨૮ જેટલા પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કવાંટમાં ધોધમાર ૯.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગમાં પણ ભારે વરસાદને કારણે પૂર્ણા, અંબિકા, કાવેરી નદીમાં પૂર આવતા ૨૫૦૦ લોકોનુ સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે. ડાંગમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં ૫૦થી વધુ રસ્તા બંધ થયા છે. આ તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં માત્ર ઝાપટા થયા હતા. ટંકારામાં ૧ ઈંચ, જસદણ અને ધોરાજીમાં અડધો-અડધો ઈંચ જ્યારે રાજકોટમાં ૧ ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં હાલમાં મોનસુન એક્ટિવ છે જેના પગલે ૫ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. વળી, ઓરિસ્સા નજીક ફરી એક વાર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ સહિત રાજ્યમાં બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વળી, નવસારી, વલસાડ અને સુરત તેમજ જૂનાગઢ અને કચ્છમાં બે દિવસ બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.