આજથી ત્રણ દિવસ માટે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો બનાસકાંઠાના વડગામ તાલુકાની મેમદપૂરા પ્રાથમિક શાળાથી પ્રારંભ કરાવ્યો છે. આજથી રાજયભરમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ત્રણ દિવસ એટલે કે ૨૩, ૨૪ અને ૨૫ જૂન ૧૭મા શાળા પ્રવેશોત્સવની શરુઆત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રવેશોત્સવમાં નાના ભૂકલાઓને કિટ આપી હતી. આ સાથે તેમણે બાળકો સાથે વાતો પણ કરી હતી. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો આજથી ૨૫ જૂન ૩ દિવસ સુધી ચાલશે. શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેને પગલે તમામ મંત્રીઓને પ્રભારી જિલ્લાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. તમામ મંત્રી પ્રભારી જિલ્લામાં જશે અને ત્યાં પ્રારંભ કરાવીને નિરીક્ષણ કરશે.
રાજ્યસરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સોમવારે શાળા પ્રવેશોત્સવના આયોજન વિશે વિશેષ માહિતી આપી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાની મેમદપૂરા પ્રાથમિક શાળાથી તારીખ ૨૩ જૂન ગુરૂવારે કરાવશે. તેમ પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવના આ સેવાયજ્ઞના બીજા દિવસે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર નિઝરના રૂમકી તળાવ ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવશે. તેમજ ત્રીજા દિવસે અમદાવાદના મેમનગર ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.