કેરળમાં આ વર્ષે ૨૯મી મેના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદ બાદ મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે. આ વખતે હવામાન વિભાગે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરી છે. દર વર્ષની ધારણ પ્રમાણે ગુજરાતમાં ૧૫મી જૂનની આસપાસ વરસાદનું આગમન થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે, રાજ્યમાં ૧૦ જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. ૧૪ અને ૧૫ જૂન આસપાસ સારો વરસાદ થશે.
જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે. વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.એક તરફ દેશના કેટલાક રાજ્યોમાં સતત વરસાદ થઇ રહ્યો છે તો કેટલાક રાજ્યોમાં તાપમાન વધી રહ્યું છે. સ્કાઇમેટ વેધરના રિપોર્ટ પ્રમાણે આગામી ૨૪ કલાક દરમિયાન અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ (Rain) સાથે ભારે વરસાદની પણ સંભાવના છે.
આ સાથે સિક્કિમ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, દક્ષિણ કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બાકી પૂર્વાત્તર ભારત, કેરલ, લક્ષ્યદ્વીપ, ઉત્તર પૂર્વી બિહાર અને જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સમુદ્રી તટોની વાત કરવામાં આવે તો આંધ્ર પ્રદેશ, ઉત્તરી કર્ણાટક, તમિલનાડુ, કોંકણ અને ગોવામાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ રાજસ્થાન, દક્ષિણ-પશ્ચિમી ઉત્તર પ્રદેશ, વિદર્ભના કેટલાક ભાગ, દિલ્હી-એનસીઆર અને દક્ષિણ હરિયાણાના અલગ-અલગ ભાગમાં લૂ ની સ્થિતિ સંભવ છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશના મોસમની વાત કરવામાં આવે તો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, અસમ, અંડમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે. કોંકણ, ગોવા, મરાઠાવાડ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં પણ હળવો વરસાદ થયો છે. પૂર્વોત્તર ભારત, ઉત્તરી તટીય ઓરિસ્સા, કેરળ, લક્ષ્યદ્વીપ અને કર્ણાટકના કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે. રાજસ્થાન અને વિદર્ભના કેટલાક ભાગમાં લૂ ચાલી રહી છે. મોનસૂનની વાત કરવામાં આવે તો સ્કાઇમેટ વેધરના રિપોર્ટ પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગમાં પહોંચી ગયું છે.
નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યમાં આગમન થઇ ગયું છે. હવે લગભગ ૨૪ કલાકની અંદર જલ્દી આખા પૂર્વોત્તર ભારતને કવર કરવા માટે સ્થિતિઓ અનુકુળ થઇ ગઈ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો શુક્રવારે પવનની દિશા બદલાતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીનો ઘટાડો થયો છે. શનિવારથી રાજ્યના તમામ શહેરોમાં ગરમીનો પારો ૨થી ૩ ડિગ્રી ઘટવાની શક્યતા છે. શુક્રવારથી પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનો શરૂ થયાં છે. જેથી ગરમી થોડી ઘટી છે.