રાજકોટ: ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે વૈજ્ઞાનિક સંશોધનો અને નવી ટેકનોલોજીને અપનાવીને આધુનિક ખેતી કરતા થાય તથા સફળ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો પાસેથી વિચારોના આદાન પ્રદાન દ્વારા તેમના અનુભવોને આધારે ખેતીમાં પરિવર્તન લાવી આર્થીક સમૃધ્ધી મેળવે તે હેતુસર રાજય સરકાર દર વર્ષે કૃષિ મેળા (પ્રદર્શન) અને પાક પરિસંવાદનું આયોજન કરે છે.
રાજકોટ ખાતે તરઘડીયા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુકીખેતિ સંશોધન કેન્દ્ર ખાતે કૃષિ વિભાગ અને આત્મા પ્રેાજેકટ –રાજકોટના સંયુકત ઉપક્રમે કૃષિ મેળો અને પાક પરિસંવાદ-૨૦૧૮ ખેડૂતોના લાભાર્થે યોજાયો હતો.
દિપપ્રાગટય કરી કૃષિમેળાનો પ્રારંભ કરવતાં કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડયાએ જણાવ્યું હતું કે ખેતીએ માત્ર વ્યવસાય નથી ખેતી હવે ઉદ્યોગનો દરજ્જો પામી છે. આથી ખેતીમાં પણ ઉદ્યોગની માફક યોગ્ય વ્યવસ્થાપન જરૂરી છે. તેઓએ વધુમાં ઉપસ્થિત ખેડૂતોને આધુનિક ખેતી માટે અનુરોધ કરતાં ઉમેર્યુ હતું કે પરંપરાગત ખેતીને બદલે વૈજ્ઞાનિક માર્ગદર્શન અને નવા સંશોધનો સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરી તેનો ખેતીમાં વિનિયોગ કરવાથીજ ખેતી સમૃધ્ધ બની શકશે.
આ પ્રસંગે ઉપસ્થિત કૃષિસંશોધન કેન્દ્રના કો.ઓર્ડીનેટર કાબરીયાએ ખેડૂતોની સાહસિકતાને બિરદાવતાં જણાવ્યું હતું કે ખેતી ને નફાકારક બનવવા પરંપરાગત કૃષિ ઉત્પાદનને બદલે બિનપરંપરાગત કૃષિ ઉત્પાદનનો તરફ વળવાની ખેડૂતોને જરૂર છે. આ ઉપરાંત ગ્રામકક્ષાએ શિક્ષિત યુવાનોએ શહેરો તરફ રોજગારી માટે સ્થળાંતર કરવાને બદલે ખેતી આધારીત નાના-નાના ઉદ્યોગો ગ્રામ્યકક્ષાએ શરૂ કરી ઘરઆંગણેજ રોજગારી ઉભી કરવી જોઇએ.
આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કૃષિ ઉત્પાદન બમણું કરવાના ખેતીલક્ષી વિઝન-૨૦૨૨ને ઉલ્લેખ કરતાં સંયુકત ખેતી નિયામક ધોરાજીયાએ જણાવ્યૂ હતું કે માત્ર ખેત ઉત્પાદન અને તેનું વેચાણ કરવાને બદલે ખેત ઉત્પાદનને ગ્રામ કક્ષાએજ સંગઠીત બની મુલ્યવર્ધન સાથે બજારમાં બ્રોડનેમ સાથે વેંચાણ કરવાથી ખેડૂતની આવક ચોકકસ બમણી થઇ શકે છે.
આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકો ડો. જી.એસ.સુતરીયાએ સજીવ ખેતીમાં ખાતર વ્યવસ્થાપન અંગે જયારે ડી.એસ.હિરપરાએ પશુપાલનની મહત્તા અંગે જણાવ્યું હતુ કે પશુપાલનની અવગણના એટલે ખેતીનું પતન. પુશપાલનને માત્ર પુરક વ્યવસાય તરીકે ન સ્વીકારતા ખેતીના નફાકાકર ઉત્પાદન માટેના સાધન તરીકે અપનાવવા ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતો બ્રીજેશભાઇ કાલરીયા-ગોંડલ, અશ્વીનભાઇ ફતેપરા-વિંછીયા, હરેશભાઇ વરડીયા –ગોંડલ અને વિરલભાઇ પનારા-ધોરાજીએ પોતાના ખેતીલક્ષી પ્રયોગો અને તેના સફળ પરિણામોને ખેડૂતો સમક્ષ રજૂ કર્યા હતા. આ ઉપરાંત ઉપરોકત તથા અન્ય પ્રગતિશીલ ખેડૂતોનું આ તકે મહનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.