વિશ્વની સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના આત્મકથાનક પુસ્તક : ‘વિશ્વાસનું એવરેસ્ટ’નું રાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાજભવન, ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું હતું. વર્ષ-૨૦૧૧માં દુર્ઘટનામાં અરુણિમા સિન્હાએ પોતાનો એક પગ ગુમાવ્યો હતો. ત્યાર બાદ કૃત્રિમ પગની મદદથી વર્ષ-૨૦૧૩માં તેમણે એવરેસ્ટ સર કર્યો હતો. એટલું જ નહીં વિશ્વના સૌથી ઉંચા શિખરો પૈકીના છ શિખરો પણ સર કરી લીધાં છે.
રાજ્યપાલ ઓ.પી.કોહલીએ પદ્મશ્રી અરુણિમા સિન્હાને અસાધારાણ સંકલ્પશક્તિનું જીવંત-મૂતિમંત પ્રતિક ગણાવતાં કહ્યું હતું કે, આપણી સામે શારીરિક અક્ષમતા ધરાવતી મહિલાઓએ પોતાના અડગ મનોબળથી અપાર યોગ્યતા હાંસલ કરીને ઇતિહાસમાં પોતાના નામ અમર કર્યા હોય એવા હેલન કેલર જેવા ઘણા ઉદાહરણો છે. અરુણિમા સિન્હાએ પણ અતુલ્ય સાહસ અને બુલંદ આત્મવિશ્વાસથી આવી મહિલાઓની યાદીમાં પોતાનું નામ આલેખાવ્યું છે.
સ્વામી વિવેકાનંદજીના વિચારોને ટાંકતા રાજ્યપાલ ઓ.પી.કોહલીએ કહ્યું હતું કે, પોતાની જાતમાં અને ઇશ્વર પર વિશ્વાસ જ મહાનતાનું રહસ્ય છે. વ્યક્તિ શારીરિક બળ અને આત્મબળથી સફળતા મેળવે છે. તેમાં પણ શારીરિક બળની મર્યાદા હોય છે, પરન્તુ આત્મબળની કોઇ સીમા નથી. અરુણિમા સિન્હા આત્મબળનું પ્રેરણાદાયી પ્રતિક છે.
વ્યક્તિના વિકાસમાં તેના પરિવારના સકારાત્મક યોગદાનનું પણ સવિશેષ મહત્વ છે; એમ કહીને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, પરિવારમાં બાળકોને પ્રોત્સાહિત કરવાને બદલે હતોત્સાહિત કરવામાં આવે છે, વારંવાર ટોકવામાં આવે છે. બાળકો પ્રત્યેનો નકારાત્મક અભિગમ તેમનો વિકાસ અવરોધે છે. સકારાત્મક પરિવારિક વાતાવરણ જ અરૂણિમા સિન્હા જેવા સંતાનો પેદા કરી શકે છે. યોદ્ધા જેવું જુજારૂ વ્યક્તિત્વ ધરાવતી દીકરી અરુણીમા સિન્હાએ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ પ્રબળ આકાંક્ષાથી પરિસ્થિતિ પર વિજય હાંસલ કર્યો છે.
પદ્મશ્રી અરુણિમા સિન્હાએ આત્મકથાનક સમુ પુસ્તક “Born again on the Mountain’ લખ્યું છે. અંગ્રેજી ભાષામાં લખાયેલા આ પુસ્તકનો શ્રીમતી સુધાબેન મહેતાએ ગુજરાતી ભાાષામાં ‘વિશ્વાસનું એવરેસ્ટ’ વિષક સાથે અનુવાદ કર્યો છે. ગુર્જર પ્રકાશને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. રાજ્યપાલ ઓ.પી.કોહલેએ આ પુસ્તકનું લોકાર્પણ કરતાં કહ્યું હતું કે, અરૂણિમા સિન્હાના પ્રેરણાદાયી વ્યક્તિત્વનું આલેખન કરતું આ પુસ્તક ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદીત થવું જોઇએ. શ્રેષ્ઠ પુસ્તકોનો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ થાય તો તે અખિલ ભારતીય ઓળખ પ્રસ્થાપિત કરી શકે.
ગુજરાત સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા દિવ્યાંગ ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાય છે. રાજ્યપાલ ઓ.પી.કોહલીના વરદ હસ્તે સાઇની ગોમ્સ (ટેબલ ટેનિસ-બધિર)ને રૂ.૪,૯૫,૦૦૦નો પુરસ્કાર, જગદીશભાઇ વશરામજી ઠાકોર (પેરાએથ્લેટિક્સ)ને રૂ. ૪ લાખ, કવિ સવદાસભાઇ ચાવડા (પેરા એથ્લેટિક્સ)ને રૂ.૪ લાખ તથા પુરીબેન બબુભાઇ ઠાકોર (બ્લાઇન્ડ એથ્લેટિક્સ), ઉષા રામજી ઠાકોર (પેરા ટેબલ ટેનિસ), ભારતીબેન વિરાભાઇ સૂંઢીયા (પેરા ટેબલ ટેનિસ), સુદ રોહિત પુનિત (સ્પેશિયલ સ્વીમીંગ), અબ્દુલ રઝાક સફીક અહેમદ વોરા (સ્પે.એથ્લેટિક્સ) અને નિકીતા રતિલાલ વણસોલા (બ્લાઇન્ડ એથ્લેટિક્સ)ને દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાયા હતા.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે બોલતાં જણાવ્યું હતું કે, પોતાની જાતમાં વિશ્વાસનો અભાવ અને ઇશ્વર પ્રતિ આસ્થાના અભાવથી આત્મહત્યાના બનાવો વધ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થવાની બીકે, ઓછા માર્કસ આવવાના ભયે કે મા-બાપના ડરથી આત્મહત્યા કરતા હોય છે. શિક્ષણમંત્રી તરીકે વિદ્યાર્થીઓની આત્મહત્યાથી હું પિડીત છું, દુઃખી છું. પદ્મશ્રી અરુણિમા સિન્હાનું આ પુસ્તક અસંભવને સંભવ બનાવવાનું મોટું ઉદાહરણ છે. આ પુસ્તક સમાજમાં ચેતના અને પ્રેરણા પૂરી પાડશે. મહિલાઓમાં પ્રેરણા બનવાનું સામર્થ્ય છે, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે, આ પુસ્તક ગુજરાતમાં ખૂણે ખૂણે પહોંચે એવા પ્રયત્નો કરાશે.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ અને સાહિત્ય-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રણેતા કે જેઓ સ્વયં પણ વ્હીલચેરના સહારે પ્રવૃત્ત રહીને પ્રેરણાદાયી જીવન જીવે છે એવા કૃષ્ણકાન્તભાઇ જહાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પદ્મશ્રી અરુણિમા સિન્હા પરિસ્થિતિના દાસ નથી બન્યા, પરિસ્થિતિને તેમણે દાસ બનાવી છે. જીવન જીવવું જરૂરી નથી, જીવનને જીતવું જરૂરી છે. દિવ્યાંગોને દયા નથી જોઇતી. દિવ્યાંગોને માત્ર ટેકો-સમર્થન જોઇએ છે. નરેન્દ્રભાઇ મોદીએ ‘દિવ્યાંગ’ શબ્દ આપીને દિવ્યાંગોનું આત્મસન્માન વધાર્યું છે, એમ કહીને તમામ દિવ્યાંગો વતી તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રતિ આભારની લાગતી વ્યક્ત કરી હતી. અરુણિમા સિન્હા આત્મવિશ્વાસનો પર્યાય છે, એમ કહીને કૃષ્ણકાન્તભાઇ જહાએ જણાવ્યું હતું કે, ગુજરાતાં અરુણિમા સિન્હા જેવી દીકરીઓ તૈયાર થાય એ જરૂરી છે.
પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક
રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના ઉદબાોધનમાં જણાવ્યું હતું કે, આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની અખૂટ આસ્થાથી અરુણિમા સિન્હાએ એવરેસ્ટ સર કર્યો છે. આજે અરુણિમા સિન્હા પોતાના પ્રેરણાદાયી વકતવ્યથી લાખ્ખો યુવાનોને પ્રેરણા આપી રહી છે. સ્વામી વિવેકાનંદના વિધાનને ટાંકીને સ્વામીજીએ કહ્યું હતું કે, જ્યાં સુધી નારી જાગૃતિ નહીં થાય ત્યાં સુધી દેશની પ્રગતિ સંભવ નથી. અરુણિમા સિન્હા મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ છે.‘વિશ્વાસનું એવરેસ્ટ’ શિર્ષક યથાર્થ છે, એમ કહીને તેમણે કહ્યું કે, આ પુસ્તકની ભીતર અનંત શક્તિઓ ભરી પડી છે.
પદ્મશ્રી અરુણિમા સિન્હાએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે, જીવનમાં પ્રત્યેકનું પોતાનું આગવું ‘એવરેસ્ટ’ હોય છે. એ ‘એવરેસ્ટ’ ને સર કરવાનો દ્રઢ નિશ્ચય જરૂરી છે, અને પછી એકાગ્રતાપૂર્વક સખત મહેનત અનિવાર્ય છે. લક્ષ્યને ફોક્સ કરશો અને તેને હાંસલ કરવા સખત પરિશ્રમ કરશો તો ઇશ્વર પણ તમને સફળતા આપવા મજબૂર થઇ જશે. એવરેસ્ટ સર કર્યા પછી અરુણિમા સિન્હાએ ટોચ પર સ્વામી વિવેકાનંદ, સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને શારદાદેવીની તસવીર સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સ્વામી વિવેકાનંદને પોતાની ‘એનર્જી કેપ્સ્યુલ’ ગણાવતા અરુણિમા સિન્હાએ કહ્યું કે, મેં મારા પગથી નહીં પરન્તુ દિલ અને દિમાગની શક્તિથી એવરસ્ટ પર ચઢાણ કર્યું છે. તમે પહેલા પગલે એકલા હોઇ શકો, પણ પછી તો લોકો તમારી સાથે જોડાઇ જ જાય છે. અરુણિમા સિન્હાએ કહ્યું હતું કે, મહિલાઓને દયાની નહીં, થોડા સપોર્ટની જ જરૂર છે. પર્વતો ચઢવા હોય તો માથું નીચું રાખીને ચઢવું પડે, ઉન્નત મસ્તક હોય તો પર્વતો પર ચઢી શકાતું નથી, એમ કહીને પદ્મશ્રી અરુણિમા સિન્હાએ યુવાનોને નમ્ર થવા અનુરોધ કર્યો હતો.
સમારોહના પ્રારંભે ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહે સ્વાગત ઉદબોધન કર્યું હતું અને ‘વિશ્વાસનું એવરેસ્ટ’ના અનુવાદક સુધાબેન મહેતાએ આભારની લાગતી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગુજરાતી ભાષાના વરિષ્ઠ સાહિત્કારો, આગેવાનો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.