રાજકોટ
સમગ્ર દેશમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ રાજકોટના ટાગોર રોડ પર આવેલી સ્કૂલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ સાથે મળી ૧૫૦ કિલોની ૧૧,૦૦૦ જેટલી રોટલી એકત્રિત કરી હતી અને આજના દિવસે વિદ્યાર્થીઓએ પોતાના હસ્તે ગૌ-માતા અને શ્વાનને ખવડાવી અબોલ પશુ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અબોલ જીવ પ્રત્યે પ્રેમ સાથે સાથે દેશપ્રેમ વ્યક્ત કરી પુલવામાં આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી વિદ્યાર્થીઓએ બે મિનીટનું મૌન પાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે દર વર્ષે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરતા હોય છે. ગત વર્ષે વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડેની ઉજવણી માતા-પિતાના પૂજન સાથે કરી હતી. સ્કૂલના હરેન્દ્રસિંહ ડોડિયાએ જણાવ્યું હતું, વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનો દિવસ. ત્યારે આજે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મૂલ્ય શિક્ષણ અને જીવન શિક્ષણના ભાગરૂપે આજે વેલેન્ટાઈન ડેની એનોખી ઉજવણી કરી છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી રોટલી લાવી અને સ્કૂલે એકત્ર કરી હતી. આ ઉપરાંત સ્કૂલમાં પણ શિક્ષકો દ્વારા બહારથી બહેનોની બોલાવડાવી રોટલી બનાવડાવામાં આવી હતી. ૧૫૦ કિલો લોટમાંથી રોટલી બનાવવામાં આવી હતી. કુલ ૧૧ હજાર રોટલી શહેરની અલગ અલગ ગૌશાળા અને વિસ્તારોમાં જઈ વિદ્યાર્થીઓએ ગાયો અને શ્વાનનો રોટલી ખવડાવી હતી.૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. પશ્ચિમી સંસ્કૃતિ યુવા વર્ગ ઉપર જે રીતે હાવી થઈ રહી છે તેને કારણે ભારતીય યુવાઓ ધીમે ધીમે સંસ્કૃતિથી દૂર થઈ રહ્યા છે. આજે એક તરફ યુવાધન પોતાના પ્રેમીઓ સાથે વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યું છે. બીજી તરફ રાજકોટની એક સ્કૂલમાં વેલેન્ટાઈન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. સ્કૂલ ખાતે વેલેન્ટાઈન ડેનો એક અનોખો કાર્યક્રમ યોજી અબોલ જીવ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ૧૧,૦૦૦ રોટલી એકત્રિત કરી ગાય અને શ્વાનોને ખવડાવી હતી.