ભાગદોડની લાઇફમાં અને બગડતી જતી લાઇફસ્ટાઇલની સીધી અસર આરોગ્ય પર થઇ રહી છે. સમયસર ભોજન નહી કરવા, ઓછા પ્રમાણમાં પાણીનો ઉપયોગ અને દવાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી કિડનીને માઠી અસર થાય છે. જાણકાર લોકો કહે છે કે વધુને વધુ પ્રમાણમાં પાણી પીવાથી કિડની સ્વસ્થ રહે છે. કિડની સંબંધિત બિમારીથી પણ આના કારણે બચી શકાય છે. શરીરમાં કિડની ફિલ્ટરની જેમ કામ કરે છે. જે ઝેરી તત્વોને શરીરની બહાર કાઢે છે. લખનૌ સ્થિત સંસ્થાના નિષ્ણાંતો દ્વારા આ મુજબની પ્રતિક્રિયા આપવામાં આવી છે.
ખુબ ઓછુ પાણી પીનાર લોકોને પેટમાં દુખાવાની તકલીફ રહે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વેજિટેરિયન ડાઈટ કિડની માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. કિડનીના રોગના દર્દીઓને ઘણી તકલીફથી વેજિટેરિયન ડાઈટ બચાવી શકે છે અને મદદરૂપ થઈ શકે છે. વેજિટેરિયન ડાઈટના મામલામાં અગાઉ પણ ઘણા અભ્યાસ થઈ ચૂક્યા છે જે ઘણા યોગ્ય તારણો આપે છે. શરીરમાં ફોસ્ફરસના ટોક્સીક પ્રમાણને ઘટાડવામાં વેજિટેરિયન ડાઈટ ઉપયોગી સાબિત થાય છે. કિડની રોગના દર્દીઓને ફોસ્ફરસના હિસ્સાને મર્યાદિત રાખવાની સલાહ હંમેશા આપવામાં આવે છે. કારણ કે મિનરલના ઊંચા સ્તરથી હાર્ટએટેક થવાનો ખતરો વધી જાય છે. મોતનું સંકટ પણ રહે છે.
કિડનીના રોગ સાથે ગ્રસ્ત દર્દીઓ માટે ઓછા ફોસ્ફરસના ડાઈટને જાળવી રાખવાની સલાહ મેડિકલ માર્ગદર્શિકામાં આપવામાં આવી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં ઘણી મહત્વપૂર્ણ વિગતો સપાટી પર આવી છે.