રાજ્ય સરકારે નાના-મધ્યમ-લઘુ માંદા ઊદ્યોગ-એકમોને પુનઃજીવિત કરવાના ઉદ્દેશથી વીજ દરમાં યુનિટ દીઠ રૂ.૧ એકની રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ રિએમ્બર્સમેન્ટ ચાર વર્ષના સમયગાળા માટે અપાશે. જેના પરિણામે રાજ્ય સરકાર પર દર વર્ષે અંદાજે સરેરાશ રૂ.૩૦ કરોડનો બોજ પડશે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત અને કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સે માંદા એકમોને પુનઃજીવિત કરવાના હેતુસર રાજ્ય સરકારે આપેલી રાહતોમાં ખાસ કરીને વીજ દરમાં પ્રતિ યુનિટ રીએમ્બર્સમેન્ટ આપવા અવારનવાર રજુઆતો કરી હતી. જેને પગલે આ પ્રકારના માંદા એકમો ઝડપથી પુનઃજીવિત થાય તો હજારો કામદારોની રોજીરોટી જળવાઇ રહે તે હેતુસર માંદા એકમોને વીજ દરમાં પ્રતિ યુનિટ રૂ.૧ નું રિએમ્બર્સમેન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.
સરકારની આ જાહેરાતને પગલે રાજયના નાના અને માંદા ઔદ્યોગિક એકમોમાં રાહત અને ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. સરકાર હવે રાજયના નાના અને માંદા એકમોને મંદી અને નુકસાનીના મારમાંથી બહાર કાઢી તેને વિકાસ અને પ્રગતિના મુખ્ય પ્રવાહમાં જાડવાનો પ્રયાસ કરશે. તેના ભાગરૂપે જ રાજયના માંદા અને નાના ઉદ્યોગોને વીજદરમાં યુનિટ દીઠ રૂ.એકની બહુ મહત્વની રાહત આપવામાં આવશે.