નવી દિલ્હી :લોકપ્રિય ગઝલ ગાયક જગજીતસિંહની આજે પુણ્યતિથીએ તેમને યાદ કરવામાં આવ્યા હતા અને ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજસ્થાનના શ્રીગંગા નગરમાં ૮મી ફેબ્રુઆરી ૧૯૪૧ના દિવસે જન્મેલા જગજીતસિંહને પણ શરૂઆતના દિવસોમાં સંઘર્ષ કરવાની ફરજ પડી હતી. જન્મ બાદ જગજીતસિંહનું નામ પરિવારના સભ્યોએ જગમોહન રાખ્યું હતું. પરંતુ પરિવારના સભ્યોએ જ્યોતિષની સલાહના આધાર ઉપર નામ બદલીને જગજીતસિંહ કરી દીધું હતું.
ગઝલને મોટા લોકોની મહેફિલમાંથી બહાર કાઢીને સામાન્ય લોકો વચ્ચે લાવવામાં જગજીતસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. ભારતમાં વર્ષો સુધી ગઝલ ગાયિકીનો ચહેરો બની ચૂકેલા જગજીતસિંહના ચાહકો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા હતા. જગજીતસિંહને સામાન્ય રીતે ભારતમાં ગઝલને પુનઃ સ્થાપિત કરવામાં ક્રેડિટ આપવામાં આવે છે. જગજીતસિંહ વર્ષો સુધી પોતાની પત્ની ચિત્રાસિંહ સાથે જાડી બનાવીને રજૂ થતા રહ્યા હતા. વર્ષ ૧૯૯૦માં એક દુર્ઘટનામાં આ દંપતીએ પોતાનો એક માત્ર પુત્ર વિવેક ગુમાવી દીધો હતો. ચિત્રાસિંહ આ હાદસામાંથી બહાર આવી શકી ન હતી અને ચિત્રાસિંહે ગીત ગાવવાનું બંધ કરી દીધું હતું.
આ દંપતિએ છેલ્લે સંયુક્ત આલ્બમ સમ વેર રજૂ કર્યો હતો. ત્યારબાદથી જગજીતસિંહ એકલા જ ગાઈ રહ્યા હતા. જગજીતસિંહે લતા મંગેશકરની સાથે ખાસ આલ્બમ સજદા રજૂ કર્યો હતો. જેને પણ મોટી સફળતા મળી હતી.ગુલઝાર સાથે પણ જગજીતસિંહે કામ કર્યું હતું. ગુલઝારના નિર્દેશનમાં બનેલી ટીવી સિરિયલ મિર્ઝા ગ્વાલિબમાં જગજીતસિંહે પોતાનો આવાજઆપ્યો હતો. આ સિરીયલના ગીત પણ લોકપ્રિય થયા હતા.