જય દ્વારિકાધીશ….!!!
વાચક મિત્રો, ગઈ જન્માષ્ટમીએ પહેલી વાર ખબરપત્રીના માધ્યમ દ્વારા મને કૃષ્ણ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મોકો મળ્યો હતો અને તે પરથી મને મારું કૃષ્ણ સાથેનું એક અદ્રશ્ય જોડાણ મહેસૂસ થયું.
કૃષ્ણને મે હંમેશા એક રાજકારણી અને પ્રેરણાદાતાની નજરે જોયા છે અને કદાચ એટલે જ તે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. તે સિવાય એક માસૂમ ગોપાલકથી લઈને બાહોશ યોદ્ધા, પ્રખર રાજકારણી અને અંતે જ્ઞાની સારથિ સુધીની તેમની જે જીવનયાત્રા છે, એ ખરેખર એક સામાન્ય વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે.
તો ચાલો આજે જાણીએ એક જ જન્મમાં અસંખ્ય કિરદાર થકી માનવ થઈને જીવેલા દેવ એવા શ્રીકૃષ્ણના તીર્થ દ્વારકા વિશે….. હકીકતમાં તે દ્વારકા નહિ, પણ દેવભૂમિ દ્રારિકા છે. ગુજરાતના ઉત્તર પશ્ચિમી સમુદ્રતટે આવેલું એક એવું નાનકડું શહેર, જ્યાં પવિત્ર ગોમતી નદી અને અરબ સાગરનો સંગમ થાય છે, જ્યાંની વસ્તી તો પૂરી પચાસ હજાર પણ નથી પણ ત્યાંના લોકોના દિલ તેમના નગરદેવતા એવા શ્રીકૃષ્ણના હ્રદય જેવા વિશાળ છે.
દ્વારિકા મંદિરમાં પ્રવેશ માટે બે દ્રાર છે – એક મોક્ષ દ્વાર, જે જીવન અને મૃત્યુના ચક્રમાંથી છૂટવાનું પ્રતીક છે અને બીજું છે સ્વર્ગ દ્વાર, જે દ્રારિકાધીશ, તેમના પટ્ટરાણી અને એ તમામ લોકોને સમર્પિત છે જેમણે દ્વારિકાના અસ્તિત્વમાં પોતાનો સહયોગ આપ્યો છે. દ્વારિકા એ ભારતના મહત્વના ચાર ધામ પૈકીનું એક છે, જેનો ઉલ્લેખ મહાભારતમાં તથા ભાગવતના દશમસ્કંધ અધ્યાયમાં થયો છે. પોતાના મામા કંસને માર્યા બાદ કૃષ્ણ મથુરાની રાજગાદી પર બેઠા પરંતુ જરાસંઘના વારંવારના આક્રમણને લીધે કૃષ્ણ પોતાની પ્રજાને લઈને ગુજરાતના પશ્ચિમી સમુદ્રતટે આવ્યા અને દ્વારિકાની સ્થાપના કરી. કહેવાય છે કે તેમણે સમુદ્રદેવ પાસે આ તટ પર રહેવા માટે 12 યોજન જગ્યા આપવાની રજા લીધી અને દેવોના શિલ્પી વિશ્વકર્માએ તેમને સોનાની નગરી દ્વારિકા બનાવી આપી. દ્વારિકાનું અસલ મંદિર લગભગ 2500 વર્ષ હોવાનું જણાય છે, જેનો ઉલ્લેખ ભાવનગર પાસેના પાલિતાણા પરના આશરે છટ્ઠી સદીની આસપાસના મળેલા તામ્રલેખો પરથી મળી આવે છે.
લોકોક્તિ પ્રમાણે અસલ દ્વારિકા કાળક્રમે સમુદ્રમાં વિલીન થઈ ગઈ હોવાનું મનાય છે, જોકે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ડો. એસ. આર. રાવની આગેવાની હેઠળ સૌપ્રથમવાર 1963માં સમુદ્રમાં દ્વારિકાના અવશેષોની ખોજ શરૂ કરી. ઈ.સ. પૂર્વે 574 દરમિયાન મૈત્રક વંશના રાજા સિંહાદિત્ય ના સમયના તામ્રલેખ પરથી જણાય છે કે આઠમી સદીમાં દ્વારકાના હાલના મંદિરની સ્થાપનાનું કાર્ય શરૂ થયું, જે જગતમંદિર તરીકે જાણીતું છે. લોકવાયકા મુજબ હાલના જગતમંદિરની રચના શ્રીકૃષ્ણના પ્રપૌત્રએ કરાવી હતી. એક વાયકા મુજબ આ મંદિરનો પાયો આદ્યજગદગુરુ શંકરાચાર્યએ ઈ.સ. 700ની આસપાસ કર્યો હતો જેનું કાર્ય કાળક્રમે ઈ.સ. 885માં પૂર્ણ થયું હોવાનું મનાય છે. આ મંદિરે યાદવોથી શરૂ કરીને રાજપૂતો, મરાઠા, મોગલ, સિંધિયા અને અંગ્રેજો એમ ઘણા શાસનકાળ જોયા છે. મોગલવંશના મોહંમદ બેગડાએ કરેલા ધ્વંસ બાદ મરાઠાઓએ અને તે પછી અંગ્રેજોએ ગાયકવાડ રાજવીઓ સાથે મળીને આ મંદિરની બાગડોર હાથમાં લીધી.
મંદિરનું બાંધકામ નાગર શૈલીનું છે, જે ગ્રેફાઈટ, રેતી અને સમુદ્રી ખડકોનું બનેલું હોવાનું જણાય છે. પાંચ માળના, 14 ઝરૂખા અને 72 સ્તંભો પર ઊભા રહેલા એવા જાજરમાન એવા આ મંદિરના લગભગ 38 મીટર ઊંચા શિખર પર દરરોજ 52 ગજની ધજા ચડે છે અને એ પણ પાંચવાર. ધજા ચડાવનાર વ્યક્તિ પહેલા શ્રીકૃષ્ણના અને ત્યારબાદ પાંચમા માળે આવેલા શ્રીકૃષ્ણના કુળદેવી હરસિદ્ધમાતાના મંદિરે (આ સ્થાન ગુપ્ત છે, જ્યાં પૂજારી અને ધજા ચડાવનાર વ્યક્તિ સિવાય કોઈને જવાની છૂટ નથી) પગે લાગીને કોઈ પણ સલામતી વિના બાવન ગજની ધજા ફરકાવે છે. મંદિરમાં દ્વારિકાધીશને 11 ભોગ અને ચાર વાર આરતી કરવામાં આવે છે. સવા બે ફૂટ ઊંચી આ ચતુર્ભુજ પ્રતિમા હાથમાં શંછ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને પોતાના દર્શન કરવા આવનાર ભક્તોનો શુભાશિષ અને સંપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપી રહી છે.
સમયાનુસાર પોતાના વ્યક્તિત્વના તમામ પાસાઓ દુનિયા સમક્ષ રજૂ કરીને એક સામાન્ય પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ બની ગયા એવા મહાન અને સર્વોત્તમ વ્યક્તિત્વ શ્રીકૃષ્ણને મારા શત શત વંદન….
જય દ્રારિકાધીશ….
- આદિત શાહ