હું સુધા. મારો દીકરો એન્જિનિયરીંગ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી પૂણેમાં ભણે છે. રોજ રાત્રે સૂતા પહેલા મને કોલ કરે. આખા દિવસની બધી વાતો કરે. છેલ્લા પંદર દિવસથી મારાથી કંઈ છૂપાઈ રહ્યો હોય એવુ લાગ્યુ. વાત ફટાફટ પતાવી દે. કારણવગર ખુશ રહેવા લાગ્યો. મા છું તેની. ગમે તે છૂપાવે તો પણ માનાં હદયને ભણકાર વાગી જ જાય. એક દિવસ અચાનક મેં એને પૂછી લીધુ…કે આજકાલ મારો ફોન મૂકીને જેની સાથે વાત કરે છે અને જેના લીધે આખો દિવસ ખુશ રહે છે તેનું નામ તો જણાવ…સામેથી જવાબ આવ્યો મમ્મી…તને કેવી રીતે ખબર પડી…યુ આર સચ અ માય બેસ્ટ ફ્રેન્ડ. તો સાંભળ તેનું નામ મોના છે. તે બંગાળી છે. તે પણ મારી જેમ ભણવા માટે અહીં આવી છે. પંદર દિવસ પહેલા એણે મને પ્રપોઝ કર્યું છે. મને પણ તે ગમતી જ હતી, પરંતુ મને તને કહેવામાં ડર લાગતો હતો. હું એ જ વિચારતો હતો કે મમ્મીને કેવી રીતે કહીશ…પણ તે જ સામેથી પૂછી લીધુ તો સંકોચ તૂટી ગયો. આટલું સાંભળીને મેં ફોન મૂકી દીધો.
હાય હાય બંગાળી છોકરી…નોનવેજ ખાતી અને બીનગુજરાતી છોકરી…મારે તો મારા ગોળની જન્માક્ષર મેળવીને વહુ પસંદ કરવી હતી. મારા માટે શું અગત્યનું છે…લાઈફ તો દીકરાની છે…હું મારા અરમાન પૂરા કરવામાં દીકરાનાં અરમાન કેવી રીતે ભૂલી શકુ. મારે તો આખા સમાજમાં સુશીલ વહુ લાવીને વટ પાડવો હતો…મારો મીત મારી પાસેથી આ હક પણ છીનવી લેશે…ના ના હું એટલી સ્વાર્થી ના થઈ શકું…મારી મરજી કરવા કરતાં એની પસંદ અગત્યની છે…પણ આ બંગાળી છોકરી કેવી હશે…મેં જે રીતે મીતને સાચવ્યો છે તે રીતે તેને સાચવશે? અરે ઉપરથી મીતની જવાબદારી વધી જશેને…મીતે હવે મા-બાપની સાથે આ બંગાળી છોકરીને પણ સાચવવી પડશે…એટલુ જ નહીં તેનાં મા-બાપનું પણ ધ્યાન રાખવુ પડશે….મારો મીત આટલો મોટો કેમ થઈ ગયો…મારા ખોળામાં કેટલો સુંદર લાગતો હતો…પણ મારે જ તો તેને જલદી મોટો કરીને પગભર કરવો હતો…ખેર એ બધુ તો મારા હાથમાં નથી…પણ શું હું લાઈફમાં કંઈક ઈરેઝ કરીને મીતને કોઈ ગુજરાતી બ્રાહ્મણ છોકરી સાથે ના પરણાવી શકું? ના ના આ જોડીઓ તો ઉપરથી લખાઈને આવી હોય…હું મા છું…તેને ઈમોશનલી બ્લેકમેલ કરીને તેની જીંદગી સાથે ચેડા ન કરી શકું…મારે તો મીતની ફ્રેન્ડ બનીને તેના તરફથી લોકોને કન્વીન્સ કરવા પડશે…હું જ વિરોધ કેમનો કરી શકું…હું મોર્ડન છું …દીકરાને કીધુ છે કે જે હોય તે બધી વાત મને કરવાની..હું હંમેશા તારો સાથ આપીશ…તો આજે આમ ઢીલી કેવી રીતે પડી શકું…શું કરવું ,….શું ના કરવું…તમે જ કહો…..
આવી સુધા આજની જનરેશનમાં દરેક ગામમાં જોવા મળશે…શું આપની આસપાસ તો એવી કોઈ સુધા નથીને…જે પણ આ જ અસમંજસથી પસાર થઈ રહી હોય… ?