અગાઉના લેખમાં મેં ‘ફ્રેન્ડશીપ ડે”ના ઈતિહાસ વિષે લખ્યું છે તેમ ભારતમાં ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ‘ફ્રેન્ડશીપ ડે” એટલે કે મિત્રતા દિવસ.
મિત્ર એટલે….
આપણને કાયમ પજવતો પરંતુ સમય આવ્યે આપણી પડખે ઉભો રહેતો હોય એ…
તમે ગમે તેટલા મોટા અધિકારી થયા હોવ છતાંયે અધિકારથી જે પૂછે કે, “આ દુનિયામાં છે કે નહીં? આજકાલ દેખાતો નથી…”
તમારી ભૂલને જે નીડરતાથી દેખાડે અને બીજાની નજર સામે તમને ક્યારેય પડવા નહીં દે…
જેની સાથે તમારો દિલનો સબંધ હોય… જે તમને કાયમ મદદ કરતો હોય….
સુખ અને દુ:ખમાં એ આપણી સાથે જ હોય તેને કશા આમંત્રણની જરૂર ન પડે…
તમે રીસાવો ત્યારે જે દુઃખી દુઃખી થઇ જાય… અને તમે ખુશ હોવ ત્યારે જે આનંદિત થઇ જાય….
““મિત્રતા દિવસ” એટલે આવા જ મિત્રોને યાદ કરી લેવાનો એક સુવર્ણ અવસર….
શાળામાં હતા ત્યારે આપણે દોસ્તો વચ્ચે જ જીવતા હતાં પરંતુ આજે લોકો વચ્ચે જીવીએ છીએ….
ચાલો, આ “મિત્રતા દિવસ” નિમિતે જિંદગીની દોડધામમાં પાછળ છૂટી ગયેલા એ તમામ દોસ્તોને ફોન કરીને કોઈક જગ્યાએ ભેગા થઇ “મિત્રતા દિવસ”ની સાથે મળી ઉજવણી કરીએ…
દોસ્તોને નિરાંતે મળી આપણે બે વાત કરી શકીએ એટલે જ તો આ દિવસ માટે રવિવાર ફાળવામાં આવ્યો છે.
તો ચાલો, આ “મિત્રતા દિવસ” પર દોસ્તો સાથે મજા માણીએ…
દોસ્તો જોડે ક્યાંક પ્રવાસે જવાનું ગોઠવીએ…
નહીંતર કોઈક હોટલમાં સાથે જમવા જઈએ…
અથવા કોઈ મસ્ત ચલચિત્રને સાથે મળીને નિહાળીએ…
નહીંતર કોઈક ચાના ગલ્લે દોસ્તો સાથે નિરાંતે બેસી ચાની ચૂસકીઓ લેતાં લેતાં ચાય પર ચર્ચા કરીએ..
અરે! આ પણ શક્ય ન હોય તો દોસ્તના ઘરે રૂબરૂ જઈને અધિકારથી જમીએ અથવા તેને આપણા ઘરે જમવા બોલાવીએ…
ટૂંકમાં વોટ્સએપ અને ફેસબુક પર માત્ર સંદેશાઓનો ખડકલો ન કરતાં આપણી દોસ્તી હજુ ઘનિષ્ટ થાય એવા કોઈક પ્રયત્નો કરીએ….
આ વખતનો “મિત્રતા દિવસ” તમારા માટે યાદગાર બની જાય એવું કંઈક તો કરીએ….
બોલો શું કહો છો?
અંતે, ખબરપત્રીની ટીમના મારા મિત્રોને તથા મારા વહાલા વાંચક મિત્રોને મિત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
અસ્તુ
- પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે