બેંગલોર : કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં સરકારનુ પતન થઇ ગયા બાદ ભાજપ સરકાર બનાવવા માટે તૈયાર છે. કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ સવારમાં રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ સરકાર રચવાનો દાવો કર્યો હતો. યેદિયુરપ્પાએ આજે સાંજે જ શપથગ્રહણ કાર્યક્રમ રાખવાની અપીલ કરી હતી. મુલાકાત બાદ યેદિયુરપ્પાએ કહ્યુ હતુ કે તેઓ રાજ્યપાલ સાથે વાતચીત કરી ચુક્યા છે. હવે સાંજે છ વાગે શપથ લેવામાં આવનાર છે.
જો કે સરકાર બની ગયા બાદ પણ મુખ્ય પડકાર બહુમતિ પરીક્ષણ માટેનો રહેશે. ૨૩મી જુલાઇના દિવસે કર્ણાટકમાં ૧૪ મહિના જુની એચડી કુમારસ્વામી સરકાર વિશ્વાસમતમાં પડી ગઈ હતી. આનીસાથે જ હાલમાં ચાલી રહેલી ચર્ચાઓનો પણ અંત આવી ગયો હતો. મંગળવારે સાંજે વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ પર મતદાન થયા બાદ સત્તા પક્ષને માત્ર ૯૯ મત મળ્યા હતા જ્યારે ભાજપની તરફેણમાં ૧૦૫ મત પડ્યા હતા તે વખતે ગૃહમાં કુલ ૨૦૪ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ અને જેડીએસની છાવણીમાં સોપો પડી ગયો હતો.૨૮મી જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે પ્રથમ વખત કુમારસ્વામી સરકાર બની હતી.
૨૦૦૮માં પણ ફરી તક મળી હતી. જેડીએસ અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા પહેલાથી જ નાખુશ હતા. તેઓએ તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે, ગઠબંધનનો અંત લાવવામાં આવે પરંતુ રાહુલ ગાંધીએ સાંભળી ન હતી. મુશ્કેલીઓની શરૂઆત વર્ષ ૨૦૧૯થી શરૂ થઇ હતી. ૧૫મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે કોંગ્રેસના સાત ધારાસભ્યોએ પાર્ટી છોડવાની ધમકી આપી હતી. ચોથી જૂન ૨૦૧૯ના દિવસે વિશ્વનાથે જેડીએસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યું હતું. કર્ણાટકમાંસંકટની શરૂઆત છઠ્ઠી જુલાઈના દિવસે થઇ હતી જ્યારે જેડીએસ અને કોંગ્રેસના ૧૨ ધારાસબ્યોએ મેમ્બરશીપ તરીકે રાજીનામા આપ્યા હતા.