અમદાવાદ : અમદાવાદ શહેરમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ મુકાયેલી છે. અમદાવાદમાં મોસમમાં વરસાદ હજુ સુધી ખુબ ઓછો રહ્યો છે. અમદાવાદ શહેરમાં ૧૮ ટકા સુધીનો વરસાદ હજુ સુધી થઇ શક્યો છે. એકબાજુ રાજ્યમાં સિઝનમાં ૨૮ ટકા સુધી વરસાદ રહ્યો છે જ્યારે અમદાવાદમાં ૧૮ ટકા સુધીનો વરસાદ રહ્યો છે. ગુજરાતમાં પાંચ તાલુકા એવા છે જ્યાં ૪૦ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ ચુક્યો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો કુલ ૧૮ ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતના કુલ ૨૫૧ તાલુકા પૈકી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધારે ૫૧ ઇંચ વરસાદ થઇ ચુક્યો છે જે રાજ્યમાં હજુ સુધી સૌથી વધારે વરસાદ છે. આ ઉપરાંત કપરાડામાં ૪૪ અને ઉંમરપાડામાં ૪૧ ઇંચ સુધીનો વરસાદ થયો છે. નવસારી જિલ્લાના ખડગામ તાલુકામાં આશરે ૪૧ ઇંચ વરસાદ થયો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૩ તાલુકામાં ૨૦ ઇંચથી વધુ અને ૪૦ ઇંચથી ઓછો વરસાદ થયો છે. ૫૫ તાલુકામાં ૧૦ ઇંચ કરતા વધારે વરસાદ અને ૨૦ ઇંચ કરતા ઓછો વરસાદ થયો છે.
૧૦૬ તાલુકામાં પાંચ ઇંચથી વધારે અને ૧૦ ઇંચથી ઓછો વરસાદ રહ્યો છે. ૫૩ તાલુકાઓમાં પાંચ ઇંચથી ઓછો અને બે ઇંચથી વધારે વરસાદ થયો છે. આવી જ રીતે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સિઝનમાં કુલ વરસાદ પૈકી હજુ સુધી ૨૨૬ મીની વરસાદ થયો છે જે ૮ ટકાની આસપાસ રહેલો છે. વર્ષ ૧૯૮૯થી ૨૦૧૮ સુધી ગુજરાતમાં સિઝનનો વરસાદ સરેરાશ ૮૧૬ મીલીમિટર અથવા તો ૩૨ ઇંચની આસપાસ છે.