અમદાવાદ : જાણીતી લોકગાયિકા અને ચાર ચાર બંગડી…ફેમ કિંજલ દવે આખરે ભાજપમાં જોડાઈ ગઇ હતી. કિંજલ દવે ભાજપમાં જોડાતાં ભાજપને બહુ મોટો ફાયદો ચૂંટણીઓ અને તેના રાજકીય કાર્યક્રમો વખતે તેના લોકપ્રિય ગીતો ગવડાઇને ભાજપને મળી શકે તેવુ મનાઇ રહ્યું છે. ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ગુજરાતી લાકગાયિકા કિંજલ દવે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત્ પ્રવેશ આપ્યો હતો. કિંજલ દવે તેના પિતા સાથે ભાજપમાં જોડાઇ ગઇ હતી. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયા અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કિંજલને પક્ષમાં આવકારી તેને અભિનંદન પણ પાઠવ્યા હતા.
કિંજલ દવેનો જન્મ તા.૨૪ નવેમ્બર ૧૯૯૯ના રોજ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. કિંજલ દવેનું બાળપણ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પસાર થયું છે. કિંજલના પિતા લલિત દવે હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા તે મિત્ર મનુ રબારી સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને જાનડિયો લગ્નગીત આલબમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું. કિંજલને બાળપણથી જ ગાવાનો શોખ હતો, અને ધીમે ધીમે આ શોખ જ પ્રોફેશન બની ગયો. કિંજલની પવન જોશી સાથે સગાઈ થઈ ચૂકી છે. બન્ને ઘણીવાર વિવિધ ઈવેન્ટ્સમાં પણ સાથે જોવા મળે છે.
આજે તો કિંજલ દવે સમગ્ર ગુજરાતમાં ફેમસ થઈ ચૂકી છે. તેણી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે. તેણે પોતાના કંઠના તાલે ગુજરાતીઓને ઘેલા કર્યા છે અને દિવાના બનાવ્યા છે. ગુજરાતી સંસ્કૃતિ, લોકસાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાતી ગાયક કલાકારો પણ વિદેશમાં જાણીતા છે. પણ મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કિંજલ દવે નામની યુવતી ધૂમ મચાવી રહી છે, ત્યારે ભાજપે હવે આ લોકપ્રિય ગાયિકાને ભાજપમાં પ્રવેશ આપી વધુ એક જાણીતી હસ્તીને પક્ષમાં સમાવી છે.