– ” તેં મુખી બાપા, તમે આ તમારા લવજીભાઇ હારુ કોઇ કન્યા માટે હા કેમ નથી પાડતા ??”
– કેટલાં બધાં માગાં આવી ગયાં પણ તમે કેમ હોંકારો ધરતા નથી ?? ”
– “બધી છોડીઓ ભણેલી ગણેલી હતી ને હારા હારા ઘરનાં માગાં આવ્યાં પણ તમારે એમ તે કેવી વહુ જોઇએ છે તે બધામાં ના જ પાડો છો એ તો કહો ??”
વિરમજી મુખીનો દીકરો લવજી યુવાની આંટીને પૂરાં પચ્ચીસનો થઇ ગયો હતો. દેખાવડો ને શરીરે પાછો મજબૂત પણ ભણવામાં પાછળ…મુખીનાં લાડને લીધે બારમા ધોરણથી આગળ ના વધ્યો તે ના જ વધ્યો..આમ પાછો મુખીનો દીકરો એટલે બાપના સારા ગુણ તો વારસામાં મળેલા પણ તો ય ગામના બે લબાડીયાઓની સંગતે ચઢીને કદીક છાંટો પાણી ય કરતો ને કો’ક બેન દીકરી પર ખરી ખોટી નજર પણ નાખી દેતો…ગામના બધા જુવાનિયા એનાથી ડરે એવી એણે એક ટોળકી પણ બનાવેલી… આ બધી બાતમી મુખીબાપાને મળી ગયેલી ને ખાનગીમાં મુખીએ એની ચોકસાઇ પણ કરાવેલી તો બધુ હાચેહાચ જણાયેલુ…
મુખીને સંતાનમાં આ એક જ દીકરો. જો કે હવે તો ગામડાંમાં મુખી જેવું કંઇ રહ્યુ નથી, પણ એક જમાનામાં વિરમજીના બાપા આ ગામના મુખી હતા ને ગામના ટંટા ફિસાદના સૌને ગમે એવા વ્યવહારુ ઉકેલ કાઢી દેતા એટલે એમના ગયા પછી ગામ આખુ વિરમજીભાઇને પણ મુખી કહીને જ બોલાવતું…વિરમજીભાઇ પાસે કદાચ કોઇ કશી ફરિયાદ લઇને આવે તો એ અત્યારના બદલાયેલા જમાનાને ધ્યાને લઇ તે જાતે કશી સલાહ કે નિર્ણય કરતા નહિ પણ જે ખાતાને લગતી બાબત હોય તેની તાલુકાની ઓફિસે જ એમને ચાલ્યા જવાની સલાહ આપતા.
આ વિરમજીનો દીકરો લવજી ગામમાં ગમે તેવાં તોફાન મસ્તી કરે તો ય ગામનું લોક એને મુખીનો દીકરો ગણીને કશી માથાકૂટ કરતું નહિ. એક દિવસ વિરમજી તાલુકા મથકે માર્કેટમાં એમનો માલ વેચીને એમની જીપમાં પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં એમની જીપના ટાયરમાં પંચર પડ્યુ, તો ડ્રાઇવર જીપને એક સાઇડે કરીને વ્હીલ બદલવા લાગ્યો. વિરમભાઇ રોડને અડીને આવેલા એક ખેતરમાં નજીકમાં આંબાનું વિશાળ ઝાડ દેખાયું ત્યાં છાંયડે જઇને ઘડીક ઉભા રહ્યા…ત્યાં તો અચાનક એમની નજર દૂર બાજરીના ખેતરમાંથી દોડતા આવતા એક આખલા પર પડી અને એની પાછળ એક છોકરી પણ મોટી લાકડી લઇને દોડતી આવતી દેખાઇ…
— વિરમજી તો આખલાને આંબા તરફ આવતો જોઇ એના થડની આડશમાં છૂપી ગયા, આખલો ત્યાં થઇ રોડ પર જતો રહ્યો એટલે વિરમજી બહાર આવ્યા તો આખલા પાછળ દોડી આવેલી પેલી છોકરીને જોઇ…છોકરી પરસેવે રેબઝેબ થઇ ગયેલી હતી..ને બોલતી હતી,
” આજે તો દાદા એને બરાબરનો કૂટવાનો હતો, સાલો રોજ બાજરીમાં પેંધો પડી ગ્યો છે….!!!! .”
છોકરીનો ગુસ્સાથી લાલઘૂમ થયેલો ચહેરો અને અંગારા જેવા શબ્દો, હાથમાં મોટી લાકડી જોઇ જાણે કોઇ જોગમાયાને જોતા હોય એમ વિરમજી તો સ્તબ્ધ થઇ ગયા…અને બોલ્યા,
” અરે દીકરા પણ તું એકલી આમ આવા તોફાની આખલા પાછળ દોડી તો ખરી પણ તને ખબર છે ?? કો’ક્વાર આખલો પાછો ફરીને તારી હામે આવ્યો હોત તો ??? ”
” અરે દાદા એ પાછો વળે જ શેનો ?? એ જો પાછો વળ્યો હોત ને તો આ લખુડી એનુ ભોડું જ ફોડી નાખત હા…તમે હજી મને ઓળખતા નથી હોં ..”
— વિરમજી તો એ છોકરીની હિંમત, સાહસ અને શબ્દો બધુ જોતા જ રહ્યા…થોડીવારે એ છોકરી તો એના ખેતરમાં જતી રહી ને જીપનું વ્હીલ બદલાઇ જતાં ડ્રાઇવરે મુખીબાપાને બોલાવી લીધા. આખા રસ્તે વિરમજી કશું ક વિચારતા રહ્યા. રસ્તામાં ડ્રાઇવરને એ ખેતર કોનું છે અને એ છોકરીના બાપનું નામ શું છે એ જાણી લાવવાની સૂચના આપી.
અઠવાડિયા પછી ગામમાં નવી વાત વહેતી થઇ ,
— ” અલ્યા તમે કાંઇ જાણ્યું ?? મુખીએ લવજી માટે ભલે આટલાં માગાં પાછાં ઠેલ્યાં પણ આજે રાંમપર જઇ ત્યાંના એક પટેલની દીકરીનો હાથ હાંમે ચાલીને માગી આવ્યા…!!!”
— ” અલ્યા પણ એ ગાંમ તો ઇમના ગોળનું નથી તો ય ??”
— જા ને ભઇ ઇમનો ગોળ ના હોય તેથી શું થાય ?? એ ય છે તો પટેલ જ ને ?”
આખલા પાછળ લાકડી લઇને દોડેલી લખુડી અર્થાત લક્ષ્મી ની જિગર અને સાહસ જોઇને એમને લવજી માટે જોઇતી વહુ મળી ગઇ હતી, એટલે પોતાના ગોળની પરવા કર્યા વગર એ સામે ચાલીને એનું માગુ કરી આવ્યા, અને પછી તો લખુડી અર્થાત લક્ષ્મીએ લવજીની ગાડીને એવી તો પાટે ચડાવી દીધી કે આખા ગામમાં વિરમજી અને લક્ષ્મીની સદાને માટે વાહ વાહ થઇ રહી…