અમદાવાદ : સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં કેટલાક ભાગોમાં ફરીએકવાર વરસાદી માહોલ જામતા ખુશીનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે ખેડુતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. બીજીબાજુ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ તરફથી અમદાવાદ માટે પણ હળવા ઝાપટાની આગાહી કરવામાં આવી છે. લાબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યા બાદ આજે વરસાદી માહોલ રહ્યો હતો. મહેસાણાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ પડ્યો છે.
બીજી બાજુ સૌરાષ્ટ્રના જે વિસ્તારમાં વરસાદ થયો છે તેમાં જામનગર અને આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. અમરેલી, જુનાગઢમાં પણ વરસાદ થયો છે. મધ્યગુજરાતમાં પંચમહાલ ખાતે વરસાદી ઝાપટા પડ્યા છે. ધાર્મિક વિસ્તાર ગણાતા ખેડબ્રહ્મામાં પણ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. બીજીબાજુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.
જેમાં રાજકોટ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્ધારકા, ભાવનગરનો સમાવેશ થાય છે. વરસાદની ઉત્સુક્તા પુર્વક રાહ જાવાઈ રહી છે ત્યારે લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડુતોમાં ખુશી જાવા મળી રહી છે. હજુ સુધીના આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં ૪૪ ટકા સુધી જ ઓછો વરસાદ નોંધાયો છે. ૧૮મી જુલાઈ સુધીના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો રાજ્યમાં ઓછા વરસાદનો આંકડો અથવા તો રેઇન ડેફિસિટનો આંકડો ૪૪ ટકા રહ્યો છે. ૧૮મી જુલાઈ સુધીમાં સામાન્યરીતે ગુજરાતમાં ૨૬૧.૨ મીમી સુધીનો વરસાદ થઇ જાય છે પરંતુ હજુ સુધી માત્ર ૧૪૫.૭ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે માઠી અસર થઇ છે. અહીં ઓછો વરસાદનો આંકડો ૬૩ ટકા સુધીનો રહ્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ પડી શકે છે.