લંડન : ઓક્ટોબર મહિનાના અંત સુધી સમગ્ર વિશ્વની વસ્તી ૭ અબજ સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. નિષ્ણાંતોએ આ મુજબનો દાવો કરતા કહ્યું છે કે પરિવાર નિયોજન સાથે સંબંધિત ઘણા કાર્યક્રમો વિશ્વભરમાં હાથ ધરવામાં આવ્યા હોવા છતાં દુનિયાના ઘણા દેશોમાં વસ્તી વધારો સતત થઈ રહ્યો છે. નિષ્ણાંતોએ આગાહી કરી છે કે વસ્તી વધારો ચિંતાજનક છે પરંતુ આને દામવા માટે પ્રયાસો પણ થઈ રહ્યા છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરેક સેકન્ડમાં પાંચ નવજાત બાળકોનો જન્મ થાય છે. દર વર્ષે વૈશ્વિક સ્તરે ૭૮ મિલિયન લોકો નવા ઉમેરાઈ જાય છે.
એક દશક અગાઉ વિશ્વની વસ્તી ૬ અબજની આસપાસની હતી પરંતુ દરેક સેકન્ડે હવે ૫ બાળકોનો જન્મ થઈ રહ્યો છે તે જોતાં ૭૮ મિલિયન લોકો વિશ્વમાં ઉમેરાઈ જશે. બ્રિટનના અખબાર ડેલી મેઇલે કહ્યું છે કે ઓક્ટોબરના અંત સુધી વિશ્વની વસ્તીમાં વધારો થશે. ૧૯૬૦માં વસ્તી ૩ અબજ હતી જ્યારે ૧૯૯૯માં વધીને ૬ અબજ હતી. સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ વર્ષ ૨૦૨૫ સુધી આ આંકડો ૮ અબજ સુધી પહોંચી જશે.
નોંધપાત્ર વધારો થવા માટે જાગૃતિનો અભાવ અને શિક્ષણની અછત પણ છે. હાલમાં વિશ્વના દેશોમાં વધતી વસ્તીને લઈને રહેવાની કોઈ સમસ્યા ઊભી થઈ નથી. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દરરોજ આશરે ૧ અબજ લોકો ભૂખ્યા રહે છે. વિશ્વની વસ્તી સદીના મધ્યમાં ૯ અબજની આસપાસ રહેશે અને ૨૦૫૦ સુધી તેમાં ખૂબ વધારો થશે. વિશ્વમાં હાલ ૧.૮ અબજ લોકો યુવાન છે. જેની વય ૧૦થી ૨૪ વર્ષની આંકવામાં આવી છે. જાણકાર લોકોનું કહેવું છે કે વસ્તીને સ્થિર રાખવા માટે સરેરાશ દંપતિ ૨.૧ બાળક રાખે તે જરૂરી છે. વિશ્વની વસ્તીને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરનારાઓની સંખ્યા પણ સતત વધી રહી છે પરંતુ વસ્તીની સમસ્યા હજુ પણ ખૂબ ગંભીર બની છે. આવનાર સમયમાં આ સમસ્યા બીજી ઘણી તકલીફ ઊભી કરશે. ઓક્ટોબરના અંત સુધી ૭ અબજ સુધી વિશ્વની વસ્તી પહોંચી ગયા બાદ નિષ્ણાંતોમાં ગણતરીનો દોર શરૂ થઈ ચૂક્યો છે.