– ” હું એનો પડછાયો ય લેવા માગતો નથી..” ચંદુ ખૂબ જ ગુસ્સામાં હતો. બધાએ ઘણું સમજાવ્યો તો ય એ નામક્કર જ હતો. ચંપા સાથે લગ્ન થયે બે વર્ષ થઇ ગયાં હતાં, પણ હજી ચંદુ છોકરમત છોડતો નથી એવું એના પડોશીઓને લાગતું.
– ” અલ્યા ભઇ એમ તે કંઇ બૈરાને મારઝૂડ થતી હશે ?? — ” એ ય માણસ છે તે ભૂલ તો થાય , પણ એમાં કંઇ મારઝૂડ ને ગાળા ગાળી ન કરાય..” — ” ના ના તે ચંદુ તારો કાંઇ વાંક જ નહિ આવતો હોય ??” સૌ કોઇ આવા પ્રશ્ન પ્રતિ પ્રશ્નો કરતા. અને ચંદુ તેમ જ ચંપાને સંપીને રહેવા સમજાવતાં. — ” અરે પણ એ મારું કહ્યું કેમ માને નહિ ??” ચંદુનો આ એક જ મોટો પ્રશ્ન હતો. વળી ગઇ કાલે ચંદુએ ના પાડી તો ય એ પડોશીની છોકરી સાથે પિક્ચર જોવા જતી રહી હતી. એટલે ચંદુ વધારે ખિજાયો હતો. અને હવે તો એ છેલ્લે પાટલે જ બેસી ગયો હતો. એ કોઇપણ રીતે ચંપાને ઘરમાંથી કાઢી મૂકવા જ માગતો હતો. આ બધુ જોઇ ચંપાએ ફોન કરીને ગામડે રહેતાં એનાં સાસુ અને સસરાને બોલાવી લીધાં તો ચંદુએ તો એનાં મા બાપને પણ ચંપા વિશે ચોખ્ખુ જ સંભળાવી દીધુ, — ” આ બૈરી રખડતી થઇ ગઇ છે હું એને કોઇ કાળે ય રાખીશ નહિ.”
ચંદુનાં મા બાપે બધી વાત માંડીને સાંભળી. ચંપાએ એના પક્ષની ફરિયાદ કરી, ” જૂઓ બા એ એમ કહે છે કે હું એમનું કહ્યું માનતી નથી, પણ તમે એમને ય પૂછો કે એ મારું કહ્યું ય ક્યાં કશું કરે છે ?? રોજ રાત્રે મોડા આવે છે, પાછા પીધા વગર તો આવતા જ નથી, ને આવીને મને બહુ ખરાબ ખરાબ ગાળો બોલે છે, મારા મા બાપને કંઇનું કંઇ બોલે છે; હું એમને કેટલા રોકું છું, સમજાવું છું કે તમે આ ખોટી લત છોડી દો નકામા ભાઇ બંધોને મેલો પડતા પણ એ તો માનતા જ નથી.. એટલે પછી મારે ય કશું ક તો કરવું પડે ને ?? ” આટલું બોલતાં બોલતાં ચંપાની આંખો સહેજ ભીની થઇ આવી.
– ” અરે પણ તો ય ચંપા કોઇ પારકી છોકરી સાથે રાત્રે પિક્ચર જોવા થોડુ જતુ રહેવાય ?? ” ચંપાનાં સાસુએ તેનો વાંક કાઢતાં કહ્યુ
– ” અરે બા શું તમે ય તે બધુ સાચુ માની લો છો ? હું તે કાંઇ મૂરખ થોડી છું તે એવું કરું ?? એ તો મેં એમને પાઠ ભણાવવા ખાલી નાટક કર્યુ હતુ. એવું હોય તો અમારી પડોશીની છોકરીને બોલાવીને પૂછી જૂઓ..અમે રાત્રે ક્યાંય ગયાં જ નથી, હું તો મોડે સુધી એના ઘરમાં જ હતી.”
ત્યાં જ એ છોકરી આવતાં તેણે સાચી વાતની ટાપશી પૂરતાં ચંદુનાં મા બાપે હકીકતની ખાતરી થતાં ચંદુને તતડાવી નાખ્યો .. — ” સાલા વહુને ગમે એમ બોલે છે ?? ને પાછો પોતે તો દારૂડિયો થઇ ગયો છે એ જૂદુ… ખબરદાર જો હવે આવી કોઇ દિ’ બબાલ કરી છે તો …તારી ખેર નથી હા..અને ચંપા, તું ય એક વાત લખી લે કે જો હવે પછી આ ચંદુડો કાંઇપણ ધમાલ કરે તો તારે અમને ફોન કરીને બોલાઇ લેવા એ તો હું દોડતો આવી જઇશ હા..”
ચંપા ખરેખર તો કોઇ ફિલ્મ જોવા ગઇ જ નહોતી પણ એણે ચંદુને પાઠ ભણાવવા આવો ડ્રામા કરેલો એ જાણ્યા પછી ચંદુને પણ ભારે પસ્તાવો થયો .પાછી એની બધી પોલ પણ એનાં મા બાપ આગળ ઉઘાડી પડી ગઇ એટલે એ તો કાપો તો લોહી પણ ના નીકળે એવો બની ગયો..એને પોતાને સમજાયું કે ચંપા તો એનું કહ્યું કરવા તૈયાર હતી.પણ એ જ એનું કહ્યું કશું કરતો ન હતો એ સત્ય એને સમજાઇ જતાં એ દિવસ પછી તો એ ચંપાની સાથે એના પડછાયાની જેમ રહેવા લાગ્યો..
- અનંત પટેલ