રેણુંકા….
હસતી રમતી ગાતી છોકરી…
એનો ચહેરો જ હસમુખો. એ હસતી ન હોય તો પણ સૌને હસતી જ લાગે. તેણે યુવાનીના ઉંબરે પગ મૂક્યો. કોલેજમાં પ્રવેશ મેળવ્યો તે પહેલા જ દિવસે તેના મનમાં કેટલો બધો ભય હતો ?? કોલેજમાં પગ મૂકતાંની સાથે જ તેને કંઇક નવો જ અનુભવ થયો. અજાણ્યા છોકરા છોકરીઓ અને પ્રોફેસરો પાસે જવાનું હતુ. એટલે શું થશે ? કોણ કેવું હશે ? તેની જૂદી જૂદી કલ્પનાઓ તેના મનમાં થતી રહી. છતાં ય પહેલો દિવસ તેના માટે રોમાંચકારી રહ્યો. એ નાના ગામમાં રહેતી, કોલેજમાં પ્રવેશ લેવાને લીધે એને બાજુના શહેરમાં જવાનું થયું. તેના જીવનમાં તેને નવી ક્ષિતિજો દેખાવા લાગી.
કોલેજમાં બે ત્રણ માસ પસાર થયા પછી એણે તારણ કાઢ્યુ, મોટા ભાગના છોકરા છોકરીઓ જાણે કે ટાઇમ પાસ કરવા માટે આવતા હતા. છોકરીઓનું શરમાળપણું ઘટતું જતું હતુ. કેટલાક સિન્સિયર છોકરા ભણવામાં ખરેખર રસ લેતા હતા. કોલેજમાં રિસેષ હોય કે ના હોય પણ તેની કેન્ટીન તેમ જ કોલેજની બહાર આવેલ ચા નાસ્તાના કેન્દ્રો પર ભીડ જામેલી જ રહેતી હતી. રીટા-મીના-સ્વીટી-કીટી વગેરે તેની ફ્રેન્ડ્સ હતી અને તે દરેક્ને એક એક બોય ફ્રેન્ડ હતો….
– ” તું ય એકાદ શોધી કાઢને ??”
– કમ ઓન રેણું, એંજોય ધી લાઇફ ”
– તારું ગામડા કલ્ચર છોડ હવે…!!! ”
આવા બધા ઉદગારો તેને તેની ફ્રેન્ડ્સ તરફથી સાંભળવા મલતા. પાછું વળી કોઇ કહેતું,
– ” અરે યાર રેણુ, પ્યાર તો હોના હી હૈ ન ??”
રેણુંકા એમને સમજાવતી કે તેને કોલેજમાં ભણવા સિવાય બીજી પ્રવૃત્તિમાં કોઇ રસ નથી. જીંદગીને માણવાની તેની વ્યાખ્યા જૂદી જ છે. તે પોતે આનંદ અને એશ આરામ દ્વારા જીંદગીને માણવામાં નથી માનતી. બીજાને સુખ આપીને તે આનંદ મેળવવા માગે છે. માતા પિતાએ જે પવિત્ર આશયથી તેને કોલેજમાં દાખલ કરી છે તે તેણે પૂરો કરવો જ જોઇએ. જો આમ છોકરાઓ કે છોકરીઓ સાથે રખડવામાં કીમતી સમય વેડફાઇ જાય તો પછી એ વીતેલો સમય ફરી પાછો આવવાનો નથી. અને અંતમાં પસ્તાવાનો જ વારો આવે છે. પરંતુ રેણુંકાની આવી સમજાવટ તેની ફ્રેન્ડસને બહુ ગમતી નહિ. એટલે દિવસે દિવસે કોલેજમાં રેણુંકા એકલી પડતી ગઇ. શરૂ શરૂમાં કેટલાક છોકરાઓએ તેની સાથે દોસ્તી કરવા પ્રયત્ન કરેલા પરંતુ તેમાં કોઇ ફાવી શકેલા નહિ.
આમ કરતાં એફ.વાય. પૂરુ થયું. રેણુંકાએ ખૂબ મહેનત કરી. પરિણામમાં તેનો પ્રથમ વર્ગ આવ્યો. મમ્મી પપ્પા ખુશ થયાં. તેની બધીય ફ્રેન્ડ્સને એટીકેટી મળી..!!!
હવે જાણે કોઇ ચમત્કાર થયો હોય એમ બીજા વર્ષના આરંભમાં રેણુંકા જાણે કે સંપૂર્ણ બદલાયેલી જોવા મળી … ગયા વર્ષ કરતાં વધારે સારાં અને ફેશનેબલ કપડાં પહેરીને તે આવવા લાગી. તેના રોમ રોમમાં કોઇ અનેરો આનંદ છવાયેલો હતો. એની બધી ફ્રેન્ડ્સ તેમ જ ગયા વર્ષે એનામાં રસ લેવાનો પ્રયત્ન કરી ચૂકેલા છોકરાઓને આ ફેરફારનું કારણ જાણવાની જિજ્ઞાસા થઇ. શું કારણ હતું એનું ? એક દિવસ તેણે તેની છ સાત ફ્રેન્ડ્ઝ ને કેન્ટીનમાં સરસ પાર્ટી આપી અને કહ્યું,
” તમે બધી કહેતી હતીને કે પ્યાર તો હોના હી હૈ, તો એ મુજબ મને પણ કોઇથી પ્યાર થઇ ગયો છે, પણ એ કોણ છે એ તમને ખબર છે ? ગયા વેકેશનમાં જ મારું એન્ગેજમેન્ટ થઇ ગયું છે અને મેં મારા પતિને જ પ્રેમ કરવાનું નક્કી કર્યું છે, આમ તમારી ધારણા સાચી જ છે કે પ્યાર તો હોના હી થા, પરંતુ મેં એમાં મારી રીતે સુધારો કર્યો છે કે પ્યાર તો હોના હી થા મગર સિર્ફ અપને પતિસે…!!!.
- અનંત પટેલ