અમદાવાદ : પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત ગુજરાતભરના આશરે ૨૮ હજારથી વધુ ડોક્ટરો દ્વારા હડતાળમાં જાડાયા હતા. રાજયભરના ડોકટરોની હડતાળ અને ઓપીડી સહિતની સેવાઓ ખોરવાતાં હજારો દર્દીઓ અને તેમના પરિજનો, સગાવ્હાલા ભારે હાલાકીનો ભોગ બન્યા હતા.
દર્દીઓની હાલાકી અને મુશ્કેલી વચ્ચે ડોકટરોએ તેમની હડતાળને લઇ પોતાના વિરોધ પ્રદર્શન અને દેખાવો ચાલુ રાખ્યા હતા અને એક તબક્કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની વિરૂધ્ધમાં જારદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ડોકટરોને સુરક્ષા અને રક્ષણ આપવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર હુમલાના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. હડતાળના પગલે અમદાવાદની નવી વીએસ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી પડી હતી. હોસ્પિટલમાં બતાવવામાં આવતા દર્દીઓને આજે ડોક્ટરોની હડતાળ હોવાનું જણાવી પાછા મોકલી દેવાયા હતા. દર્દીઓ અને તેમના પરિવારજનોને સારવાર વિના જ પાછા ફરવુ પડયુ હતું. દર્દીઓ ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. બીજી તરફ જૂની વીએસ હોસ્પિટલમાં તમામ ઓપીડીઓ ચાલુ રહી હતી.
જૂની વીએસમાં મોટાભાગના ડોક્ટરો આવ્યા હતા અને ઓપીડી પણ શરૂ કરવામા આવી હતી. વીએસ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. બી.એસ.પટેલે જણાવ્યું હતું કે, જૂની વીએસમાં મેડિકલ, સર્જિકલ, ઓર્થોપેડિક, ગાયનેક, બાળકોની તમામ ઓપીડીઓ ચાલુ રખાઇ હતી. પ્રોફેસર, આસિ. પ્રોફેસર ડોક્ટર્સ આવ્યા છે, રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. ઇમરજન્સી તમામ સેવાઓ ચાલુ છે. તો, એશિયાની સૌથી મોટી એવી શહેરની સિવિલ હોસ્પિટલના મોટી સંખ્યામાં ડોક્ટરોએ માથે સફેદ પાટો બાંધી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે પણ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ શહેરમાં આશરે ૯ હજારથી વધુ ડોકટરો હડતાળમાં જાડાયા હતા. અમદાવાદની જેમ વડોદરા શહેરમાં ત્રણ હજારથી વધુ ડોક્ટર હડતાળ પર ઉતર્યા હતા. જેના કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
તમામ ડોક્ટર્સ કમાટીબાગ એકત્ર થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા. તો, સુરતમાં પણ ડોક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં ચાર હજાર તબીબો જોડાયા હતા. જેની સીધી અસર ઓપીડીમાં સારવાર લઇ રહેલા દર્દીઓને થઇ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી બહાર લાઈનો લાગી હતી. તમામ સારવારની જવાબદારી એપી એસોસિએટ, મેડિકલ કોલેજના પ્રોફેસર અને એચઓડીની હોવા છતાં પણ ઓપીડીમાં એકપણ ડોક્ટર હાજર નહોતા. રાજકોટના ૧૬૫૦ ડોક્ટર સહિત સૌરાષ્ટ્રના છ હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. રાજકોટ સિવિલમાં જૂનિયર ડોક્ટરોએ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટ સિવિલમાં ઓપીડી શરૂ કરવામાં આવી હતી પરંતુ ડોક્ટરોએ બંધ કરાવી દીધી હતી.જેના કારણે દર્દીઓ હેરાન થયા હતા. આજની હડતાળ દરમ્યાન ઇમરજન્સી કેસના દર્દીઓને કોઇ હાલાકી ન પડે એ માટે ઇમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ ડોકટરોની હડતાળને લઇ દર્દીઓ અને તેમના પરિજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.