અત્યાર સુધી….
સ્વીકૃતિ બહારથી ઘેર આવે છે અને કોઈ અજાણ્યા નંબર પરથી તેને ફોન આવવાના શરૂ થઈ જાય છે. પહેલી વારમાં ફોન કપાઈ જાય છે અને તેને પોતાના ફોનની લોકસ્ક્રીન પર અંજામના ત્રણ અનરિડ મેસેજ દેખાય છે. એટલી વારમાં ફરીથી ફોન ઉપાડતાની સાથે જ તેના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. બીજી તરફ, અંજામના ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકતાની સાથે જ લાઈક અને કમેન્ટની વણઝાર લાગે છે. બરાબર એ જ સમયે તેના મેસેજ બોક્સમાં નૂર નામની કોઈ છોકરીનો મેસેજ આવે છે અને ધીમે ધીમે વાતચીતમાં બંને વચ્ચે નાની ચકમક ઝરે છે. હવે આગળ…..
પ્રકરણ 3
“આભાર. આશા છે કે ક્યારેક આ કરિયાતુ પીવડાવનારને પણ મળી શકું.”, સ્વીકૃતિએ પોતાના પ્રિય કોલમિસ્ટને મળવાની ઉત્કંઠા બતાવી દીધી. હવે પ્રતિક્ષા હતી તો અંજામના જવાબની. બીજી તરફ સ્વીકૃતિની જવાબ આપવાની રીતથી અંજામ પણ પહેલી વાર કોઈ વાચકને રૂબરૂ મળવા વિચારી રહ્યો હતો.
“હેલ્લો… કઈ દુનિયામાં છો, સર…??? મારે તમને મળવું છે.” સ્વીકૃતિએ ફરી પોતાની ઈચ્છા જાહેર કરી. તેની આંગળીઓ અંજામના પ્રતિભાવના ઈંતેજારમાં કી-બોર્ડ પર રમી રહી હતી.
“સોરી મિસ નૂર… આઈ કાન્ટ મીટ યુ. હું તમારી આ આશાને નિરાશામાં ફેરવી રહ્યો છું”, અંજામે વળતો જવાબ આપ્યો.
“પણ કારણ તો કહો…”
“બસ, મને એકલા રહેવું પસંદ છે. એકલતા એ મારી જિંદગીનો અગત્યનો હિસ્સો છે.”
“પૂછવાનો હક તો નથી મને પણ એક મિત્ર તરીકે ફરી કારણ પૂછી રહી છું.”
“વાહ, એક અજાણ્યા વાચકમાંથી સીધા મિત્ર… જેમને મળ્યા નથી, જોયા નથી, એમની સાથે આટલી જલ્દી સંબંધ બદલી નાખ્યો.”
“હા, કારણ કે અમુક વ્યક્તિઓને જાણ્યા પછી સંબંધ બદલવા સમયની રાહ જોવી જરૂરી નથી.”
“મિસ નૂર, તમે મને જાણ્યો નથી, ફક્ત વાંચ્યો જ છે અને એક બીજી સલાહ કે કોઈ પણ માણસ સાથે એટલા ઘનિષ્ઠ સંબંધ ન બનાવો કે જો નજીકના જ સમયમાં છૂટા પડવાનું થાય તો તકલીફ પડે.”, અંજામે જવાબ આપ્યો અને ઉમેર્યુ “અને હા, મારા ન મળવાનું કારણ એ છે કે હું જેની પણ નજીક જવાનો પ્રયત્ન કરું છું એ મારાથી દૂર ચાલ્યું જાય છે તો હું એક સારી વાચક મિત્રને ગુમાવવા નહિ માંગુ.”, આટલું કહીને અંજામે વાતને વિરામ આપ્યો.
પણ સ્વીકૃતિ આ વાતને અહી વિરામ આપવા માંગતી ન હતી. તેણે પોતાનું ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ચાલુ કર્યુ અને અંજામની બધી જ પોસ્ટ જોવા માંડી. એવું લાગતું હતુ કે જાણે તે કોઈ અંજામની કોઈ ચોક્કસ બાબતની તપાસ કરી રહી હતી અને એ જ થયું. તેણે એક વાત નોટિસ કરી કે અંજામ દર શુક્રવારે ગોલ્ડન ટ્રાયેંગલ પાસેના કોફીશોપમાં બેસવા જતો અને હોટ કોફી વિથ આઈસક્રીમ લેતો. આ વાત જાણતાની સાથે જ સ્વીકૃતિના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ. એના સ્મિત પરથી લાગતું હતું કે હવે તે અંજામને મળવા કોઈ નવી તરકીબ અજમાવવા જઈ રહી હતી. તેણે થોડુંક વિચારીને જસ્ટ ડાયલ પર કોલ કર્યો અને ત્યાંથી અંજામ જે કોફીશોપ પર જતો હતો ત્યાં ફોન કરીને ટૂંકી વાતચીત કરી.
(ક્રમશ:)