અમદાવાદ : ગુજરાતમાં વિનાશકારી વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. અરબ સાગરથી ઉઠેલા ચક્રવાતી વાવાઝોડુ વાયુ પ્રચંડ તાકાત સાથે પશ્ચિમી દરિયા કાઠા તરફ વધી રહ્યુ છે. તેની ગતિ ખુબ વધારે છે. તે આવતીકાલે ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર રીતે ત્રાટકનાર છે. વાયુ વાવાઝોડાની ગતિ હાલમાં ૧૪૦થી ૧૫૦ની વચ્ચે છે. તે સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૧ જિલ્લાના ૪૦૮થી વધારે ગામના લોકોને અસર થનાર છે. આશરે ૬૦ લાખની વસ્તીને આની અસર થઇ શકે છે. સેના અને એનડીઆરએફની ટીમો એલર્ટ રાખવામાં આવી છે. લાખો લોકોને વાવાઝોડુ અસર કરે તે પહેલા જ ખસેડી લેવામાં આવ્યા હતા. અમદાવાદથી પણ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રહી છે. વાવાઝોડાને ધ્યાનમાં લઇને સાવચેતીના પગલારૂપે નિચાણવાળા અને કાંઠાના વિસ્તારોમાં હજારો લોકોનું સ્થળાંતર થઇ ચુક્યું છે.
આર્મીની ૩૪ ટીમ, એનડીઆરએફની ૩૫ ટીમ અને એસડીઆરએફની ૧૧ ટીમ ગોઠવાઈ છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાની હવામાન ખાતાની આગાહી સંદર્ભે રાજ્યના વહીવટીતંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાના સામના માટે પુરતી સજ્જતા કેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. આ પ્રયાસોના ભાગરુપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિસ્થિતિ સામે વહીવટીતંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકને સંબોધતા મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના સબળ માર્ગદર્શન હેઠળ સંભવિત વાવાઝોડા સામે ઝીરો ટોલરન્સ, ઝીરો કોજ્યુઆલીટીના મક્કમ નિર્ધાર સાથે રાજ્યના વહીવટીતંત્રે સજ્જતા કેળવવા નિર્ધાર કર્યો છે.
મુખ્ય સચિવે સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને વીડિયો કોન્ફરસિંગ દ્વારા સંબોધી કાંઠાળા વિસ્તારોમાંથી નાગરિકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતરથી માંડીને લોકોના જાન-માલના રક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, વિજળી, રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધી વાવાઝોડા સામેની લોકજાગૃત્તિ જેવા વિવિધ મુદ્દે માર્ગદર્શન-સૂચનો આપ્યા છે. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવે આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે પણ માહિતી મેળવી છે. જેમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા હાલ નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫ ટીમ ઉપલબ્ધ છે અને વધારાની ૨૦ ટીમ પૂણે અને ભટીંડાથી રવાના કરાઈ છે. આમ એનડીઆરએફની સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં ૩૫ ટીમ ખડેપગે છે. સાથે સાથે લશ્કરની ૩૪ ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરવામાં આવી છે.
આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કાંઠા વિસ્તારમાં મરીન સિક્યોરિટી ફોર્સના જવાનો ઉપરાંત એસડીઆરએફની ૧૧ ટુકડી રવાના કરવામાં આવી હોવાની માહિતી આપી છે. સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવાના ભાગરુપે વૃક્ષો ધરાશાયી થાય કે વિજ થાંભલા પડવાથી રસ્તા બંધ થાય તેવા કિસ્સામાં માર્ગ મકાન વિભાગ, વન વિભાગ અનએ વીજ કંપની એમ ત્રણેય વિભાગના કર્મચારીઓની એકથી વધુ ટીમો પ્રત્યેક અસરગ્રસ્ત જિલ્લામાં કાર્યરત રહી રસ્તાની સુવિધા, વિજળીની સુવિધા સતત ઉપલબ્ધ રહે તે માટે કાર્યરત કરાઇ રહી છે. વાવાઝોડા સંદર્ભે અગમચેતીના પગલાં સ્વરૂપે સૌરાષ્ટ્ર–કચ્છના કાંઠાળા અગિયાર જિલ્લાઓ કે જ્યાં વાવાઝોડાની અસરની સંભાવના છે ત્યાં તા.૧૨ અને ૧૩ બે દિવસે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. ૧૩મી જૂનની વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને ધ્યાને લઇ સવારથી જ કાંઠા વિસ્તારના ગામોમાંથી નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
લોકોને શેલ્ટર હોમમાં ભોજન-પીવાનું પાણી- સેનીટેશન, વીજળી, આરોગ્ય સુવિધા જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તેની કાળજી લેવા જિલ્લા વહિવટી તંત્રને મુખ્ય સચિવશ્રીએ સુચના આપી હતી. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે રાજ્યભરમાંથી ૧૦૦ જેટલાં ડિવોટરીંગ પમ્પ્સને પણ સૌરાષ્ટ્ર-કચ્છ ભણી રવાના કરવા સુચના આપવામાં આવી છે. એટલું જ નહીં સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ સૂકા નાસ્તાના પાંચ લાખ ફૂડ પેકેટ્સ પીવાના પાણીના પાઉચ સાથે તૈયાર કરવા પણ રાજ્યના પુરવઠા વિભાગને સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા પણ આ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રખાઇ રહી છે. હવામાન ખાતાની આ આગાહીના પગલે રાજ્ય સરકારે માછીમારોને દરિયો નહીં ખેડવા ઉપરાંત પ્રવાસીઓને દરિયાકાંઠે કે બીચ ઉપર ફરવા નહીં જવા સૂચના અપાઇ છે. દરિયાકાંઠાના લોકોને વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું નહીં કરવાની ખાસ સૂચના દ્વારા સાવચેત કરાયા છે.
પ્રચંડ વાવાઝોડાની સંભાવિત પરિસ્થિતિ દરમિયાન સંદેશા વ્યવહાર પ્રણાલી સતત કાર્યરત રહે તે માટે ભારત સંચાર નિગમ લી. ઉપરાંત રાજ્યભરના મોબાઇલ ઓપરેટર્સને મોબાઇલ ટાવર ૨૪ટ૭ સતત કાર્યરત રહે તે માટે કાળજી લેવા જણાવી દેવાયું છે.