ડાંગ દરબારના પ્રેક્ષકોને ધેલુ લગાડતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ડાંગ: ડાંગ દરબારના ભાતિગળ લોકમેળામાં તા.રપ થી ર૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન મેળો મ્હાલવા આવતા ગ્રામજનોને વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લ્હાવો મળી રહે તે માટે, ડાંગ કલેક્ટર બી.કે.કુમારે વિશેષ આયોજન કરી, પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન મળે તેવા સાનુકૂળ પ્રયાસો હાથ ધર્યા છે.

ડાંગ દરબારના મુખ્ય સ્ટેજ એવા રંગ ઉપવન ખાતે દરરોજ સાંજે ૮ થી ૧ર દરમિયાન યોજાઇ રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આ વેળા મધ્યપ્રદેશ, છત્તિસગઢ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, આસામ રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત લોકડાયરા ઉપરાંત, ડાંગ જિલ્લાની સાંસ્કૃતિક ઝલક દર્શાવતા કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવી રહ્યાં છે.

KP.com Daang Darbar02

ડાંગ દરબારમાં સ્થાનિક ડાંગી નૃત્ય, ભવાડા નૃત્ય, ઠાકરે નૃત્ય, રામાયણ નૃત્ય નાટિકા, વારલી નૃત્ય, થાળી વાદન, તમાશા નૃત્ય, રાજસ્થાની નૃત્ય, પાવરી નૃત્ય, ડુંગરદેવ સહિત રાસ-ગરબાની રમઝટ દરબારના પ્રેક્ષકોને માણવા મળી રહે તેવુ આયોજન ગોઠવવામાં આવ્યું છે. દરબારના મુલાકાતીઓ રસતરબોળ થઇને આ કાર્યક્રમોને મનભરીને માણી રહ્યાં છે.

ડાંગ પોલીસ ફૉર્સ દ્વારા હથિયાર પ્રદર્શન રજુ કરાયુ છે. પોલીસ ફૉર્સ દ્વારા પ્રજાકિય જાનમાલની સુરક્ષા અને સલામતી માટે ઉપયોગમાં લેવાતા એકે-૪૭, લાઇટ મશીનગન, સેલ્ફ લોડીંગ રાઇફલ, ૯ એમ.એમ.કાર્બાઇન, ગ્લોક પીસ્ટોલ સહિતના હથિયારોની જાણકારી પુરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લાની શાળાઓમાં ચાલતા એસ.પી.સી. અંગેના કાર્યક્રમની જાણકારી પણ અહીં આપવામાં આવી રહી છે.

Share This Article