અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે તા.૨૩ એપ્રિલે મતદાન યોજાઈ ગયા બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે પરંતુ ત્યાં સુધી તેની સલામતી અને સુરક્ષા ચૂંટણી પંચ, વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ માટે બહુ મોટી જવાબદારી છે. જેને પગલે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેકટરને પણ રોજેરોજ ઇવીએમ જયાં રાખવામાં આવ્યા છે તે તમામ સ્ટ્રોંગરૂમનું નીરીક્ષણ અને ચેકીંગ કરવાના આદેશ આપ્યા છે.
પરિણામે, કલેકટર અને વહીવટીતંત્ર પણ ઇવીએમની સુરક્ષાને લઇ એકદમ એલર્ટ અને સજાગ છે. આ ઈવીએમ ૨૩મી મેના રોજ ખુલશે. ઇવીએમને મતદાનમથકથી સ્ટ્રોંગરૂમ સુધી પહોંચાડવાની પ્રક્રિયા જાઇએ તો, લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ ટકાવારી, સંખ્યા સહિતનો સંપૂર્ણ રિપોર્ટ પ્રિસાઈડીંગ ઓફિસર તૈયાર કરે છે અને એક વોર્ડના અલગ અલગ બૂથના ઈવીએમ પ્રિસાઈડીંગ ઓફિસર ભેગા કરી તેની સંપૂર્ણ ચકાસણી કરે છે. ત્યારબાદ જે તે લોકસભાનો રિટર્નીંગઓફિસર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિની હાજરીમાં પંચનામું કરી ત્યાર બાદ ઈવીએમ સીલ કરવામાં આવે છે.
સીલ માર્યા બાદ તેને સ્પેશિયલ પ્રૂફ બેગમાં મુકીને તેને સરકારી બસોમાં સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં સ્ટ્રોંગ રૂમમાં ચૂંટણી અધિકારી દરેક બૂથ અને વોર્ડ મુજબ ફાળવાયેલી ચોક્કસ જગ્યાએ મુકી દે છે. ત્યારબાદ સ્ટ્રોંગરૂમને સીલ કરવામાં આવે છે. આ સીલ પર તારીખ અને સમય લખેલો હોય છે. સ્ટ્રોંગરૂમમાં કલેક્ટર પણ એકલા જઈ શકતા હોતા નથી. સ્ટ્રોંગરૂમની સિક્યુરિટી અંગે વાત કરીએ તો ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવે છે. સ્ટ્રોંગરૂમ જે જગ્યાએ રાખ્યા હોય તેના પરિસરમાં રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગની સાથે રેર્કોડિંગ થતાં સીસીટીવી કેમેરા, સીઆરપીએફ, એસઆરપી અને સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક તૈનાત રાખવામાં આવે છે. સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલા ઈવીએમની સલામતીની વ્યવસ્થાનું નિરીક્ષણ દરરોજ કરવા માટે ચૂંટણીપંચ દ્વારા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને આદેશ કરવામાં આવ્યા છે. જેના પગલે સ્ટ્રોંગરૂમની મુલાકાત દરમિયાન કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ મશીનોની વ્યવસ્થાની માંડીને સલામતી અને સીસીટીવી ચાલે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ઈવીએમ એક મહિના સુધી સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે.