અમદાવાદ : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હાલ સમગ્ર ગુજરાતમાં ગંભીર જળ કટોકટી સર્જાઈ છે. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હાલ લોકો પીવાના પાણી માટે જાણે તરસી રહ્યા છે. ખાસ કરીને રાજયના આંતરિયાળ ગામડાઓમાં પાણીને લઇ ગંભીર જળ કટોકટી સર્જાઇ છે. પાણીને લઇ લોકો ખાસ કરીને મહિલાઓ જે પ્રકારે ગંભીર કફોડી હાલતમાં પસાર થઇ રહી છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પણ હચમચાવી નાંખે તેવા છે. વાઈબ્રન્ટ ગુજરાત હવે તરસ્યું ગુજરાત બની રહ્યું છે. રાજ્યમાં સરદાર સરોવર ડેમ જેવો મહાકાય બંધ હોવા છતાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે.
તેમાં પણ સરદાર સરોવર ડેમથી દૂર આવેલા વિસ્તારોની વાત જવા દો માત્ર ૨૫ કિલોમીટરના અંતરે આવેલા તિલકવાડા તાલુકાના વંઢ ગામના લોકો અને પશુઓ એક જ હવાડામાંથી પાણી પીવા મજબૂર બન્યા છે. તો, કેટલાક ગામો એવા છે જયાં પાણીના એક-એક ટીપા માટે લોકો લાચાર જોવા મળી રહ્યા છે, જે દ્રશ્યો કાળજાને દુઃખ પમાડે તેવા છે, જેને જોઇ ગંભીર સવાલો હવે લોકોમાં ઉઠી રહ્યા છે કે, શું આ જ છે વિકાસશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાત ?
ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમમાં પાણીનો વિપુલ જથ્થો છે અને આ પાણી સૌરાષ્ટ્ર-કચ્છ સુધી ભલે પહોંચી રહ્યું હોય પરંતુ આસપાસના તાલુકાના ગામડાઓની સ્થિતિ દિવા તળે અંધારા જેવી છે. કેટલાક ગામોમાં પાણી નથી પહોંચતું તો કેટલાક ગામોમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી પહોંચી શકે તેમ હોવા છતાં લોકોને પાણી મળતું નથી. સરદાર સરોવર ડેમથી માત્ર ૨૫ કિ.મી દૂર આવેલા અને માત્ર ૫૦૦ની વસતી ધરાવતા વંઢ ગામમાં નર્મદાનું પાણી તો પહોંચે છે પરંતુ તંત્રની બેદરકારીને કારણે આ ગામના આદિવાસી લોકો આજે પણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.
આ ગામમાં ત્રણ જેટલા હેન્ડપમ્પ, બે હોજ અને એક ટાંકી પણ છે. પરંતુ હેન્ડ પમ્પમાં ક્ષારયુક્ત પાણી આવે છે. ગામના લોકોના કહેવા મુજબ, ટાંકી નીચી અને નાની હોવાથી ગામના ઘરો સુધી પાણી પહોંચી શકતું નથી. જેથી ગામની આદિવાસી મહિલાઓ પશુઓના હવાડામાં આવતી પાઈપલાઈનમાંથી પાણી ભરવાની ફરજ પડે છે. આ પાણી મેળવવા માટે મહિલાઓએ લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે અને પાણીને લઈ ઘણીવાર ઝઘડાઓ પણ થાય છે. આઘાતજનક વાત તો એ છે કે, પશુઓના જે હવાડામાં ગાય-ભેંસ સહિતના પશુઓ પાણી પીએ છે, તે જ હવાડામાંથી પશુઓ પાણી પી રહ્યા હોય ત્યારે પણ તેમાંથી પાણી મેળવવા ગામની મહિલાઓ મજબૂર છે.
માત્ર એટલું જ નહીં, પશુઓનો હવાડો હોવાથી આ પાણીમાં ગંદકી, જીવાણુંઓ, જોખમી તત્વો સામેલ હોવાથી ગામમાં કોઇ ગંભીર બિમારી કે રોગચાળો ફેલાવાની દહેશત પણ પ્રવર્તી રહી છે પરંતુ પાણીની મજબૂરી અને લાચારી એટલી બધી છે કે, ગામની મહિલાઓ તે જાખમ વ્હોરીને પણ પશુઓના હવાડામાંથી જ પાણી મેળવવા લાઇનમાં લાગે છે. આ મામલે ગામ લોકોએ વારંવાર સરપંચ અને તલાટીમંત્રીને પણ રજૂઆત કરી હોવાછતાં ગ્રામપંચાયત કોઈપણ પ્રકારનું ધ્યાન આપતી નથી. તો, સ્થાનિક ધારાસભ્યો કે ખુદ સરકારના સત્તાવાળાઓ આ વાત ધ્યાન પર આવવા છતાં હજુ સુધી તાત્કાલિક અને કોઇ અસરકારક વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા છે, જે બહુ ગંભીર, આઘાતજનક અને શરમજનક વાત કહી શકાય.