મિત્રો,ગઈ યુગપત્રીમાં આપણે વાત કરતા હતા કે આજની જનરેશનનો પ્રેમ બહુ થોડા સમયમાં પુરો થઈ જાય છે. થોડા દિવસોમાં જ પ્રેમના પ્રકરણમાં પુર્ણવિરામ મુકાઈ જાય છે અને એની સાથે સાથે ઘણા યુવાનોને એવું લાગે છે કે એમની જિંદગીમાં પણ બધું ખતમ થઈ ગયું છે. એમને જિંદગી જીવવા જેવી લાગતી નથી. આજના યુવાનો પ્રેમમાં પડવામાં જેટલા ઝડપી હોય છે એટલા જ એ પ્રેમની પીડાને ભુલાવવામાં ધીમા હોય છે. આમ તો પ્રેમ વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. પ્રેમ એ આમ તો અઢી અક્ષરનો શબ્દ છે.અને અઢી અક્ષરના બધા શબ્દ સમજવામાં ખુબ ગહન હોય છે.એક સરસ મજાની પંક્તિ છે કે ,
पोथी पढ़ पढ़ जग मुआ भया न पंडित कोई,
ढाई अक्षर प्रेम के पढे सो पँडित होई l
જગતભરના પુસ્તકો વાંચીને જે જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકાતું એટલું જ્ઞાન માત્ર આ અઢી અક્ષરના શબ્દને આત્મસાત કરવાથી પામી શકાય છે. છતાં પણ ખબર નહિ ઘણા લોકોને એમનો પ્રેમ જ્યારે છોડીને જાય છે ત્યારે સાવ ખાલી થઈ જતા હોય છે. એમની બુદ્ધિ જાણે બહેર મારી જતી હોય છે. લાગણીના આવેશમાં કે સમજણના અભાવમાં એ પોતાની જાતને તો નુકસાન પહોંચાડે છે સાથે સાથે ક્યારેક એમના પ્રિય પાત્રને પણ નુકસાન પહોંચાડે છે.
ત્યારે ખરેખર આવા લોકોને કહેવાનું મન થાય કે,
कहा चला ऐ मेरे जोगी,
जीवन से तू भाग के,
किसी एक दिल के कारण, यूँ
सारी दुनिया त्याग के ।
આ ગીતની શરૂઆતની પંક્તિઓ છે અને એમાં પ્રેમીને યોગી કહ્યો છે. એને ઉદ્દેશીને કવિ કહે છે હે જોગી તું આ જીવનથી ભાગીને ક્યાં ચાલ્યો..!? પ્રેમએ યોગ છે અને જે પ્રેમ કરે છે એ યોગી છે. જેવી રીતે એક યોગી ખુબ ધીરજ રાખીને તપ કરે છે એવું જ પ્રેમમાં હોય છે. તમારે એને પામવા માટે ખુબ ધીરજ ધરવી પડે છે,આકરું તપ કરવું પડે છે. અને જેવી રીતે એક યોગી પોતાની સાધનામાં એકાકાર થઈ જાય છે એવી જ રીતે એક પ્રેમી પણ પોતાના પ્રેમમાં ઓગળી જાય છે. જેવી રીતે ભઠ્ઠીમાં તપીને સોનું મજબુત બની જાય છે એવી જ રીતે પ્રેમ પણ માણસને મજબુત બનાવે છે. જે પ્રેમ માણસને માયકાંગલો બનાવે છે એ બીજું ગમે તે હોઈ શકે પણ પ્રેમના હોય !ઢીલા પડવું એ એક સાચા પ્રેમીને શોભા નથી દેતું અને એનાથી પણ વધુ કે જો એ પ્રેમી જીવનથી ભાગે તો એ એનાથી મોટી કરુણતા બીજી એકેય નથી. કારણકે જીવન એ ઈશ્વર તરફથી મળતી મોટામાં મોટી ભેટ છે અને એ ભેટને આમ સાવ બગાડી નાંખવી એવો આપણને કોઈ અધિકાર નથી. ઉલટાનું ઈશ્વરે આપેલી આ જીવનની ભેટને વધુ સુંદર બનાવવાની જવાબદારી આપણી છે. માટે એવું લખાય કે,
छोड़ दे सारी दुनिया
किसी के लिए
ये मुनासिब नहीं आदमी
के लिए
કોઈ એક વ્યક્તિના કારણે આપણે શા માટે આપણી જિંદગીને બગાડવી જોઈએ !? એવી વ્યક્તિ કે જે તમારી લાગણીઓને સમજી નથી શકતી એની પાછળ જિંદગી લૂંટાવવાનો કોઈ અર્થ નથી. એક વ્યક્તિ માટે એ જરા પણ વ્યાજબી નથી પણ કે કોઈના લીધે એ પોતાની દુનિયાને બરબાદ કરે.આપણને છોડીને જવા વાળા જો આપણો જરા સરખો પણ વિચાર નથી કરતા તો આપણે શા માટે એની પાછળ કે એની યાદોમાં ગાંડા થઈને ફરીએ..!? જીવનનો એક સત્ય સનાતન નિયમ છે કે જે વ્યક્તિ કે વસ્તુ આપણે લાયક નથી એ આપણી પાસે ટકતી નથી. માટે એવા લોકો માટે ક્યારેય શોકના કરવો જોઈએ કે જે લોકો આપણે લાયક નહોતા. અને કોઈ છોડીને જાય આપણે આપણાં નસીબ કે જિંદગીને દોષ આપવા કરતા એ વ્યક્તિ કે જે આપણને છોડીને ગઈ છે એની દયા ખાવી જોઈએ કારણકે આપણે તો એ ગુમાવીએ છીએ કે જે ક્યારેય આપણું થવાનું જ નહોતું પણ એણે તો એ ગુમાવ્યું કે જે એનું થઈ ગયું હતું. અને એના કરતા પણ મોટી વાત તો એ છે કે આપણી પાસે એવા બટકણાં પ્રેમ કરતા પણ બીજી ઘણી બધી વસ્તુઓ છે કે જે જીવનમાં મહત્વની છે. જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ છોડીને જાય ત્યારે ઉતાવળમાં આવીને આપણને નુકસાન થાય એવા નિર્ણય લેતા પહેલા એવું વિચારવું જોઈએ કે આપણી ઘરે પણ એક વ્યક્તિ એવું છે કે જે આપણી રાહ જોવે છે, એક વ્યક્તિ એવું પણ છે કે જે પોતે ખિસ્સા ખાલી કરીને પણ આપણા માટે ખુશીઓ ખરીદે છે, એવી કોઈ વ્યક્તિ પણ છે કે જે આપણી સાથે ખુબ લડતી હોય પણ પોતાને સહેજ ઠેસ આવે ને તો પણ એના મોંઢામાંથી આપણા માટે ખમકારો નીકળતો હોય છે. આ વ્યક્તિ છે આપણા મમ્મી, પપ્પા, બહેન, ભાઈ, આપણો પરિવાર, અને આપણા મિત્રો અને આ બધાંની સાથે સાથે આપણે જોયેલા સપના પણ એને પુરા કરવા માટે આપણી રાહ જોતા હોય છે માટે એવું લખાય કે,
प्यार से भी ज़रूरी कई काम हैं,
प्यार सब कुछ नहीं ज़िंदगी के लिए
આવા તકલાદી પ્રેમ કરતા પણ જીવનમાં બીજું ઘણું છે જે આપણા માટે અને આપણે એના માટે મહત્વ ધરાવીએ છીએ.
વધુ આવતા શુક્રવારે….
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત