“તમે ગુજરાતી લોકો આટલુ બધુ કેમ બોલતા હશો ?”
“કારણ કે લોકો અમને સાંભળે છે.”
હજી ગઈ કાલે જ સિદ્ધાર્થ રાંદેરિયાના એક મૂવીના આ દ્રશ્યનો સંવાદ સાંભળ્યો અને ફરી એક વાર પોતાના ગુજરાતી હોવા પર ગર્વ થઈ ગયો અને કેમ ન થાય, આફ્રિકામાં કાળા ગોરાના ભેદભાવની વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાથી લઈને વિશ્વના નામાંકિત સાત આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવનારા નરેન્દ્ર મોદી સુધીના તમામ ગુજરાતીઓને વિશ્વના તમામ લોકોએ સાંભળ્યા છે, સમજ્યા છે અને વાંચ્યા પણ છે.
“જય જય ગરવી ગુજરાત” – કવિ નર્મદના હસ્તે તાપીના કિનારે વસેલા સુરત શહેરમાં લખાયેલી આ કવિતા જ્યારે પણ વાંચવા મળે ત્યારે રોમેરોમ ખીલી ઊઠે છે. આમ, તો મારું ગુજરાત આજે 60 વરસનું થશે પણ તેની સાથે જોડાયેલ તમામ બાબતો હંમેશા શાશ્વત અને અજરામર રહેશે. સ્થાપત્યથી લઈને સાહિત્ય સુધીની તમામ વાતોમાં ગુજરાતે વિશ્વને અમૂલ્ય ભેટ આપેલી છે તો ચાલો, જાણીએ ગુજરાતના ભાષા અને સાહિત્યરૂપી સાંસ્કૃતિક વારસા વિશે…
ઈતિહાસ જોવા જઈએ તો ગુજરાતી ભાષા આશરે ઈ.સ. 1000 વર્ષ જેટલી પ્રાચીન ગણી શકાય. જોકે તેના વિકાસની ખાસ બાબત એ છે કે તે ચોક્ક્સ કોઈ શાસક કે યુગ સાથે સંબંધ ન હોવા છતા અને સાહિત્યને તેના રચયિતા સિવાય કોઈપણ શાસકનો આશ્રય નહોતો તેમ છતાં તેનો વિકાસ થયો. ગુજરાતમાં વાણિજ્ય અને વ્યાપારના વિકાસને કારણે, હિંદુ અને જૈન ધર્મનું પ્રભુત્વ હોવાને કારણે અને સિધ્દ્વરાજ જયસિંહ, ચાલુક્ય વંશ સોલંકીવંશ અને વાઘેલા રાજપૂતો જેવા શાસકો દ્વારા સલામતી વાળા સમાજની રચના થવાને કારણે ૧૧મી સદીમાં સાહિત્યનું સર્જન મોટા પ્રમાણમાં થયું. કાળક્રમે તે મુખ્ય ધારામાં આવ્યું અને સમગ્ર ગુજરાતની પ્રજામાં સ્વીકૃતિ પામ્યું. કાળક્રમે ગુજરાતી સાહિત્યમાં સર્જનો અને સાહિત્યપ્રકારોને લગતા સામાન્ય નિયમો ઘડાતા ગયા અને સર્જન થતુ ગયું.
ગુજરાતી સાહિત્યને મુખ્યત્ત્વે બે શ્રેણીઓમાં વહેચવામાં આવે છે – ગદ્ય અને પદ્ય. જેમાં પદ્યનો ઈતિહાસ આશરે ૬ઠ્ઠી સદી સુધીનો માનવામાં આવે છે. પદ્ય ધાર્મિક માન્યતાઓ અને ચુકાદાઓ માટેનું મધ્યકાલીન ભારતમાં માધ્યમ હતું. તેના આધારે ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ મુખ્યત્ત્વે ત્રણ વિભાગમાં વહેચાયેલ છે : પ્રાચીન (ઈ.સ. ૧૪૫૦ સુધી), મધ્યકાલીન (ઈ.સ. ૧૪૫૦ થી ૧૮૫૦) અને અર્વાચીન (ઈ.સ. ૧૮૫૦ પછીનો). કેટલાક નિષ્ણાતો આ સમયગાળાને રસયુગ, સગુણ ભક્તિ યુગ અને નિર્ગુણ ભક્તિ યુગમાં પણ વહેચે છે. આધુનિક સાહિત્યને સુધારક યુગ અથવા નર્મદ યુગ, પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ, ગાંધી યુગ, અનુ ગાંધી યુગ, આધુનિક યુગ અને અનુ આધુનિક યુગમાં વહેચવામાં આવે છે. આ યુગો સમયકાળ અનુસાર વહેચવામાં આવ્યા છે પરંતુ યુગની શરુઆત અને અંત જે તે વર્ષથી જ થાય છે એવું ન ધારી શકાય. દરેક યુગના આગમન અને અંત આગામી અને પુરોગામી યુગ સાથે કેટલોક સમયકાળ સુધી સહાસ્તિત્વ ધરાવે છે.
ઈ.સ. 1000 થી 1450ના સમયગાળામાં સોલંકીવંશના શાસન દરમિયાન સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળ દરમિયાન “સિદ્ધહેમ શબ્દાનુશાસન”ની રચના થઈ જેમાં જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યજીએ પ્રાકૃત ભાષાને ટાંકીને સંસ્કૃત અને અર્ધમાગધી ભાષામાંથી અપભ્રંશ કરીને ગુજરાતી વ્યાકરણના પાયાના નિયમોની રચના કરી. એ જમાનામાં પણ ભાષાપ્રેમ તો એટલો કે સિદ્ધરાજ જયસિંહે એ ગ્રંથની હાથીની અંબાડી પર સમગ્ર પાટણમાં શોભાયાત્રા કઢાવી હતી.
ઈતિહાસકારોનું માનવું છે કે ગુજરાત સાહિત્યનું શરૂઆતી સર્જન જૈનાચાર્યો દ્વારા કરવામાં આવ્યું હતું. શાલિભદ્રસુરિનું ભરતેશ્વર બાહુબલિ રાસ (ઈ.સ. ૧૧૮૫), વિજયસેનનું રેવંતગિરિ રાસ (ઈ.સ. ૧૨૩૫), અંબાદેવનું સમરારાસ (ઈ.સ. ૧૩૧૫) અને વિનયપ્રભાનું ગૌતમ સ્વામિરાસ (ઈ.સ. ૧૩૫૬) એ આ પ્રકારના સાહિત્યના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમ, જૈન સાધુઓએ બસો વર્ષના સમયગાળામાં સેંકડો રાસ અથવા રાસાઓનું સર્જન કરેલું છે. રાસાઓમાં મુખ્ય વિષયો પ્રકૃતિવર્ણન, શૃંગારરસિક ઋતુચિત્રો, જૈન આચાર્યો અને તીર્થંકરો, ઐતિહાસિક પાત્રોનાં ચરિત્રો હતા. રાસાઓનો મોટો સંગ્રહ આજની તારીખમાં જૈન ભંડારોમાં પાટણ, જેસલમેર અમદાવાદ અનેખંભાતખાતે હસ્તલિખિત સ્વરુપમાં ઉપલબ્ધ છે.
જૈનેત્તર કવિઓમાં અસાઇત ઠાકર સર્વોપરી સર્જક માનવામાં આવે છે. તેની મુખ્ય રચના ભવાઇ છે અને આશરે ૩૬૦ વેશોનું સર્જન કર્યું છે. તેને નાટ્યશાસ્ત્રને ગુજરાતી સાહિત્યમાં લાવવાનું શ્રેય અપાય છે. પ્રબંધન કાવ્યો જેમાં શ્રીધરનું રણમલ્લ છંદ (ઈ.સ. ૧૩૯૮), મેરુતુંગનું પ્રબંધચિંતામણિ, પદ્મનાભનું કાન્હડદે પ્રબંધ (ઈ.સ. ૧૪૫૬) અને ભીમનું સદયવત્સચરિત (ઈ.સ. ૧૪૧૦) મુખ્ય છે. સંદેશકરાશના સર્જક અબ્દુર રહેમાનને ગુજરાતી સાહિત્યના પ્રથમ મુસ્લિમ સર્જક ગણવામાં આવે છે. બારમાસી પ્રકારના પદ્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ વિનયચંદ્રનું નેમિનાથ ચતુષ્પાદિકા (ઈ.સ. ૧૧૪૦) છે.
મધ્યકાલીન અને ભક્તિયુગ દરમિયાન નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, પ્રેમાનંદ, શામળ ભટ્ટ વગેરેને આધારભૂત કવિઓ ગણવામાં આવે છે જેમણે ભક્તિપદોની અને આખ્યાનોની રચના થકી ભારતના ધર્મ અને ઈતિહાસને જીવંત કર્યો તો અખા ભગત, સતી પાનબાઈ, ગંગા સતી, જેસલ તોરલ વગેરે જેવા સંતોએ છપ્પા અને કાવ્યોના માધ્યમથી સમાજની કુપ્રથાઓ પર ચાબખા માર્યા છે.
ઈ.સ. 1850 પછીનો યુગ સુધારક યુગ કે નર્મદ યુગ કહેવામાં આવે છે. નર્મદ દ્વારા સર્વપ્રથમ ગુજરાતી શબ્દકોષ નર્મકોષનું સંપાદન કરવામાં આવ્યું. તે મુખ્યત્વે વિશ્વ ઈતિહાસ અને ગદ્યલેખનની કળા પરની ટીકા છે. નર્મદે અનેક વિવિધતા ધરાવતી કાવ્યશૈલીઓના પ્રયોગ કર્યા અને અંગ્રેજી કડીઓને ગુજરાતીમાં સફળતાપૂર્વક વણી લીધી. તેમણે મધ્યકાલીન સાહિત્યના વિષયોથી દૂર જઈ અને સમાજસુધારા, સ્વતંત્રતા, દેશાભિમાન, પ્રકૃતિ અને પ્રણયના વિષયોને કેન્દ્રમાં રાખી સર્જનો કર્યાં. ગુજરાતીમાં પદ્ધતિસરનું સૌપ્રથમ આત્મચરિત્ર નર્મદે મારી હકીકત સ્વરુપે આપ્યું. ત્યાર પછી 1885 પછીનો યુગ ગોવર્ધન યુગ કહેવાય છે જે દરમિયાન ગોવર્ધનરામ ત્રિપાઠીએ ચાર ભાગમાં સરસ્વતીચંદ્ર નામની નવલકથા રચી. એ સિવાય મણિભાઈ દ્રિવેદી, ન્હાનાલાલ, કલાપી, બોટાદકર, મો.ક.ગાંધી, કવિ કાન્ત વગેરે એ પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો. અનુગાંધી યુગ એટલે કે 1955 પછીના સમયમાં સુરેશ જોષી, નિરંજન ભગત, ચંદ્રકાંત બક્ષી, સરોજ પાઠક, મધુ રાય અને રઘુવીર ચૌધરીએ નિબંધ, ટૂંકી વાર્તા અને સોનેટ જેવા સ્વરૂપોનો વિકાસ કર્યો તો હાલના સમયમાં કાજલ ઓઝા વૈદ્ય, જય વસાવડા, ધ્રુવ ભટ્ટ, મગીનદાસ સંધવી, કાંતિ ભટ્ટ, વિનેશ અંતાણી અને ડો. શરદ ઠાકર જેવા સાહિત્ય સર્જકો અને ગુજરાતી ભાષાના પૂજારીઓ આ ભાષાનું અમરત્વ જાળવી રહ્યા છે.
જો કે છેલ્લી ચાર સદીની મહત્વપૂર્ણ ઘટના તરીકે ગુજરાતી ભાષાની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ જોઈએ તો તે છે “જય આદ્યશક્તિ” આરતી, જેને વિક્રમ સંવત્ત 1657 માં શિવાનંદ સ્વામીએ સુરત ખાતે લખી હતી. આજે આટલા વર્ષે પણ મા અંબા કે તેના કોઈ પણ સ્વરૂપ સાથે સંકળાયેલ મંદિરમાં તે ત્રિકાળે ગવાય છે અને ગવાતી રહેશે.
જય જય ગરવી ગુજરાત
- આદિત શાહ