લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલો બંગલો, બંગલાની બહાર સુંદર બગીચો. બગીચામાં મોગરો સૂરજમુખી વગેરે ફૂલઝાડ અને ચૂમી લેવાનું મન થઇ જાય એવી પાંખડીઓવાળાં ગુલાબ ખીલ્યાં હતાં. ગઇ આખી રાત વરસાદ પડ્યો હતો. વહેલી પરોઢે રહી ગયો હતો. આકાશ એકદમ સ્વચ્છ થઇ ગયું હતુ. સૂર્યનો તડકો મનને પ્રિય લાગતો હતો. બગીચામાં ઘાસ પર, મહેંદી પર અને ફૂલો પર છવાયેલું ઝાકળ (વરસાદનાં ટીપાં) ધીમે ધીમે ઉડતું જતું હતું. બંગલામાંથી એક નોકર કંઇક કામ અર્થે બહાર આવતો જતો હતો. આ બંગલાની આસપાસની સૌન્દર્ય સૃષ્ટિ તેમ જ તેની સજાવટ જોઇને બંગલામાં રહેનારના ભાગ્યની આપણને થોડી વાર માટે તો ઇર્ષ્યા પણ થઇ જાય તેવું હતું.
— અચાનક બંગલાના ડ્રોઇંગરૂમમાં રાખેલા ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી. રેશમી ઝૂલ્ફો વાળી એક ગોરી યુવતીએ ફોન ઉપાડ્યો.
” કોણ ? ” તેના સ્વરમાં કંઇક દર્દ હતું.
— થોડીવાર સુધી તેણે ફોન કાને ધરી રાખ્યો. સામેની વ્યક્તિ કંઇક બોલતી રહી. પછી તેણે ફોન મૂકી દીધો. ઉદાસીનતા સાથે પછી તે સોફામાં બેઠી. નોકર રામજીને તેણે ચા લાવવા કહ્યું. નોકર ચા લાવે તે પહેલાં તો તે યુવતી
” ઓ રામજી, જલદી આવ પ્લીઝ….” બૂમ પાડતી અચાનક સોફામાં ફસડાઇ પડી. રામજી દોડતો આવ્યો. તેણે ડોક્ટરને ફોન કરીને બોલાવ્યા. ડોક્ટર આવ્યા. તેમણે તપાસીને ઇંજેક્શન આપ્યું. યુવતી તરત હોશમાં આવી. ડોક્ટરે સલાહ આપી,
” મેં તમને કેટલીવાર કહ્યું છે કે તમે હવે અશોક વિશે વિચારવાનું છોડી દો, એ બીજી છોકરીના ચક્કરમાં ફસાયો છે. એ હવે તમારી પાસે કદી નહિ આવે, છેલ્લાં પાંચ-છ વરસથી એણે તમારી સામે નથી જોયું પછી શું કામ તમે એની રાહ જૂઓ છો ? શરીરના સડી ગયેલા અંગને જેમ કાપી નાખવું પડે છે તેમ તમારે અશોકને હવે ભૂલવો જ રહ્યો, નહિતર તમે જીવી શકશો નહિ. !!!
– અશોક જ્યોત્સનાનો પતિ હતો, લગ્નનાં ત્રણ ચાર વર્ષ પછી તે કોઇ અન્ય યુવતી પાછળ બરબાદ થઇ રહ્યો હતો. લાખોપતિ બાપનો એકનો એક પુત્ર હતો. શહેરના ખૂબ જ સુંદર અને મોંઘા ગણાતા વિસ્તારમાં તેનો બંગલો હતો. આજે તેને ફોન કરીને જ્યોત્સનાને રાજી ખુશીથી છૂટા છેડા લઇ લેવા સમજાવવાની કોશિશ કરી હતી. જ્યોત્સના અશોકને ભૂલી જવા તૈયાર ન હતી. અશોક તેને આ બંગલો, ગાડી તેમ જ દર મહિને સારી એવી રકમ જીવન નિર્વાહ તરીકે આપવા તૈયાર હતો. પણ શું એમાંથી જ્યોત્સનાને એના પતિનો પ્રેમ મળવાનો હતો ખરો ?? જ્યોત્સના અશોકને ભૂલીને અન્ય કોઇ સાથે જોડાવાનું સ્વીકારવા તૈયાર ન હતી. …. કેટલો સુંદર બંગલો, ગુલાબનાં હસી રહેલાં ફૂલ. આસોપાલવનાં લીસાં મુલાયમ પર્ણો, વરસાદથી ધોવાઇ સ્વચ્છ બની ગયેલો સમગ્ર બગીચો…. દરવાજાની આસ પાસ ખીલેલ બોગનવેલ, ઘડીક તો આપણને એમ થાય કે સ્વર્ગ એટલે અહીં જ !!!! સાચુ સુખ તો કદાચ આ બંગલામાં જ મળતું હશે…પણ ના, એ આપણો ભ્રમ હોય છે. અને આ ભ્રમ આપણને કેટલા દુ;ખી કરી મૂકે છે ??
– સુખ બંગલાઓમાં જ નથી હોતું અને દુ:ખ માત્ર ઝૂંપડાંમાં જ નથી હોતું. જ્યોત્સના હજુ વાટ જોવા તૈયાર છે, તેને એમ જ છે કે અશોકને ક્યારેક તો સદબુધ્ધિ આવશે જ… ભારતની નારીની પતિ પ્રત્યેની આવી વિશિષ્ઠ ભાવના બીજે ક્યાંય જોવા નહિ મળે ..!!!
- અનંત પટેલ