ચંદરી.. ચંદ્રકલા… ચંદ્રિકા… ચાંદરી…
ચંદુડી.. ચકુડી…
આવાં બધાં લાડકાં નામથી સૌને ગમતી ને સૌની લાડલી ચંદ્રિકાને એકદમ ગંભીર અને ઉદાસ થયેલી જોતાં જાણે એને સાપ સૂંઘી ગયો હોય એવું અમને લાગવા માંડેલુ…..
પાંચ સાત વર્ષની હતી ત્યારથી જ બટક બોલી ચંદરીને અમે ખૂબ લાડ કરેલાં.એ ને રમાડેલી, કૂદાવેલી ,નચાવેલી ને જમાડેલી….. એના કાળા ભમ્મર કેશ વાંકડીયા હોવાથી વધારે આલ્હાદક લાગતા… એમના ઘરે જે કોઇ મહેમાન આવે તેને ચંદરી સદા સદા યાદ રહી જતી. ઘેર ગયા પછી એ મહેમાન ખબર ફોન કરી પૂછે પૂછે ને પૂછે જ.. !!! એવી એ રૂપાળી કે એની મમ્મી દરરોજ સવારે એને કાળું ટપકું કરવાનું ભૂલે જ નહિ… દરેક મહેમાન એનો ફોટો લેવાનું ચૂકે જ નહિ… ખરેખર ઇશ્વર ક્યાંક ક્યાંક એવી રચના પ્રગટાવી દે છે કે તમે બસ દેખતા જ રહી જાઓ… કે,જી, થી માંડીને બારમા સુધી શિક્ષણમાં એની તેજસ્વિતા પ્રગટતી જ રહી.સૌની સાથે હસવાનું ને ખેલવાનું, એની ફ્રેન્ડ કે ટીચરને એની સાથે હળવી મજક કરવાનું ખૂબ જ ગમે.. ચંદરી રસ્તામાં સામે મળી જાય તો જે તે વ્યક્તિ પોતાનો બેડો પાર થઇ જશે એમ જ માની લેતી. . સૌને એના મીઠડા સ્માઇલની તરસ…પહેલાંના સમયમાં કેમેરાવાળો ફોટો પાડ્તા પહેલાં ક્લિક કરતી વખતે સૂચના આપતો કે,
” સ્માઇલ પ્લીઝ.. ”
પણ અહીં તો ચંદરીને ચહેરો સદા ય સ્માઇલથી ભરેલો જ હોય.. વધારે હસવા જાય તો એના ગાલ પર પડતાં ખંજન તમે જોયા જ કરો … લોકો એ ખંજન જોવા ચંદરી નાની હતી ત્યારે એને વધારે ને વધારે હસાવવા પ્રયત્નો કરે જ રાખતા… એ બગીચામાં રનીંગ કે કસરત માટે આવે ત્યારે ક્યારની ય શાંત રહેલી ડાળીઓ અને ફૂલડાંમાં જાણે કે જીવનો સંચાર થયો હોય એમ એ હાલક ડોલક થવા લાગી જતાં.. અમે એક બે વડીલો એ ફૂલ ઝાડની બાજુમાં મૂકેલા બાંકડે બેઠા હોઇએ ને જો ચંદરી ત્યાં અમથી ય આવે ચડે તો અમે બધા વડીલો પણ રાજી રાજી થઇ જતા.
ખરેખર આવા અદભૂત વ્યક્તિત્વ વાળી ચંદરી એકદમ ઉદાસ,શાંત અને ગંભીર થયેલી જોઇએને અમને સૌને ચિંતા થવા લાગેલી…
— શું એને કોઇ બિમારી તો નથી લાગી ગઇ ???
— શું એનાથી કોઇ મોટી ભૂલ તો નથી થઇ ગઇને ???
— શું કોઇએ એને દૂભવી તો નહિ હોય ???
આવા પ્રશ્નોથી અમે મૂઝાતા હતા, પણ એને કારણ પૂછવાની કોઇની હિંમત થતી ન હતી…ચંદરીનુ હાસ્ય મૂરઝાઇ જાય એ તો મને પણ મંજુ હતું જ નહિ. ન રહેવાયું એટલે મેં અને મારાં પત્નીએ એને અમારા ઘરે બોલાવી ને સીધુ જ પૂછી નાખ્યુ,
” અરે ચંદરી બેટા,શું એકદમ મૂડલેસ દેખાય છે ? કોઇ પ્રોબ્લેમ આવ્યો છે કે શું ?? ”
અમે બે ય જણે ઘણુ દબાણ કર્યુ ત્યારે જાણવા મળ્યું કે એના ઘરમાં એની સગાઇની વાત શરૂ થઇ છે એટલે એ ટેન્શનમાં આવી ગઇ છે…. આ સાંભળ્યા પછી મેં જોરથી હસીને કહ્યું,
” અરે એ શું બોલી બેટા ? સગાઇની વાતમાં ટેન્શન શાનું ?? આ તો ખુશીની વાત કહેવાય. ને જો સાંભળ લગ્ન તો દરેક છોકરા કે છોકરીએ કરવાનું જ છે ને ??? એમાં ટેન્શન લેવા જેવું છે શું ??”
એના ચહેરા પરની ગમગીની માટે લગ્ન, પપ્પાનું ઘર છોડવાનું, સાસરે નવા માણસો સાથે રહેવાનુ, બધા સાથે એડજસ્ટ થવાનુ….. બધુ જ નવું નવું ને અજાણ્યુ … અજાણ્યુ… એને કેવી રીતે ફેસ કરવાનું ?? આવી બધીએ બાબતો જ મુખ્ય હતી. મારાં પત્નીએ એને પાસે બેસાડી સમજાવી…
” અરે ચંદરી… દીકરી તને સાસરે જવા માટે મૂંઝવણ કેમ થાય ?? તારા જેવી દીકરી તો સાસરિયાંને પણ ખુશ ખુશાલ કરી દેવાની છે… જો જે તું મને યાદ ના કરે તો કહેજે… !!!! તારે આમાં કશું ડરવાનું હોય જ નહિ. મારે કોઇ દીકરો નથી નહિતર હું તને જ મારી વહુ બનાવી દેત બોલ…!!! ”
મારાં પત્નીના આવા શબ્દો સાંભળીને ચંદરી ખુશ ખુશ થતી હોય તેમ મને લાગવા માંડ્યું. થોડીવાર પછી એના ચહેરા પર સંતોષનું સ્મિત લહેરાવા લાગ્યું…… ને માનશો ?? એના લગ્નના મહિના પછી એ એનાં મમ્મી પપ્પાને મળવા આવી ત્યારે એનું સોળ શણગાર સજેલું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલેલું લાગતું હતું, એના મુખડા પર એક અજીબ સંતોષ વરતાતો હતો. ઘડીભર તો મને અને મારાં પત્નીને આવી સુંદર વહુ મેળવવા બદલ એનાં સાસરિયાંની ઇર્ષ્યા થવા લાગી…….
- અનંત પટેલ