અમદાવાદ : ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજુ અકબંધ રહ્યું છે. આજે પણ ઉંચા તાપમાન માટે ચેતવણી જારી કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવનું મોજુ ફરી વળ્યું છે. આજે અમદાવાદમાં પારો ૪૨ સુધી પહોંચી ગયો હતો. રાજ્યના જે વિસ્તારમાં આજે પારો ૪૨થી ઉપર રહ્યો હતો તેમાં ડિસામાં ૪૨.૩, ભુજમાં ૪૨.૪ તાપમાન રહ્યું હતું જ્યારે કંડલા એરપોર્ટમાં ૪૧.૮, અમરેલીમાં ૪૧.૮ અને ગાંધીનગરમાં ૪૧ સુધી પારો રહ્યો હતો. લોકો ગરમીથી ભારે પરેશાન થયેલા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે.
હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે. કેટલીક જગ્યાએ ૪૨થી પણ ઉપર પારો પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. કાતિલ ગરમીથી લોકો હવે પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનેક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ કાતિલ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદ માટેની આગાહીમાં પણ ચિંતાજનક બાબત દર્શાવવામાં આવી છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. ફરીએકવાર હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં હિટવેવનું મોજુ ફરી વળે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. મહત્તમ તાપાનમાં સતત વધારો થતાં લોકો પરેશાન થયેલા છે. સાથે સાથે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે. ખાસ કરીને પેટમાં દુખાવાની ફરિયાદ વધારે થઇ છે.