‘એક વાર ખાય,’ને ત્રણવાર ન્હાય, ‘એકવાર ખાય,’ને ત્રણવાર ન્હાય, એકવાર ખાય,’ને ત્રણવાર ન્હાય.’ એમ રટતા-રટતા, માથુ ધૂણાવતા-ધૂણાવતા નંદીએ ભગવાન શિવની આજ્ઞા લઇને કૈલાસ પર્વત ઉપરથી, મૃત્યુલોક તરફ દોડ મૂકી. રસ્તામાં સતત માથુ ધૂણાવતા-ધુણાવતા એનું માથું ભમી ગયું અને શબ્દો આગળ-પાછળ થઇ ગયાં. એટલે મા’દેવની આજ્ઞાને નંદીએ મૃત્યુલોકમાં ‘એકવાર ખાય,’ને ત્રણવાર ન્હાય, ને બદલે ‘એકવાર નાહ્ય,’ને ત્રણવાર ખાય’ એમ કીધી.
આજના મહાશિવરાત્રીના પાવન પ્રસંગે આપણે તો આભાર ને પાડ માનીએ એ નંદીનો – કે જેણે શિવજીની આજ્ઞા ઉલટાવી નાંખી. બાકી, આજે આપણે જો એકવાર ખાતા અને ત્રણવાર ન્હાતા હોત તો, ખોરાક ને પાણી માટે સૌ ચોધાર આંસુએ રડતાં હોત. આજે સમગ્ર જગતમાં પાણીની એવી તંગી છે કે એના કારણે આખા જગતમાં મંદી છે. તમે અનાજ, ફળ, ફૂલ ઉગાડી શકો, એની ખેતી કરી શકો પણ તમે પાણીની ખેતી કદી ન કરી શકો. પાણીનું રૂપાંતર શક્ય છે. પણ પાણીનું ઉત્પાદન શક્ય નથી.
આપણે બરફ ને ગોલાનું કારખાનુ બનાવી શકીએ, પણ આપણે પાણીનું કારખાનુ બનાવી શકીએ નહીં. વરાળને ઠારીને બાષ્પિભવનથી એકાદ ખોબો પાણી પ્રાપ્ત કરી શકાય, પણ એને ઉત્પાદન કર્યુ ન કહેવાય. કેમ કે, ઉત્પાદનનો સાદો નિયમ છે કે, કોસ્ટ ઓફ પ્રોડક્શન શૂડ નેવર બી મોર ધેન ધ ક્વોન્ટમ ઇટ કેન પ્રોડ્યુસ્ડ. યાને કે, ઉત્પાદન-ખર્ચ કદી જે જથ્થો ઉત્પાદીત થાય છે એની કિંમત કરતાં વધારે ન હોવો જોઇએ. પાણીને સંઘરી શકાય છે, સ્ટોર કરી શકાય છે અને એનો વપરાશ કરી શકાય છે. પણ, એને ઉત્પાદીત કરી શકાતું નથી.
પૃથ્વી ઉપર ભલે 71% જળ રહ્યું, પણ આ જળ ઉપર તો જળચરનો જ અધિકાર છે. માનવીઓ માટે સર્જનહારે સાગર નહીં પણ ગાગર આપી છે. નદી નહીં પણ બદી આપી છે. વરસાદ નહીં પણ અવસાદ આપ્યો છે. સર્જનહાર પ્રત્યેક જીવને એની લાયકાત પ્રમાણે આપે છે. આ તો માણસ જ એવો છે કે, એ પોતાની લાયકાતને અવગણીને, ખુબ બધું ભણીને, સંશોધન કરીને, સર્જનહાર સામે પોતાની શક્તિનું વરવું પ્રદર્શન કરી રહ્યો છે. પણ, સર્જનહારની એક થપાટમાં માનવ ચત્તોપાટ બની જાય છે.
હજી હમણાં જ બે પગ ઉપર દોડતો, બે હાથને ઉંચા કરીને ગાંગરતો પામર માનવી ઠંડોબોળ બની જાય છે. ગઇકાલ સુધી વિમાનમાં બેસીને અલાસ્કા સુધી ઊડી શકતો માનવી, આજે હવે ઘરથી સ્મશાન સુધી પણ જાતે નથી જઇ શક્તો. એને મુશ્કેટાટ બાંધીને ચાર ડાઘુઓ ‘રામ બોલો ભાઇ રામ’ કરતાં કરતાં લઇ જતા હોય છે, ત્યારે એ એકવાર પણ હોંકારો આપીને ‘રામ’ નથી બોલી શક્તો. માનવીની સર્જનહાર સામેની આ લડતમાં માનવી યુગોથી હારતો આવ્યો છે, તો પણ મારો બેટો સમજતો નથી.
ઇશ્વરે આપેલાં પાંચ તત્વો : જળ, જમીન, વાયુ, પ્રકાશ અને આકાશમાં હવે માત્ર સુરજનો પ્રકાશ અને પવન – આ બે તત્વો જ નિઃશુલ્ક રહ્યા છે. બાકી, પાણી, જમીન અને આકાશ તો હવે ચાર્જેબલ અને ટેક્સેબલ તત્વો બની ગયા છે. જેમ જેમ માનવ સંસ્કૃતિનો વિકાસ થતો જાય છે. એમ એમ વિકૃતિમાં વધારો થતો જાય છે અને પ્રકૃતિનો મરો થતો જાય છે. ઇશ્વરે જળચરો માટે સાગર બનાવ્યા, તો માનવે એની ઉપર ચાલે એવાં સ્ટીમર બનાવ્યા. ઇશ્વરે માછલી અને કરચલા બનાવ્યા તો માનવીએ ફિશિંગ નેટ બનાવી, ઇશ્વરે પંખીઓના માળા, ખોરાક અને રક્ષણ માટે વૃક્ષ બનાવ્યા, તો માણસે એને કાપવા માટેના કરવત અને કટ્ટર બનાવ્યા.
યુગો પહેલાં જંગલમાં ધોધમાં ન્હાતો માનવી, આ ધોધ નીચે ઊભો રહીને હજી સુધી એટલો બોધ પણ નથી લઇ શક્યો કે, પાણી છે, તો વાણી છે. વાણી છે તો ઇન્દ્રિય છે. ઇન્દ્રિય છે, તો અસ્તિત્વ છે અને અસ્તિત્વ છે તો મસ્તીત્વ છે. મસ્તીત્વ છે તો લીલા છે. લીલા છે તો લીલાલહેર છે. પણ આ લહેર એ તો સર્જનહારે આપેલી મહેર છે.
ઠેર-ઠેર બોરવેલ અને ડંકીઓ ખોદી ખોદીને આપણે ધરતીમાતાને છલ્લી – છલ્લી કરી નાખી છે. જીલેટિનના ટેટા ફોડી ફોડીને આપણે પાતાળલોકમાં રહેતાં અસંખ્ય જીવજંતુની આંખ ફોડી નાખી છે. ઊંડે ઊંડે ફિશિંગ જાળ નાખીને, જળચરોનો કચ્ચરઘાણ વાળી નાખ્યો છે. એક દિવસ એવો આવશે કે, માણસ આકાશમાં ઊડતાં પંખીઓનો પણ શિકાર કરતો હશે. એક દિવસ એવો પણ આવશે કે, માણસ સાગરના પાણીનું કેમિકલ-ફોરમેશનથી સાકરનું પાણી બનાવતો હશે. યુગો યુગો સુધી ચાલે એવું મીઠું શરબત ભરેલો સાગર. એક દિવસ એવો પણ આવશે કે, અત્યારે માણસ માત્ર જળ માટે ડંકી ગળાવે છે – એમ ખોરાક માટે પણ પાતાળ સુધી પોતાનો રાક્ષસી પંજો લંબાવશે. માછીમારીમાં ઓલરેડી આ રાક્ષસીપંજાની મગજમારી ચાલુ થઇ ગઇ છે. પછી, આકાશમાંથી અગન વરસે ત્યારે માણસ બે હાથ જોડીને ઇશ્વરના શરણે જાય છે. સુનામી આવે ત્યારે મંદિરના ઘંટ બજાવે છે. ધરતીકંપ આવે ત્યારે ઉંચે આકાશમાં મદદ માટે, રહેમ માટે ભીખ માંગે છે. વિજળીનો ચમકારો એ જુએ છે તોય એના મગજમાં ચમકારો નથી થતો.
અત્યારે વિચાર આવે છે કે, ઓલા નંદીએ ‘એકવાર ખાય અને ત્રણવાર ન્હાય’ને બદલે ‘ત્રણવાર ખાય અને એકવાર ન્હાય’ એમ કરી નાખ્યું – તો એણે સારું જ કર્યુ. પણ એનાંથી પણ વધારે સારું તો એ હોત કે, નંદીએ એમ આદેશ આપ્યો હોત, કે એકવાર ખાય અને એકવાર ન્હાય’. મને તો લાગે છે કે, શિવજીની ઓરિજિનલ આજ્ઞા પણ કદાચ એવી જ હશે. જો માણસ ચોવીસ કલાકમાં એકવાર ખાય અને એકવાર ન્હાય, તો ઇકોલોજીકલ અને ઇકોનોમિકલ બેલેન્સ એવું સમતોલ થઇ જાય કે, તમારાં સમ!, એની તોલે પછી કાંઇ ન આવે. જીવવા માટે પ્રકૃતિને મારવા કરતા તો પ્રકૃતિ માટે મરી જવું સારું.
મા’દેવ … મા’દેવ … જય સોમનાથ … જય ઓમનાથ … જય ભોળેનાથ …
ઓમ નમોઃ શિવાય અને ધોમ નમોઃ શિવાય.
સૌ મિત્રોને મહાશિવરાત્રિના આ મહાપર્વની ભાંગના કૈફમાં, ભભૂતિની અનુભૂતિમાં, અને ધખતી ધૂણીમાંથી ઊઠતી અલખની ‘લગન’ જ્વાળા સાથે દિગંબરી વધાઈ. જય પ્રેમેશ્વર. જય લવેશ્વર.
Guest Author
~ ઇલિયાસ શેખ