મારા મત મુજબ પ્રેમ એ અનુભૂતિે છે, લાગણી છે, તેને અનુભવી શકાય, તેને માણી શકાય.. તે સરખામણીનો વિષય નથી… સ્વરાએ પોતાનો મત જણાવ્યો.
હું ચોક્કસ માનું છું કે પ્રેમ એ અનુભૂતિ છે, એક લાગણી છે, પણ તેની સાથે એક સંબંધ હોવો જરૂરી છે, ભલે પછી તે સંબંધ કોઇપણ સ્વરૂપે હોય… બંકિમે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો.
શહેરની એક આર્ટ્સ કોલેજના એક ખંડમાં છેલ્લાં એક કલાકથી ‘પ્રેમ નામે લાગણી’ વિષયને લઇને ચર્ચા થઇ રહી હતી. ત્રીસ-પાંત્રીસ જણાંનું એક ટોળું બે ભાગમાં વહેંચાઇ ગયું છે. સામાન્ય ચર્ચાએ એક વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એક-એક સવાલનો ઉત્તર પણ એટલો જ ચોટદાર, તો તેનો પ્રત્યુત્તર પણ એટલો જ.
એક જૂથની આગેવાન છે સ્વરા અને બીજા જૂથનો આગેવાન છે બંકિમ. બન્ને જણાં સાહિત્યમાં પ્રચુર રસ ધરાવતાં, પણ સ્વભાવથી એક બીજાની વિરુદ્ધ.
બન્ને જણાં એક-બીજા સવાલના જવાબ એકદમ સરળતાથી આપતાં કે પોતપોતાના સમૂહના લોકો તાળીઓના ગડગડાટથી વધાવી લેતાં. સાંજ ઢળવા લાગી, સમય પોતાનું કામ કરી રહ્યો છે. આ ચર્ચા ચરમસીમા પર આવી એવું લાગતુ પણ, વળી પાછો ચોટદાર પ્રત્યુત્તર આવતો કે ચર્ચા આગળ વધતી જતી. અંતે સર્વાનુમતે નક્કી થયું કે આ ચર્ચાના અંત માટે કોઇ મધ્યસ્થી હોવો જરૂરી છે, અને આખું ટોળું ખંડની બહાર નીકળી સીધું પહોંચી ગયું સ્ટાફ રૂમમાં પ્રો. જીજ્ઞા દેસાઇ પાસે.
પ્રો. જીજ્ઞા દેસાઇ આટલા વિશાળ ટોળાને પોતાની તરફ આવતું જોઇને અચંબિત થયા. સ્વરા સીધી જ તેમની પાસે પહોંચી અને કહેવા લાગી કે, મેડમ અમારા બન્ને એટલે કે મારી અને બંકિમ વચ્ચે એક ચર્ચાને લઇને મતમતાંતર છે, છેલ્લાં ત્રણેક કલાકથી ચર્ચા ચાલી રહી છે, પણ અંત આવતો નથી, તો તમે મધ્યસથી બની નક્કી કરો કે અમારા બન્નેમાંથી સાચુ કોણ છે?- વિષય છે ‘પ્રેમ નામે લાગણી’.
એ બધી વાત પછી પહેલા આપણે આ સ્ટાફ રૂમને છોડી અન્ય કોઇ જગ્યાએ બેસી નક્કી કરીએ. પ્રો.દેસાઇએ જણાવ્યું. અને આખું ટોળું વળી પાછું ગોઠવાઇ ગયું તે જ ખંડમાં જ્યાં ચર્ચાની શરૂઆત થઇ હતી.
હા, હવે તમે બન્ને તમારો અભિપ્રાય જણાવો, પ્રો. દેસાઇએ કહ્યું, પહેલાં બંકિમ તું જણાવ કે તારૂ શું માનવું છે આ બાબતે.
પ્રેમમાં સંબંધ હોવો જરૂરી છે, જો પ્રેમમાં કોઇ સંબંધ નહિ હોય તો એ પ્રેમનું કોઇ અસ્તિત્વ લાબાગાળા સુધી ટકતું નથી. પછી તે કોઇપણ પ્રકારનો સંબંધ હોય. અંતે હું દ્રઢપણે માનું છું કે પ્રેમને સંબંધના ટેકાની જરૂર છે. – બંકિમે પોતાનો વિચાર રજૂ કર્યો.
પ્રો. દેસાઇ કાંઇ બોલે તે પહેલાં જ સ્વરાએ પોતાનો વિચાર રજૂ કર્યો કે, હું આ સંદર્ભે બંકિમ સાથે સહમત નથી. પ્રેમ અતુલનીય છે, તેની પારસ્પરિક સરખામણી શક્ય નથી. પ્રેમને કોઇ સંબંધના ટેકાની જરૂર નથી, અને સંબંધના ટેકાથી પાંગરેલા પ્રેમના મૂળમાં માત્ર સ્વાર્થ જ હોય છે. પ્રેમ એ નિસ્વાર્થ હોવો જોઇએ. સ્વાર્થ સાથેના પ્રેમનું અસ્તિત્વ લાબાંગાળા સુધી ટકતું નથી એવું હું પણ દ્રઢપણે માનું છું.
પ્રો.દેસાઇ પણ મૂંઝવણમાં મૂકાઇ ગયા, બન્ને પોતાની રીતે સાચા હતા. પણ સૌથી સાચો કોનો અભિપ્રાય છે, તે નિર્ણય તે લઇ શકશે નહિ, તેમ લાગતા તેમણે જણાવ્યું કે તમે બન્ને આ સંદર્ભે પોતાની સ્થાને યોગ્ય છો. કોઇ એકના અભિપ્રાયને ઉચ્ચ સ્થાન આપવું બીજાને અન્યાય કરવા બરાબર રહેશે.
પણ સ્વરા અને બંકિમને તો કોઇ એક જ પરિણામ માન્ય હતું, આ મિશ્ર પરિણામ તેમને માન્ય ન હતું. પછી તે પરિણામ તેમની વિરૂદ્ધ જ કેમ ન હોય. તેમણે પ્રો. દેસાઇને કહ્યું કે મેડમ આ મિશ્ર પરિણામ અમને માન્ય નથી. કોઇ એકને વિજેતા સ્વરૂપે જાહેર કરો.
પ્રો. દેસાઇ થોડીવાર વિચાર કરી ધડિયાળના કાંટા સામે જોઇ કહ્યું આવતી કાલે સવારે ૯ વાગે આપણે ત્રણ જણાં અહિં કોલેજના કેમ્પસમાં મળીએ.
તેમને અટકાવી સ્વરા બોલીઃ મેડમ, આવતીકાલે તો કોલેજમાં રજા છે.
પ્રો. દેસાઇઃ જો કોઇ એક પરિણામ મેળવવું હોય તો, આવતીકાલે મળવું જરૂરી છે. કાલે રજા છે એટલે જ તો મને અને તમને આ વિશે જાણવાનો વધુ સમય મળી રહેશે. તારે જાણવું જ હોય તો પછી કોલેજમાં આવવું જ રહ્યું. અને આ ચર્ચાનું પરિણામ પરમદિવસે બપોરે જણાવીશ.
સ્વરા અને બંકિમ બન્ને જણાંએ આવતીકાલે કોલેજ કેમ્પસમાં મળવાની શાબ્દિક સંમતિ આપી. એક ઉત્સુકતા સાથે બધાં ઔપચારિક રીતે છુટા પડ્યા. શિયાળાની સાંજ હોવાથી અંધારૂ ધીરે ધીરે ધરતીને પોતાની બાહુપાશમાં લઇ રહ્યું હતું.
***
બીજા દિવસે સવારે ૯ વાગ્યા પહેલાં જ કોલેજમાં જઇને પ્રો.દેસાઇને મળી તેમને થોડું વિસ્તારથી જણાવીશ તેમ વિચારતી સ્વરા ઝડપથી કોલેજ તરફ પોતાના વ્હિકલને હંકારી રહી હતી, તેનાં મનમાં વિચારો દોડી રહ્યાં હતા. કોલેજ તરફના વળાંક તરફ તે વળી અને તે સાથે જ બંકિમે પણ પોતાની બાઇક સાથે વળાંક લીધો. બંકિમે સ્વરા સામે હળવુ સ્મિત વેર્યું, પણ સ્વરા તો નાકનું ટેરવું ચઢાવી સીધી કોલેજના ગેટને પાર કરી કેમ્પસમાં વ્હિકલ પાર્ક કરી કેમ્પસમાં પ્રો. દેસાઇની રાહ જોઇ ઉભી રહી. રજા હોવાથી કેમ્પસ આજે ખાલી લાગી રહ્યું હતું. તેણે અનુભવ્યું કે બંકિમ પોતાની સાથે જ હોવા છતાં તે દેખાતો ન હતો. તે સાથે બરોબર નવના ટકોરે બંકિમ પ્રો. દેસાઇ. સાથે કેમ્પસ તરફ આવી રહ્યો હતો. પ્રો. દેસાઇ અને બંકિમ બન્ને સ્વરા પાસે પહોચ્યા. બંકિમે ફરીથી સ્વરા સામે હળવું સ્મિત કર્યું, આ વખતે પ્રો.દેસાઇ સાથે હોવાથી સ્વરાએ મન વગર બંકિમ સામે સ્મિત આપ્યું. પછી ત્રણેય જણાં કેમ્પસના છેડે આવેલી ખુલ્લી કેન્ટીનના એક ખૂણામાં ગોઠવાઇ ગયા.
પ્રો. દેસાઇએ પોતાના પર્સમાંથી એક ડાયરી હાથમાં લઇ તેના પાના ફેરવવા લાગ્યા. પ્રો.દેસાઇએ પોતાની ડાયરીના છેડે રાખેલા એક કવરમાંથી બે કોરા કાગળ પર એક સરનામું લખી બોલ્યાઃ સ્વરા અને બંકિમ, આજે આપણે આ કાગળ પર લખાયેલા સ્થળની મુલાકાત લેવાની છે. હું તમારી સાથે જ રહીશ. મારા માટે પણ ચોક્કસ પરિણામ સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલીભર્યું છે. ખરેખર તો આપણે ત્રણેય જણાંએ ચોક્કસ પરિણામ સુધી પહોંચવા માટે આ સ્થળની મુલાકાત કરવી જ પડશે. બન્નેએ સ્વીકૃતિ આપી. કાગળ પર લખેલા સરનામાને વાંચી રહેલા બન્ને જણાંના ચહેરા પર કુતૂહલતા અને મૂંઝવણની મિશ્ર રેખાઓ ઉપસી આવી. થોડી વાર પછી ત્રણેય જણાં પ્રો.દેસાઇની કારમાં બેસી પોતાની પહેલી મંજીલ સુધી પહોંચવા માટે આગળ વધ્યાં. બંકિમ પાછળની સીટ પર બેઠો. કાર ધીરે ધીરે શહેરના રસ્તાઓને પાર કરી છેવાડાના એક સ્થળ તરફ આગળ વધી રહી હતી. એફએમ પર ધીમા અવાજે ગીત ચાલી રહ્યું હતુ, યે પ્યાર હમે કિસ મોડ પે લે આયા…
રસ્તા પર સડસડાટ પોતાની ગતિએ ચાલી રહેલી કારે વળાંક લીધો એક કાચા રસ્તા પર. કારની ગતિ ધીમી પડી. થોડા સમય બાદ તે એક સ્થળ પહોંચ્યા. ગાડીની બહાર નીકળી ત્રણેય જણાં પહોંચ્યા પોતાની પહેલી મંજીલે. વિસામો – વૃદ્ધાશ્રમ.
થોડું ચાલીને તેઓ વૃદ્ધાશ્રમના કાર્યાલયમાં પહોંચ્યા, પ્રો. દેસાઇએ પોતાની ઓળખ આપી અને તેઓ અહિયાં રહેતા વૃદ્ધોને મળવા માગે તેવી ઇચ્છા વ્યક્ત કરી. કાર્યાલયના સંચાલકે જરૂરી સૂચનાઓ આપી મળવાની સંમતિ આપી. વૃદ્ધાશ્રમનું નિર્માણ આધુનિક રીતે કરવામાં આવ્યું હતું. તેમાં તમામ સગવડો મળી રહે તેનું પુરૂ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
સવારના ૧૦ વાગ્યાની આજુબાજુનો સમય હોવાથી ત્યાં રહેતા વૃદ્ધો મંદિરે દર્શન કરી, સભાખંડમાં એક પછી એક એકઠા થઇ રહ્યાં છે. તેમની સાથે એકાદ કલાક પસાર કર્યો આ દરમિયાન કેટલાંક વૃદ્ધોએ તેમની જીવન કથાનો ટૂંકસાર આપ્યો. તેમની વ્યથા સાંભળી સ્વરા અને બંકિમ બન્ને પણ વ્યથિત થતાં જતાં હોય તેમ જણાતું હતું. કલાક એક મળવાની મંજૂરી મળી હોવાથી તેમને જય શ્રી કૃષ્ણ કહી ત્રણેય જણાં વૃદ્ધાશ્રમની મધ્યમાં આવેલા ઝાડની નીચેના બાંકડા પર બેઠા.
એક લાંબા નિસાસા બાદ પ્રો.દેસાઇએ બોલ્યા, તમે અહિંયા શું અનુભવ કર્યો? સ્વરા અને બંકિમ કાંઇ બોલી શક્યાં નહિ. પ્રો. દેસાઇ મૂળ વાત પર આવ્યા- અહિયાં રહેતા તમામ વૃદ્ધોમાંથી લગભગ ૯૦ ટકાને તેમના સંતાનો હોવા છતાં અહિં શહેરથી દૂર આ સ્થળે રહેવું પડે છે. તેમના બાળકો સાથે તેમને લોહીનો સંબંધ છે એ વાત તો તું માને છે ને બંકિમ?
બંકિમે હકારમાં માથું હલાવ્યું.
તો પછી તે સંતાનોએ તેમના લોહીના સંબંધને આટલે દૂર હડસેલી દીધા, તો અહિં પ્રેમ ક્યાં દેખાય છે. અહિં તો માત્ર ધૃણા જ છે અને કદાચ કાયરતા પણ. પ્રો. દેસાઇએ બોલવાનું ચાલું રાખ્યું. અહિં સીધો સંબંધ છે માતા- પુત્ર કે પિતા-પુત્રનો, પણ પ્રેમ ક્યાંય દેખાતો નથી. તારા કહેવા પ્રમાણે પ્રેમમાં સંબંધ હોવો જરૂરી છે.તો મને તો અહિં ક્યાંય પ્રેમ દેખાતો નથી. તને દેખાતો હોય તો મને બતાવ.
બંકિમ નતમસ્તકે આ સાંભળી રહ્યો હતો, તે નિરુત્તર હતો. પણ સ્વરાના ચહેરા પર સ્મિતની આછી રેખાઓ દર્શાઇ રહી હતી. તે વિજય તરફ આગળ વધી રહી હોય તેમ તેને લાગી રહ્યું. તેણે પ્રો.દેસાઇને કહ્યું કે તો મારો અભિપ્રાય સાચો કહેવાયને કે પ્રેમમાં સંબંધ હોવો જરૂરી નથી કારણ કે પ્રેમ નિસ્વાર્થ છે. તેનો મતલબ એ છે કે હું..
પ્રો..દેસાઇએ તેને વચ્ચેથી અટકાવી, સ્વરા હજુ મારી વાત પુરી થઇ નથી. મને વાત પુરી કરવા દે. સ્વરા તું માને છે કે પ્રેમ એક અનુભૂતિ છે. તે એક લાગણી છે, સંબંધના ટેકા વાળા પ્રેમના મૂળમાં માત્ર સ્વાર્થ જ રહેલો છે.
હા, હું દ્રઢપણે માનું છું- સ્વરાએ કહ્યું.
તો જ્યારે આ વૃદ્ધાશ્રમમાં રહેતા માતા-પિતાના સંતાનો નાના હશે ત્યારે તેમણે તેમને જે પ્રેમ આપ્યો હશે, તો તે પ્રેમમાં ક્યાંય સ્વાર્થ હશે?
ના, એ પ્રેમ નિસ્વાર્થ હોય છે- સ્વરાએ જવાબ આપ્યો.
તો તે સમયે આ લોકોના એકબીજા પ્રત્યેના પ્રેમમાં ક્યાંય સ્વાર્થ નહિ હોય એમ માની આગળ વધીએ. તો મા-બાપ જ્યારે ઘરડા થતા ગયા અને તેમના સંતાનો પગભર થતાં ગયા, ત્યારે મા-બાપના પ્રેમમાં તે જ લાગણી હોય છે, પણ આ સંતાનોએ જ્યારે તેમના આ મા-બાપને અહિં ઘરડાઘરમાં મૂકવાનો નિર્ણય કર્યો, ત્યારે તેમનો એ નિસ્વાર્થ પ્રેમ ક્યાં ગયો?
હવે, સ્વરા નિરૂત્તર હતી.
પ્રો. દેસાઇએ આગળ વાત ચાલુ રાખતા કહ્યું કે તમે બન્ને અહિં આવ્યા તે પહેલા બન્ને જણાં પોતાના અભિપ્રાય પર અડગ હતા. પણ અહિંનુ દ્રશ્ય કંઇક અલગ જ અભિપ્રાય ધરાવે છે. માતા-પિતાને સંતાનો સાથેનો સીધો સંબંધ હોવા છતાં વૃદ્ધાશ્રમમાં આશરો લેવો પડે છે અને માતા-પિતા અને સંતાનો વચ્ચે લાગણીસભર અનૂભૂતિપૂર્ણ અને અતુલનીય નિસ્વાર્થ પ્રેમ હતો, તેમ છતાં આ માતા-પિતાને અહિં વૃદ્ધાશ્રમમાં આશરો લેવો પડે છે.
એટલામાં જ ત્યાં ચાલીસ જેટલાં નાના બાળકોનું આવ્યું અને હસતુ-રમતુ અને કૂદકા મારતુ આ ટોળું સીધુ પહોંચી ગયું વૃદ્ધાશ્રમના સભાખંડમાં. સભાખંડનું દ્રશ્ય કંઇક આવુ છે, નાના-નાના છોકરા છોકરીઓનું ટોળું વૃદ્ધાશ્રમના એ ઘરડા લોકો સાથે હસી ખુશીથી વાતો કરી રહ્યું છે. સભખંડમાં આનંદનું મોજુ ફરી વળ્યું, ઉદાસ વૃદ્ધોના ચહેરા પર હાસ્ય ઉભરી આવ્યું, બોખા થઇ ગયેલા ચહેરામાંથી હાસ્ય અવિરત નીતરે છે. નાના બાળકોને તેમના દાદા-દાદી અને દાદા-દાદીને તેમનાં પૌત્ર મળી ગયા હોય તેવું લાગી રહ્યું.
થોડા સમય પહેલાના ઉદાસ ચહેરા પર સ્મિત સ્થાન લઇ લીધું તે દ્રશ્ય જોઇ પ્રો.દેસાઇ, સ્વરા અને બંકિમ આનંદિત થયાં. ત્યાંથી પસાર થતાં એક મહિલા કે જે બાળકો સાથે આવી હતી, તેને પુછ્યું કે આ બાળકો કોણ છે?
મહિલાએ જણાવ્યું કે આ બાળકો અહિંથી થોડે દૂર આવેલા એક અનાથશ્રમમાં રહે છે, રજાના દિવસે અહિં આવતા હોય છે.
એક બીજા સામે નજર કરી ફરીથી સભાખંડ તરફ આંખો સ્થિર કરી સ્થિતપ્રજ્ઞ બની દ્રશ્ય જોઇ રહ્યાં. અહિં દેખાતો હતો લાગણીસભર, અતુલનીય, અનુભૂતિ કરાવતો નિસ્વાર્થ પ્રેમ અને એક સંબંધના ટેકા વાળો પ્રેમ. ઘરડા મા-બાપને એ ચિંતા નહોતી કે તેઓ જે પ્રેમ આ બાળકોને આપી રહ્યાં છે તેના બદલામાં તેઓ તેમને ઘરની બહાર કાઢી મૂકી સીધા ઘરડાઘરમાં પહોંચાડી દેશે.
આ લોકો વચ્ચે સંબંધ હતો, ભલે તે લોહીનો સંબંધ ન હતો, પણ તેમને જોઇ રહેલા કોઇપણ વ્યક્તિને એવું ના લાગે કે તેમની વચ્ચે સંબંધ નથી. અહિં સંબંધ હતો, હાં ચોક્કસ સંબંધ હતો.
કેટલાંક સમય સુધી આ દ્રશ્ય જોતા તેમને સમયની ખબર જ ન પડી, અચાનક ઘડિયાળ તરફ નજર જતાં ત્રણેય જણાં તંદ્રામાંથી બહાર આવ્યા. કાર્યાલયમાં પહોંચી તેમને સમય ફાળવવા બદલ આભાર વ્યક્ત કર્યો અને પોતાની શક્તિ પ્રમાણે પોતાની ભેટ આપી, થોડી વૃદ્ધાશ્રમ માટે અને થોડી અનાથાશ્રમ માટે.
વિદાય લઇ તેઓની કાર કાચા રસ્તા પરથી પાકા રસ્તા સુધી આવી ત્યાં સુધી માત્ર નીરવતા હતી. આ સફર દરમિયાન ક્યારેય સ્વરા અને બંકિમ તરફ એકબીજા સામે જોઇ લેતા અને એકબીજાની નજર પડતાં નજર હટાવી દેતા. પ્રો.દેસાઇએ વાતાવરણને હળવુ બનાવતા કહ્યું કે હવે મને તો ખૂબ જ ભૂખ લાગી છે, અને તમને બન્નેને? સ્વરા અને બંકિમને પણ ભૂખ લાગી હતી. તેમણે હાં કહી અને પ્રો.દેસાઇએ કારને એક હાઇવે હોટલ તરફ વાળી. કાર પાર્ક કરી ત્રણેય જણાં ફેમિલી રૂમમાં ગોઠવાયા. જમતા સમયે પણ સ્વરા અને બંકિમ વૃદ્ધાશ્રમનાં વાતાવરણમાંથી બહાર નીકળી શક્યાં ન હતા, તેમ જણાંતા પ્રો.દેસાઇએ કહ્યું ‘પ્રેમ નામે લાગણી’નો કોનો અભિપ્રાય સાચો છે તેનો નિર્ણય હવે હું આવતી કાલે જણાવીશ પણ મારે તમારા મત પણ જાણવા છે, તો મને મદદ કરશોને? અરે…તમારે બન્નેએ તો મને મદદ કરવી જ પડેશે, ભાઇ મારી ભૂમિકા તો અત્યારે પરીક્ષક કરતાં વિદ્યાર્થી જેવી થઇ ગઇ છે. તેવી રમૂજ કરી અને વાતવરણ થોડું હળવું બન્યું. જમીને લગભગ ત્રણ વાગ્યાની આસપાસ કોલેજના કેમ્પસમાં પહોંચ્યા. આવતીકાલે કોલેજના સમય કરતાં વહેલાં મળવાનું નક્કી કરી ત્રણેય છુટા પડ્યા.
***
બીજા દિવસે સવારે કોલેજમાં સ્વરા અને બંકિમ મળ્યા. આ વખતે સ્વરાએ સામેથી બંકિમને સ્મિત આપ્યું. બન્ને વચ્ચેનો મતભેદદૂર થયો હોય તેમ લાગી રહ્યું હતું. કોલેજ શરૂ થવાની હજુ વાર હોવાથી કોલેજમાં ખાસ એટલી ચહલ-પહલ ન હતી. બન્ને સ્ટાફરૂમમાં તરફ પ્રો.દેસાઇને મળવા જઇ રહ્યાં હતા, ત્યાંજ સામેથી પ્રો.દેસાઇ આવતા દેખાયા. પ્રો.દેસાઇએ એક સૂચક સ્મિત આપી બન્નેને સ્ટાફરૂમમાં બેસવા માટે જણાવ્યું. થોડે દૂરથી પ્રો. દેસાઇ જોઇ રહ્યાં હતા કે સ્વરા અને બંકિમ હવે એકબીજા સાથે ધીરેધીરે હળીમળી રહ્યાં હતા. તેમનું એકબીજા પ્રત્યેના વર્તનમાં બદલાવ દેખાઇ રહ્યો હતો.
પ્રો.દેસાઇઃ કે આજે બપોરે હું પરિણામ જાહેર કરીશ કે કોનો અભિપ્રાય યોગ્ય છે. પણ એમાં મારા સહિત બીજા બે નિર્ણાયક હશે. એક હું, બીજી સ્વરા અને ત્રીજો બંકિમ. સ્વરા અને બંકિમ એકબીજા સામે જોઇ રહ્યા.
પ્રો.દેસાઇએ પરિણામ તો હું જ જાહેર કરીશ, પણ તેમાં છૂપો નિર્ણય તમારા બન્નેનો રહેશે. બોલો સ્વરા અને બંકિમ તમને ગઇ કાલે જે અનુભવ થયો તેના પરથી તમને તમારા બન્નેમાંથી કોનો અભિપ્રાય યોગ્ય લાગે છે. અને બન્નેએ એક સાથે એકબીજાની સામે આંગળીનો ઇશારો કર્યો, અને ત્રણેય જણાં ખડખડાટ હસી પડ્યા.
સ્વરા અને બંકિમ હવે પોતાના ક્લાસરૂમમાં જઇ લેક્ચર એટેન્ટ કરવા ગયા. બપોરની રીસેસ સમયે કોનો અભિપ્રાય સાચો છે તે નિર્ણય જાણવા માટે બે દિવસ પહેલા થયેલી ચર્ચા સમયે હાજર વિદ્યાર્થીઓનું ટોળું પણ એક પછી એક સ્વરા અને બંકિમ પાસે જમા થવા લાગ્યું. હાસ્યની છોળો ઉછાળતા અને રમૂજ કરતા ટોળાનો શેરબકોર વધતો જતો હતો. પણ સ્વરા અને બંકિમ શાંત થઇ ચૂપચાપ ઉભા હતા. પ્રો. દેસાઇ આવ્યા, ટોળાનો અવાજ ધીમે ધીમે શાંત થઇ ગયો.
પ્રો.દેસાઇઃ પ્રેમ નામે લાગણી સંદર્ભે કોનો અભિપ્રાય યોગ્ય છે તે બાબતે મારો નિર્ણય એ છે કે પ્રેમ એ અનુભૂતિ છે, પ્રેમ અતુલનીય છે, પ્રેમ એ લાગણી છે, પણ સાથે સાથે પ્રેમને સંબંધના ટેકાની જરૂર છે, પછી તે કોઇ પણ પ્રકારનો સંબંધ હોય. એટલે મારા મતે વિજેતા છે એ વૃદ્ધાશ્રમ જેની અમે ત્રણેય જણાંએ ગઇકાલે મુલાકાત લીધી હતી. કેમ સ્વરા અને બંકિમ મારો નિર્ણય બરોબર છે ને? તમને બન્નેને કોઇ વાંધો હોય તો તમે જણાવી શકો છો. એમ કહી હળવું સ્મિત આપ્યુ. સ્વરા અને બંકિમે નિર્ણયને માન્ય રાખ્યો. પ્રો.દેસાઇએ કહ્યું કે હવે તમને આપેલા પેલા કાગળ પર લખો કે પ્રેમ એ અનુભૂતિ છે, પ્રેમ અતુલનીય છે, પ્રેમ એ લાગણી છે, પણ સાથે સાથે પ્રેમને સંબંધના ટેકાની જરૂર છે, પછી તે કોઇ પણ પ્રકારનો સંબંધ હોય અને સહી કરી એકબીજાને આપો. જે તમારૂં જીવનપર્યત સંભારણું બની રહેશે. બંકિમ અને સ્વરાએ કાગળ પર હસ્તાક્ષર કરી એકબીજાના કાગળ બદલ્યા અને હૈયા પણ. સ્વરા અને બંકિમના હૃદયમાં એકબીજા પ્રત્યે ગઇકાલે રોપાયેલા પ્રેમના બીજને અંકુર ફૂટ્યા. સમયનું ચક્ર ફરતું રહ્યું, તે બન્નેનો અભ્યાસ પણ પૂર્ણ થઇ ગયો. વિદાય વખતે તે બન્નેએ પ્રો.દેસાઇને પ્રેમની સાચી ઓળખ કરાવવા બદલ ખૂબ જ આભાર માન્યો.
***
સવારથી ઘરનું કામ કરવામાંથી ઉચુ અવાતું નથી. તમને મારા પ્રત્યે પહેલા જેવી લાગણી નથી રહી, તમારા પ્રેમમાં ઓટ આવી રહી છે, તમને મારી કોઇ દયા જ આવતી નથી. આ છોકરો ક્યારનોય રડે છે, તેને શું જોઇએ છે તે પૂછો, તમારો અને એનો સંબંધ પિતા-પુત્રનો છે, તેની તમને ખબર હોવી જોઇએ, તેને પ્રેમ જોઇએ છે, મહિનામાં વીસ દિવસ ઓફિસ કામ માટે ઘરની બહાર રહો છો, તો છોકરો પણ તમને ક્યાંથી ઓળખે.. એક વર્ષનો થવા આવ્યો પણ તેને પિતાનો પ્રેમ મળી રહ્યો નથી, હવે તો તમારે પ્રેમ આપવા માટે સંબંધનો પણ ટેકો છે..તો તકલીફ શું છે? – સ્વરા એક શ્વાસે બોલી રહી હતી.
મને યાદ અપાવવાની જરૂર નથી કે અમારો સંબંધ પિતા-પુત્રનો છે, હું તેને એટલો જ પ્રેમ કરૂં છું, પણ તે અનુભવ કરી શકતો નથી, તે લાગણીઓને સમજી શકતો નથી, એમાં મારો શું વાંક? પંદર દિવસ ઓફિસ કામ માટે બહારગામ રખડીને આવ્યા હોય તો પણ આ જ બકબક સાંભળવાની. લાગણી, દયાની વાત કરે છે તો તે તારા પ્રેમમાંથી પણ ગાયબ થઇ ગઇ છે, આ ઘર હવે વેરાન લાગી રહ્યું છે મને. – બંકિમે વળતો જવાબ આપ્યો.
બન્ને વચ્ચે રકઝક ચાલુ થઇ ગઇ, એકબીજા પર આક્ષેપોથી હુમલો કરી રહ્યાં હતા. નાના બાળકની તેમને કોઇ પરવાહ જ નહોતી. અવાજથી આખુ ઘર ધ્રુજી રહ્યું હતું. એટલામાં ડોરબેલનો અવાજ સંભળાયો. સ્વરાએ બબડતા દરવાજો ખોલ્યો, એક માણસ કવર લઇને ઊભો હતો. કવર લઇ દરવાજો બંધ કરી સ્વરાએ કવર બંકિમ તરફ ફેક્યું. બંકિમે પણ ખીજાઇ ગયો અને બબડતા બબડતા કવર ખોલ્યું, તે શાંત થઇ ગયો હવે સ્વરાનો જ અવાજ સંભળાઇ રહ્યો હતો, સ્વરા પણ બંકિમને શાંત જોઇ તેના તરફ આવી બંકિમના હાથમાં રહેલ પત્રિકા જોઇ તે પણ શાંત થઇ ગઇ, હવે માત્ર નાના બાળકના રડવાનો અવાજ જ સંભળાઇ રહ્યો હતો. સ્વરા અને બંકિમ બન્ને એકસાથે દોડી પોતાના દિકરાને ઉંચકી લીધો, છોકરો પણ શાંત થઇ ગયો.હવે ઘર એકદમ નીરવ થઇ ગયું.
બંકિમે કહ્યું, આપણે ત્રણેય પ્રો.દેસાઇના વિદાય સમારંભમાં જઇશું, તું આવીશને સ્વરા?
સ્વરાએ હાથમાં ઉંચકેલ બાળક સાથે બંકિમને બાથ ભરી રડતા અવાજે કહ્યું, હા.. આપણે ત્રણેય ચોક્કસ જઇશું.
ફરીથી એ સૂકાઇ ગયેલી લાગણીઓના છોડને પ્રેમે ભીનાશ બક્ષી અને ઘર બગીચા સમાન લાગવા લાગ્યુ.
સમાપ્ત