શિવજીના ભક્તોનો પ્રવાહ હવે ઘર તરફ ફંટાયો. મહાવદતેરશ શિવરાત્રીનો શુભ દિવસ. ગામનું શિવાલય આજ હકડેઠઠ ભરેલું હતું. આજ સવારથી જ રઘલાની નજર ભીખ માંગવા કરતા શિવલિંગ પર થતા દુગ્ધાભિષેક પર વધારે હતી. ગૌમુખીમાંથી વહેતી દુધની ધારાઓ પર નજર પડતા જ એના મોમાં પાણીની સહસ્ત્ર ધારાઓ વછુટતી..એકીટશે એ દુધના પ્રવાહને ધરતી પર વિલીન થતો જોતો. એનું નાનકડું મન તર્ક કરતુ કે આ દૂધના પ્રવાહને કોઈ ગરીબની ક્ષુધા તૃપ્ત કરવા કરતા આમ કાદવ સાથે કેમ વિલીન થવા દેવામાં આવે છે. આજ પણ પોતાની માની નજર ચૂકવીને રઘલો એક મોટો લોટો સંતાડીને ઘરેથી લઇ આવ્યોતો. પણ એની પાસે આ દુધની ધારાઓને કાદવમાં ભળતી જોવા સિવાઈ કોઈ વિકલ્પ નહોતો.. ગયા વર્ષે બનેલો પ્રસંગ એને અટકાવતો’તો,
એને યાદ હતું..કે લોકોનો પ્રવાહ ઘટતા જ એણે ગૌમુખીનીચે લોટો ધરી દીધોતો, આખો લોટો શેરકઢું દૂધ મોઢે માંડીનેએ ગટગટાવી ગયો’ તો…પણ આ શું ? મંદિરના પૂજારીની નજર પડતા જ ગોકીરો મચી ગયો, સૌએ ભેગા મળીને રઘલાને મારી મારીને અધમુવો કરી દીધો હતો . ચોર સાલો..દૂધ ચોરે છે..અર્ધબેભાન અવસ્થામાં પુજારીના શબ્દો કાને અથડાયા ને પેટ પર પૂજારીની લાત. દર્દથી રઘલો બેવડો વળી ગયો..
‘ ઓય મા …’
પણ આજે કોઈ નથી, હવે મંદિર ખાલી થઇ ગયું છે. અને એણે હિંમત કરી ગૌમુખી નીચે દુધનો લોટો ધરી દીધો.આખો લોટો એકી શ્વાસે એ ગટગટાવી ગયો. અને એક લોટો ઘરે પથારીવશ મા માટે.
વંડી ઠેકી સીધો જ સડસડાટ ઘરે.
સાંજે આરતીમાં લોકોએ અનુભવ્યું કે આજ શિવલિંગનું તેજ કઈ ઔર હતું…સાચો દુગ્ધાભિષેક થયો તો ને.
Guest Author
શૈલેષ પંડ્યા (નિશેષ)