અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોન્ટ્રાકટમાં કામ કરતી યુડીએસ કંપનીના કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. જેના કારણે રોષે ભરાયેલા ૧૦૦થી વધુ કર્મચારીઓ આજથી અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. ખાનગી કંપનીઓ દ્વારા સ્થાનિક કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જેને લઇ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે મોટો વિવાદ સર્જાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયુ ત્યારથી કોઇક ને કોઇક વિવાદ સામે આવતો રહે છે. અગાઉ પણ કર્મચારીઓને પગાર નહી અપાયાનો વિવાદ સામે આવી ચૂકયો છે, તો, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટમાં આગ સહિતની ઘટનાઓ અને મુલાકાતીઓ માટે પૂરતી સુવિધા અને વ્યવસ્થા નહી હોવા સહિતના કારણોને લઇ અનેક વિવાદ સામે આવ્યા છે પરંતુ સરકાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી વિવાદમુકત વાતાવરણ માટેના કોઇ જ અસરકારક કે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરાયા નથી. તેના કારણે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓના પગારનો નવો એક વિવાદ સામે આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહી મળતાં તેઓ હવે રોષે ભરાયા છે. વારંવારની રજૂઆત કરવા છતાં પગાર નહી મળતાં નારાજ અને આક્રોશિત કર્મચારીઓ આજથી અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા. એટલું જ નહી, ૧૦૦થી વધુ કર્મચારીઓ જાહેરમાં રસ્તા પર બેસી જઇ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરી સત્તાવાળાઓ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સિક્યુરિટી, ચેકીંગ, ગાર્ડનિંગ, સફાઈ, લિફ્ટ મેન, ટિકિટ ચેકીંગ સહિત કામગીરી કરતા કર્મચારીઓને યુડીસી કંપનીએ અનિયમિત પગાર આપવામાં આવે છે. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી થાય છે. કંપની દ્વારા નિર્દોષ અને કામ કરતાં કર્મચારીઓનું ગંભીર શોષણ થઇ રહ્યું છે. કર્મચારીઓ આ શોષણયુકત નીતિથી ત્રસ્ત છે, તેનો કાયમી ઉકેલ અને નિરાકરણ લાવવા પડશે.